Western Times News

Gujarati News

ભારત અમેરિકા માટે રશિયા સાથે મિત્રતા નહીં તોડે: ભારત

મેલબોર્ન, ચીનની વધતી આક્રમકતા વચ્ચે ભારતે મેલબોર્નમાં ક્વાડ ગ્રૂપ ઑફ ફોરેન મિનિસ્ટર્સની બેઠકમાં પોતાની તાકાત અને વૈશ્વિક ફલક પર મહત્તાનો અનુભવ કરાવ્યો હતો. યુક્રેન હોય કે બર્મા (મ્યાનમાર), ભારતે પોતાનું સ્ટેન્ડ એકદમ સ્પષ્ટ રાખ્યું. હતું.

બેઠક બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં તેમણે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનની હાજરીમાં સ્પષ્ટ કર્યું કે તેઓ અમેરિકા માટે રશિયા સાથેની મિત્રતા ક્યારેય નહીં તોડે. વધુમાં, જુંટા પર શિકંજાે કસવા માટે વધુ પ્રતિબંધો લાદવાનું પણ સમર્થન નહોતું કર્યું.

ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે સંયુક્ત રાષ્ટ્રમાં ચર્ચા પછી જ લાદવામાં આવનાર યુએન પ્રતિબંધોનું સમર્થન કરે છે. તે કોઈપણ દેશ અથવા દેશોના જૂથ વતી એકપક્ષીય પ્રતિબંધની તરફેણમાં નથી. સંદેશ એ છે કે ભારત કોઈપણ દબાણમાં પોતાના હિત સાથે સમાધાન નહીં કરે. તે પોતાની શરતો પર તમામ દેશો સાથે સારા સંબંધો રાખવા માંગે છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સુરક્ષામાં મોટી ભૂમિકા ભજવવા માટે ચાર દેશનો ગઠબંધન ક્વાડની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ચીન વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ક્ષેત્રમાં પોતાની સૈન્ય શક્તિ વધારવાના પ્રયાસો કરી રહ્યું છે. ચીન લગભગ સમગ્ર દક્ષિણ ચીન સમુદ્ર પર દાવો કરતું રહ્યું છે. જાે કે, તાઈવાન, ફિલિપાઈન્સ, બ્રુનેઈ, મલેશિયા અને વિયેતનામ પણ તેના વિવિધ ભાગો પર દાવો કરે છે.

બેજિંગે દક્ષિણ ચીન સાગરમાં કૃત્રિમ ટાપુઓ અને લશ્કરી થાણા બનાવ્યા છે. બેજિંગનો જાપાન સાથે પૂર્વ ચીન સમુદ્ર પર પણ દરિયાઈ વિવાદ છે. ચીનની આ આક્રમકતાનો સામનો કરવા માટે ક્વાડની રચના કરવામાં આવી છે. જેમાં ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.

મેલબોર્નમાં ક્વાડ ફોરેન મિનિસ્ટર્સની ચોથી બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને ખુલ્લું રાખવા સાથે રસીની અવિરત ડિલિવરી, માનવતાવાદી સહાય અને આતંકવાદ વિરોધી પ્રયાસો પર ઘણી ચર્ચા થઈ હતી.

આ બેઠક ચીનના વધતા જતા અક્કડ વલણની પૃષ્ઠભૂમિમાં થઈ હતી. બેઠક બાદ સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં મુંબઈ અને પઠાણકોટ હુમલાનો ખાસ ઉલ્લેખ હતો. તમામ દેશોને આતંકવાદીઓના સુરક્ષિત આશ્રયસ્થાનો દૂર કરવા કહેવામાં આવ્યું હતું.

જાે કે આ દરમિયાન યુક્રેન અને મ્યાનમાર મામલે મતભેદો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. રશિયા સાથે ભારતના ગાઢ સંબંધો છે. તે યુક્રેન પર કોઈ આત્યંતિક સ્થિતિની તરફેણમાં નથી. બેઠકમાં રશિયા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ, સંયુક્ત નિવેદનમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. બ્લિંકને બાદમાં કહ્યું કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર આક્રમણ કરી શકે છે.

જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકરને ભારતના સ્ટેન્ડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ભારત પહેલા જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પોતાનો પક્ષ રજૂ કરી ચૂક્યું છે. ભારત ઈચ્છે છે કે તમામ દેશોની સુરક્ષાની ચિંતાઓનું ધ્યાન રાખવામાં આવે.

ચીન-રશિયાની ભાગીદારી અને તેનો સામનો કરવા માટે ક્વાડ શું કરી રહ્યું છે તેવા પ્રશ્નના જવાબમાં જયશંકરે કહ્યું કે આ જૂથ કોઈના વિરુદ્ધનું નથી. તે તમામ પ્રાદેશિક દેશોની સાર્વભૌમત્વની સુરક્ષા માટે આહ્વાહન કરે છે.

મ્યાનમારના મુદ્દે ભારતનું વલણ અમેરિકાથી અલગ હતું. ઓસ્ટ્રેલિયાનું સ્ટેન્ડ પણ ભારત સાથે મેળ ખાતું જાેવા મળ્યું હતું. યુ.એસ., બ્રિટન અને કેનેડા મ્યાનમારમાં લશ્કરી બળવા માટે જવાબદાર નક્કી કરવા અને સ્થાનિક અધિકારીઓ પર પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહ્યા છે. જાે કે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે રાષ્ટ્રીય પ્રતિબંધોની નીતિને સમર્થન આપતું નથી. ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે તે કોઈપણ દેશ અથવા દેશોના જૂથ વતી એકપક્ષીય પ્રતિબંધની કાર્યવાહીને સ્વીકારતું નથી. આ કિસ્સામાં, તે ફક્ત યુએન પ્રતિબંધો સાથે સંમત છે.

જયશંકર ૧૦ થી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન વિદેશ મંત્રી તરીકે ઓસ્ટ્રેલિયાની પ્રથમ મુલાકાતે છે. તેમણે ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસના વિદેશ પ્રધાનો સાથે ચોથી ક્વોડ ફોરેન મિનિસ્ટર્સની મીટિંગમાં ભાગ લીધો હતો. તેમણે શુક્રવારે કહ્યું હતું કે ભારત, યુએસ, ઓસ્ટ્રેલિયા અને જાપાન વચ્ચેના મજબૂત સંબંધોને કારણે ક્વાડ વૈશ્વિક કલ્યાણ માટે એક સંકલિત શક્તિના સ્વરુપે સારી રીતે કામ કરી રહ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.