Western Times News

Gujarati News

પેટલાદમાં ભાજપે બેઠક જાળવી રાખી; ભાજપના ઉમેદવારની જંગી બહુમતથી જીત

(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ નગરપાલિકાના વોર્ડ નં૧ની એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. જેનું મતદાન તા. ૨૮ નવેમ્બરના રોજ થયું હતું. આ બેઠક માટેની મતગણતરી આજરોજ સવારે ૯ કલાકે મામલતદાર કચેરી ખાતે હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવારનો જ્વલંત વિજય થયો હતો. આમ આ બેઠક ભાજપે જાળવી રાખી છે.

આજરોજ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી મનિષા બ્રહ્મભટ્ટની ઉપસ્થિતમાં મતગણતરી શરૂ થઈ હતી. આ વોર્ડના કુલ ૫૨૦૪ મતદારોમાંથી ૩૨૨૮નું મતદાન થયું હતું. આ પેટા ચૂંટણીમાં પાંચ ઉમેદવારો હતા. આજરોજ પ્રથમ રાઉન્ડથી જ ભાજપ આગળ જાેવા મળતું હતું.

જાે કે પ્રથમ રાઉન્ડમાં ભાજપ અને આપના ઉમેદવારો વચ્ચે ખૂબ જ ઓછો તફાવત હોવાને કારણે ભારે ઉત્તેજના ફેલાઈ હતી. પરંતુ બીજા જ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર નરેશભાઈ તળપદા ખૂબ જ આગળ નીકળી જતાં બાકીના ઉમેદવારોમાં ગમગીની જાેવા મળી હતી.

ત્યારબાદ મતગણતરી આગળ વધતાં કુલ પાંચ રાઉન્ડની ગણતરી પૂર્ણ થતાં ભાજપના નરેશભાઈ તળપદાને ૧૬૮૪ મત મળતાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસના જયેશભાઈ તળપદાને ૭૧૦ મત મળતાં બીજા સ્થાને રહ્યા હતા. આમ આદમી પાર્ટીના સંજયભાઈ પટેલિયાને ૪૨૪, અપક્ષના વિજયભાઈ તળપદાને ૨૭૫ અને અપક્ષના તૌફિકખાન પઠાણને માત્ર ૮૬ મત મળ્યા હતા.

કુલ ૩૨૨૮ માંથી ૪૯ મત નોટામાં પડ્યા હતા. અત્રે નોંધપાત્ર બાબત એ છે કે ભાજપ સિવાયના ચાર ઉમેદવારને મળેલ મતોનો સરવાળો કરીએ તેના કરતાં પણ ભાજપને વધુ મત મળતાં ભાજપ છાવણી ગેલમાં આવી ગઈ હતી. ઉપરાંત શહેરના રાજકીય પંડિતોની ગણતરી અવળી પડતાં કોંગ્રેસ બીજા સ્થાને રહ્યું હતું.

જ્યારે રેસમાં જે ઉમેદવારની ગણતરી થતી હતી તે અપક્ષ ઉમેદવાર વિજયભાઈ તળપદાનો કારમો પરાજય થયો હતો. આ પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ વિજયી ઉમેદવાર સહિત ભાજપના નેતાઓ, પાલિકાના કાઉન્સીલરો, સંગઠનના હોદ્દેદરો, ઉમેદવારના ટેકેદારો વગેરે રેલી સ્વરૂપે પોતાના મત વિસ્તારમાં પહોંચ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.