Western Times News

Gujarati News

ચાર મહિના અગાઉ દહેગામ જીઆઈડીસીમાં માલિકની હત્યા કરી ફરાર થયેલો કારીગર ઝડપાયો

માલિક વારંવાર ગાળો બોલતાં અને રૂપિયા ન આપતાં ગુસ્સામાં હત્યા કરી હોવાનો ખુલાસો

(પ્રતિનિધિ)અમદાવાદ, ગાંધીનગર જીલ્લાનાં દહેગામ જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાં માલીકનું ખૂન કરી કારીગર ફરાર થઈ ગયો હતો. આ ઘટનાનાં લગભગ ચાર મહિના બાદ શહેર ક્રાઈમ બ્રાંચ હત્યારાને બિહારથી ઝડપી લીધો છે.

આ અંગેની વિગત એવી છે કે દહેગામ જીઆઈડીસીમાં આવેલી હરી પીવીસી નામની પાઈપની ફેક્ટરીનાં માલીક ગૌતમ પટેલને તેમની ફેક્ટરીમાં કામ કરતાં કારીગર અખિલેશ ઊર્ફે અકલેશ બિહારીએ માથામાં પાઈપો મારી હત્યા કરી નાંખી હતી. અને ૬૦ હજારની રોકડ તથા મોબાઈલ ફોન ચોરીને તે ફરાર થઈ ગયો હતો.

દરમિયાન ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ નિખીલ બ્રહ્મભટ્ટની ટીમને અખિલેશ તેનાં વતન બિહારમાં છુપાઈને રહેતો હોવાની બાતમી મળી હતી. જેનાં આધારે તેની ટીમ બિહારનાં અરેરીયા જીલ્લામાં આવેલાં રૂગનાથપુરા ગામે પહોંચી હતી અને ઝડપી લીધો હતો.

અમદાવાદ લાવીને પૂછપરછ કરતા પોતે ગૌતમ પટેલની ફેક્ટરીમાં અઢી માસથી રોજનાં ૨૦૦ રૂપિયા લેખે લેબર મજુરી કામ કરતો હતો. મૃતક ગૌતમ તેની સાથે કામ બાબતે અવારનવાર ઝઘડો કરી ગાળો બોલતા હતા. અને પગારનાં બાકી નીકળતાં રૂપિયા ૨૦૦૦ પણ આપતાં ન હતા.

બનાવનાં દિવસે ગૌતમે અખિલેશને મશીન ચલાવવાનું કહ્યું હતું. દરમિયાન તેને વતનમાં જવું હોવાથી ૨૦૦ રૂપિયા માંગતા ગૌતમે કામ પતાવીને જવાનું કહ્યું હતું. જેથી બંને વચ્ચે બબાલ થતાં અખિલેશે લોખંડની પાઈપ લઈ વારંવાર ગૌતમનાં માથામાં મારી હતી અને ત્યાંથી રોકડ તથા મોબાઈલ લઈ ઘરે ગયો હતો. બાદમાં પત્ની સાથે વતન ભાગી ગયો હતો. ત્યાં જઈ મોબાઈલ ફેંકી દીધો હતો જ્યારે રૂપિયા વાપરી નાંખ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.