Western Times News

Gujarati News

નક્સલવાદી વિસ્તારોમાં સુરક્ષા દળોના કેમ્પની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો

નવીદિલ્હી, સુકમામાં ૩ એપ્રિલ, ૨૦૨૧ ના રોજ નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ છત્તીસગઢમાં સુરક્ષા દળોના નવ વધુ કેમ્પ બનાવવામાં આવ્યા છે. જ્યારે ઓડિશા અને તેલંગાણામાં એક-એક કેમ્પ સ્થાપવામાં આવ્યો છે.

આ સિવાય ઝારખંડમાં સુરક્ષાદળોના ત્રણ કેમ્પ અને મધ્ય પ્રદેશના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ચાર કેમ્પ ખોલવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે, આ કેમ્પો વિસ્તારમાં સુરક્ષા દળોના વર્ચસ્વમાં મદદ કરે છે. જેના કારણે મુખ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ સઘન બનાવાયું છે અને વિકાસના કામો પણ અવિરતપણે ચાલી રહ્યા છે. અંતરિયાળ વિસ્તારોમાં પણ રોડ અને પુલ બનાવવાની કામગીરી તેજ બની છે.

ઉલ્લેખનિય છે કે, ગયા વર્ષે છત્તીસગઢના સુકમામાં નક્સલી હુમલા બાદ તરત જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું હતું કે, નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ઝડપથી સુરક્ષા શિબિર બનાવવામાં આવશે.

છત્તીસગઢના ૨૭માંથી ૧૪ જિલ્લા નક્સલવાદથી પ્રભાવિત છે અને તે સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાંનું એક છે. અગાઉ સીઆરપીએફએ એકલા દક્ષિણ બસ્તરમાં ૧૮ નવા સુરક્ષા શિબિરોની સ્થાપના કરી હતી. વ્યૂહરચનાના ભાગરૂપે તમામ નક્સલ પ્રભાવિત રાજ્યોમાં સુરક્ષા દળોના કેમ્પની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

દેશમાં નક્સલવાદી હિંસાના ભૌગોલિક પ્રસારમાં ઘટાડો થયો છે, પરંતુ નક્સલવાદીઓ નવા વિસ્તારોમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા રહે છે. વર્ષ ૨૦૧૦માં ૯૬ જિલ્લાઓની સામે ૨૦૨૧માં માત્ર ૪૬ જિલ્લાઓમાં જ નક્સલવાદી પ્રવૃત્તિઓ જાેવા મળી હતી. વર્ષ ૨૦૨૧માં સૌથી વધુ નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા પણ ઘટીને ૨૫ થઈ ગઈ છે.

સરકારી આંકડાઓ અનુસાર, વર્ષ ૨૦૨૧માં નક્સલવાદી હુમલાની ઘટનાઓમાં ૭૭ ટકાનો ઘટાડો થયો છે. વર્ષ ૨૦૦૯માં આવી ૨,૨૫૮ ઘટનાઓ બની હતી જ્યારે વર્ષ ૨૦૨૧માં તે ઘટીને ૫૦૯ થઈ ગઈ હતી. ૨૦૦૯ અને ૨૦૧૪ વચ્ચેના નક્સલવાદી હુમલાઓની સરખામણી દર્શાવે છે કે, આવી ઘટનાઓની સંખ્યામાં ૫૧ ટકાનો ઘટાડો થયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.