Western Times News

Gujarati News

નવી મુંબઈની શાળાના ૧૬ છાત્રો કોરોનાથી સંક્રમિત

પ્રતિકાત્મક

નવી મુંબઈ, હવે બાળકોને પણ કોરોના થઈ રહ્યો છે, અને ખાસ કરીને સ્કૂલોમાં તેનો પ્રસાર થઈ રહ્યો હોવાની એક પછી એક ઘટના સામે આવી રહી છે. નવી મુંબઈના ઘાંસોલીમાં પણ આવું જ કંઈક થયું છે, જ્યાં ધોરણ ૮થી ૧૧માં ભણતા ૧૬ વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું ખૂલ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં સ્કૂલના ૮૧૧ સ્ટૂડન્ટ્‌સના ટેસ્ટ કરવામાં આવ્યા છે, અને બાકી રહેલા ૬૦૦ જેટલા સ્ટૂડન્ટ્‌સનું ટેસ્ટિંગ શનિવાર સુધીમાં પૂરું કરી દેવાશે. જે બાળકો પોઝિટિવ આવ્યા છે તે તમામને સ્થાનિક કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.

કોર્પોરેશનના એક અધિકારીના જણાવ્યા અનુસાર, તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એક છોકરાના પિતા કતારથી ૯ ડિસેમ્બરના રોજ પરત આવ્યા હતા. આ વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો. પરંતુ તેમના પરિવારજનોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેમાં તેમના ૧૧મા ધોરણમાં ભણતા દીકરાનો પણ સમાવેશ થાય છે.

સ્કૂલે જતા છોકરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના ક્લાસના તેમજ અન્ય બાળકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૧૬ જેટલા બાળકો પોઝિટિવ આવ્યા છે.

આ તમામ બાળકોને વાશીમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમની ટ્રીટમેન્ટ ચાલુ હોવાનું પણ આ અધિકારીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સ્ટ્રેઈનથી સંક્રમિત દર્દીઓનો આંકડો શુક્રવારે ૪૦ પર પહોંચી ગયો હતો. ગઈકાલે રાજ્યમાં ઓમિક્રોનના ૮ નવા કેસ આવ્યા હતા. જેમાંથી છ પૂણે જ્યારે એક-એક મુંબઈ અને કલ્યાણ ડોંબિવલીમાં નોંધાયા હતા. અત્યારસુધી ઓમિક્રોનના ૨૫ દર્દીઓ સાજાં થઈ ચૂક્યા છે અને તેમને ડિસ્ચાર્જ પણ કરી દેવાયા છે.

બીએમસીના જણાવ્યા અનુસાર, અમેરિકાથી પરત આવેલા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, અને તેને ઓમિક્રોનનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું હતું. આ વ્યક્તિએ ફાઈઝર વેક્સિનના બંને ડોઝ ઉપરાંત બુસ્ટર ડોઝ લીધો હોવા છતાંય તેને કોરોના થયો છે. શહેરમાં ગઈકાલે કોરોનાના ૨૯૫ કેસ નોંધાયા હતા, અને એક દર્દીનું મોત થયું હતું. હાલ શહેરમાં કોરોનાના ૧૯૪૦ એક્ટિવ કેસ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.