Western Times News

Gujarati News

દેશમાં બેરોજગારી દર ડિસેમ્બર મહિનામાં રેકોર્ડ ૭.૯૧% પર પહોંચી ગયો છે

નવીદિલ્હી, ભારત દેશ કોરોનાની ત્રીજી લહેરના દરવાજાે ઊભો છે, પરંતુ તેને કારણે દેશમાં બેરોજગારી બેકાબૂ થઈ ગઈ છે. દેશમાં બેરોજગારી દર ડિસેમ્બર મહિનામાં રેકોર્ડ ૭.૯૧% પર પહોંચી ગયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના જણાવ્યા અનુસાર, આ દર ગત ચાર મહિનામાં સૌથી વધુ છે.

૨૦૨૧માં ઓક્ટોબરને છોડીને બાકી ૧૧ મહિનાઓમાં ભારતના ગામોની સરખામણીમાં શહેરોમાં વધુ બેરોજગારી રહી. શહેરોમાં કામ કરવાની ઈચ્છા અને સ્કિલ હોવા છતા લોકોની પાસે કોઈ નોકરી નથી. એવામાં ઓમીક્રોનના કારણે પાબંધીઓનો દોર પાછો આવે, તો દેશમાં બેરોજગાર યુવાઓની સંખ્યા હજુ વધી શકે છે. તે અંગે કેટલીક માહિતી અહીં આપવામાં આવી છે.

સામાન્ય ભારતીય વિચારે છે કે, જ્યારે ગામમાં કામ નથી મળી રહ્યું તો શહેરો તરફ કૂચ કરો. શહેરોમાં નોકરીની વધુ તક હોય છે, એવામાં શહેરોમાં કામ મળી જશે.

CMIEના રિપોર્ટે હવે તેને ખોટું સાબિત કરી દીધુ છે. ૨૦૨૧માં માત્ર એક ઓક્ટોબર મહિનાને છોડી દઈએ તો, બાકી મહિનાઓમાં શહેરી બેરોજગારી દર ગ્રામીણ બેરોજગારી દર કરતા વધુ રહ્યો છે. ગ્રામીણ બેરોજગારી દર ઓછો હોવાના મુખ્ય બે કારણો છે. પહેલું, સારું હવામાન હોવાથી બીજી લહેર દરમિયાન શહેરમાંથી ગામમાં જનારા લોકોને ખેતરોમાં કામ મળ્યું. બીજું એ કે, અલગ-અલગ રાજ્યોની સરકારોએ પણ મનરેગા દ્વારા લોકોને રોજગાર આપ્યો.

ભારતમાં વીતેલા ૪ મહિનાની વાત કરીએ તો સૌથી ઓછો બેરોજગારી દર સપ્ટેમ્બર મહિનામાં ૬.૯% હતો. ત્યારબાદ ઓક્ટોબરમાં ફરી એકવાર બેરોજગારી દરમાં વૃદ્ધિ થઈ અને આંકડો ૭.૮% પર પહોંચી ગયો. નવેમ્બરમાં ઓવરઓલ બેરોજગારી દર ૭% રહ્યો.

જ્યારે ડિસેમ્બરમાં વીતેલા ચાર મહિનામાં સૌથી વધુ બેરોજગારી દર ૭.૯% પર પહોંચી ગયો. આખા વર્ષની વાત કરીએ તો ભારતમાં સૌથી વધુ બીજી લહેર દરમિયાન મે ૨૦૨૧માં બેરોજગારી દર ૧૧.૮૪% રહ્યો.

CMIEના સીઇઓ ડૉ. મહેશ વ્યાસે જણાવ્યું કે, ડિસેમ્બરમાં મોટી સંખ્યામાં લોકો રોજગાર માટે નોકરી શોધતા શહેરમાં આવ્યા. તેમની સંખ્યા ૮૫ લાખ હતી. જેમા ૪૦ લાખને કામ મળ્યું, જ્યારે ૪૫ લાખને કામ ના મળ્યું. ડિસેમ્બરમાં આટલી મોટી સંખ્યામાં લોકોના શહેરમાં આવવાના બે કારણો છે- ૧. ખરીફ પાકની કાપણી ઓક્ટોબરમાં થયા બાદ ગામના લોકો શહેરમાં કામ માટે પાછા ફર્યા. ૨. રવિ પાક ઘઉં, જુવાર, સરસવ, મસૂર વગેરેની વાવણી ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં થાય છે. ત્યારબાદ ગામના લોકો કામ માટે શહેર પહોંચ્યા.

રાજ્યોની વાત કરીએ તો દેશમાં સૌથી વધુ બેરોજગારીવાળું રાજ્ય હરિયાણા છે. ડિસેમ્બર મહિનામાં હરિયાણાનો બેરોજગારી દર ૩૪.૧% રહ્યો છે. ત્યારબાદ રાજસ્થાન ૨૭.૧% બેરોજગારી દર સાથે બીજા નંબર પર છે. ઝારખંડ ત્રીજા અને બિહાર ચોથા નંબર પર છે. સૌથી ઓછાં બેરોજગારીવાળા રાજ્યોની વાત કરીએ તો કર્ણાટક ૧.૪% બેરોજગારી દર સાથે પહેલા સ્થાન પર છે. બીજા નંબર પર ગુજરાત છે.

સેક્ટરની વાત કરીએ તો કોરોના મહામારી બાદ તેનો પ્રભાવ અલગ-અલગ સેક્ટરમાં જાેવા મળી રહ્યો છે. ૨૦૨૦-૨૧માં સૌથી વધુ બેરોજગારીનો માર અસંગઠિત ક્ષેત્રના ફેરિયા અને લારી લઈને સામાન વેચરનારાઓ પર પડ્યો છે. ૨૦૧૯-૨૦ની સરખામણીમાં ૨૦૨૦-૨૧માં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારાઓની સંખ્યા ૧૪.૫%ના દરથી ઘટી છે. માત્ર કૃષિ ક્ષેત્રમાં ૨૦૨૧માં રોજગારની સ્થિતિ યોગ્ય રહી છે. કૃષિ ક્ષેત્રમાં રોજગારીની વાત કરીએ તો ૨૦૨૦ની સરખામણીમાં ૨૦૨૧માં ૭.૭%ના દરથી વૃદ્ધિ થઈ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.