Western Times News

Gujarati News

કોવીડ કાળમાં શિક્ષણક્ષેત્રે બ્રિજ કોર્સ શરુ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય

કોવીડના સમયમાં ભારતમાં અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થી સુધી કઈ રીતે પહોંચવું સૌથી મોટો પડકાર -– શ્રીમતી અનિતા કરવાલ

      કોવીડકાળમાં ભારતમાં વિવિધ રાજ્યોમાં શિક્ષણક્ષેત્રે થયેલા પ્રયોગો સફળ રહ્યા  – શ્રી પ્રેમસિંઘ, સલાહકાર, નીતિ આયોગ

અમદાવાદના સાયન્સ સીટી ખાતે આયોજિત ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઈન્સ્ટીટ્યૂશન્સ( ICAI) ને સંબોધતા ભારત સરકારના શિક્ષણ સચિવ શ્રીમતી અનિતા કરવાલે કહ્યું કે, કોવીડના સમયમાં દેશમાં  અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થી સુધી પહોંચવું કઈ રીતે સૌથી મોટો પડકાર રહ્યો છે.

શ્રીમતી કરવાલે કહ્યું કે, આ પડકારને પહોંચી વળવા ભારત સરકાર દ્વારા શ્રેણીબદ્ધ પગલાં ભરવામાં આવ્યા. તેમણે આ અંગેની રૂપરેખા આપતા કહ્યું કે, વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવવું , કેટલો સમય ભણાવવું અને તે અભ્યાસનો આઉટકમ શું છે તેનું મૂલ્યાંકન કરવા જેવા વિવિધ જટિલ મુદ્દાઓનો આપણે સામનો કર્યો અને ઉકેલ આણ્યા.

કોવીડકાળમાં ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રકલ્પોની વિગતો આપતા શ્રીમતી કરવાલે કહ્યું કે, આંદામાન –નિકોબાર જેવા કેન્દ્રશાસિત પ્રદેશમાં જ્યાં 100 થી પણ ઓછી શાળા છે, તેવા વિસ્તારોમાં સ્વંયસેવકો, શિક્ષકો અને વાલીઓની મદદથી બાળકો સુધી પાઠ્યપુસ્તકો ઘરે બેઠા પહોંચાડવામાં આવ્યા. તેમણે દિવ્યાંગ વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે ભારત સરકારના પ્રયત્નો વિશે પણ જણાવ્યું હતું.

શિક્ષણ સચિવશ્રીએ કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં ‘બડી સિસ્ટમ’ના અમલ અંગે વાત કરતાં કહ્યું કે, કોવીડના સમયમાં અભ્યાસથી વંચિત રહેવાના કારણે જે બાળકો શૈક્ષણિક રીતે નબળા રહ્યા, તેમણે વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓ દ્વારા સહાય કરવામાં આવી, આ પ્રયોગને સારી સફળતા મળી.

શ્રીમતી કરવાલે કહ્યું કે, વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સાતત્ય જળવાય તે માટે બ્રિજ કોર્સ શરુ કરનારું ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું હતું. શિક્ષણ સચિવશ્રીએ ગુજરાતમાં લાઉડ સ્પીકરની મદદથી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓઓને ભણાવવાના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ અવસરે તેમણે કોવીડ કાળમાં ઓનલાઈન શિક્ષણ સંદર્ભે થયેલી કામગીરીની વિગતો આપતા કહ્યું કે,  આપણે આ સમયમાં 65 ટકા પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓને ઓનલાઈન ઉપ્લબ્ધ બનાવ્યા. તેમણે કોવીડકાળમાં 8.5 મિલિયન શિક્ષકોને તાલીમબદ્ધ કરાયાની વિગતો પણ આપી.

આ અવસરે નીતિ આયોગના સલાહકાર શ્રી પ્રેમસિંઘે કહ્યું કે, કોવીડ દરમિયાન ભારતના વિવિધ રાજ્યોમાં શિક્ષણ ક્ષેત્રે વિવિધ પ્રયોગો થયા અને તેના હકારાત્મક પરિણામો પણ મળ્યા છે. તેમણે કહ્યું કે, શિક્ષણ ક્ષેત્રમાં પરિવર્તન માટે નીતિ આયોગનું મન ખુલ્લું છે અને શિક્ષણવિદો તેમના સૂચનો આપી શકે છે.

કોવીડની ભારત પર શિક્ષણ ક્ષેત્ર પરની અસર અંગે વાત કરતાં વર્લ્ડ બેંકના ગ્લોબલ ડાયરેક્ટર(એજ્યુકેશન) જેમી સાવેડ્રા(Mr. Jaime Saavedra, Global Director, Education, The World Bank) એ કહ્યું કે, ભારતમાં લર્નિંગ પોવર્ટીનું પ્રમાણ કોવીડ પૂર્વે 53 ટકા હતું, જે વધીને 63 થી 70 ટકાની આસપાસ પહોંચ્યું છે.

તેમણે ઉમેર્યું કે, કોવીડની  રોજગાર પરની અસર વર્ણવતા કહ્યુ કે, બાળકોની ભવિષ્યમાં સરેરાશ કમાણી કરવાની શક્તિમાં 9 ટકાનો ઘટાડો થયો છે.શ્રી જેમીએ કહ્યું કે, કોવીડની અસર સમૃદ્ધ વર્ગ કરતા ગરીબ વર્ગ પર વધુ પડી છે. શ્રી જેમી સાવેડ્રાએ કોવીડની અસર અંગે જાતિય દ્રષ્ટીકોણ સંદર્ભે વાત કરતાં કહ્યું કે,  બાળકો કરતાં બાળકીઓમાં લર્નિંગ લોસનું પ્રમાણ 20 ટકા વધુ રહ્યું છે.

તેમણે કોવીડમાંથી રિકવરી અંગેની વ્યૂહરચના વિશે વાત કરતા કહ્યું કે, હવે સરકારોએ શિક્ષણ માટે નાણાકીય વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી પડશે. તેમણે ઉમેર્યું કે, હવે શિક્ષકો અને વાલીઓએ બાળકોને શિખવા માટે પ્રેરિત કરવા પડશે. આ સંદર્ભે વાલીઓની ભૂમિકા વધુ મહત્વની બની રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, આપણે માનવીય પાસાઓ અને ટેકનોલોજી વચ્ચે સંતુલન જાળવવું પડશે અને  સર્વ સમાવેશી શિક્ષણ પર ધ્યાન આપવું પડશે. આ સંદર્ભે સમુદાયને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો.

OCED ના એજ્યુકેશન ડિરેક્ટર શ્રી એન્ડ્રીસ શેલ્ચર ( Mr. Andres ) કહ્યું કે, કોવીડ પેન્ડેમિકના કારણે જ નહીં, પરંતુ આધુનિક ટેકનોલોજીના કારણે પણ શિક્ષણ પર વ્યાપક અસર થઈ રહી છે અને તેને અનુરુપ રસ્તાઓ આપણે અપનાવવા પડશે.

તેમણે જણાવ્યું હતું કે, કોવીડના સમયમાં આપણને એ પણ સમજાયું કે શાળાઓ બાળકો માટે  માત્ર શૈક્ષણિક કેન્દ્ર નથી, પણ સામુદાયિક શિક્ષણનું પણ કેન્દ્ર છે. તેમણે શિક્ષકોની ભૂમિકાનું મહત્વ રેખાંકિત કરતાં કહ્યું કે, શિક્ષકો બાળકોના વાલી તરીકે ઘડતરમાં પણ ભૂમિકા પણ ભજવે છે.

સેશનની પૂર્ણાહુતિ પ્રસંગે શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવે મહાનુભાવોનો આભાર માન્યો હતો. તેમણે નીતિ આયોગના શ્રી પ્રેમસિંઘ અને OCED ના એજ્યુકેશન ડિરેક્ટર શ્રી એન્ડ્રીસ સાથેના તેમના સંસ્મરણો વાગોળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.