Western Times News

Gujarati News

બનાસકાંઠામાં ત્રણ દિવસમાં ચાર ગમખ્વાર અકસ્માત

Files Photo

બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની વણઝાર હજુ યથાવત્‌ છે. ત્રણ દિવસમાં અલગ-અલગ ચાર જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં કુલ સાત લોકોના કરુણ મોત નિપજ્યા છે. અકસ્માતોને પગલે જિલ્લા ટ્રાફીક વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલ થઈ ગયા છે.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ ચાર જગ્યાએ અકસ્માતો સર્જાયા છે. આજે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી અને ડીસા ખાતે રહેતી નિકિતા ઠક્કર સવારે નોકરીએ જવા માટે ઘરેથી નીકળી હતી જે ડીસા હાઈવે પર ઓવર બ્રિજના છેડે આવેલા પેટ્રોલપંપ પર પોતાના એક્ટિવામાં પેટ્રોલ ભરાવીને બહાર નીકળતા પૂર ઝડપે આવેલા અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં નિકિતાબેનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ વાહનચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે આજુબાજુના લોકો અને ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવતીની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

આ સિવાય ગઈકાલે અમીરગઢ પાસે ડમ્પર ચાલકે રોડ ક્રોસ કરતી વિદ્યાર્થિનીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પર નીચે કચડાઇ જતા વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું. આ સિવાય થરાદ પાસે પણ અલગ અલગ બે જગ્યાએ અકસ્માતો સર્જાયા હતા. થરાદ સાચોર હાઇવે પર ડમ્પર અને ઇકો કાર સામસામે ટકરાતા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ઇકો કારમાં બેઠેલા ચાર મુસાફરોના મોત થયા હતા.

કારમાં બેઠેલા મેઘા પટેલ, રવારામ મેઘવાલ, રાજાભાઈ ધમણ અને પ્રકાશ મજીરાણા નામના ૪ મુસાફરોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા. તેમજ અન્ય મુસાફરો ને પણ એક ગંભીર ઈજાઓ પહોંચી હતી.જ્યારે વાવ રોડ પર પણ ચારડા પાસે ટેન્કર જેસીબી સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટેન્કરચાલકનું મોત થયું હતું. આમ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં કુલ સાત લોકોના મોત નિપજ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.