Western Times News

Gujarati News

જૂનાગઢ: મહાશિવરાત્રિ ભવનાથના મેળાને મંજૂરી

જૂનાગઢ, રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર પૂર્ણ થવા તરફ છે. ત્યારે કેન્દ્ર સરકારના સૂચન બાદ ગુજરાત સરકારે પણ કોરોનાને લઈ લગાવેલાં નિયંત્રણ હળવાં કરવા વિચારણા હાથ ધરી છે.

એવામાં જૂનાગઢમાં યોજાતા શિવરાત્રિના મેળાના આયોજન માટે પણ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બે વર્ષ મેળો બંધ રહ્યા બાદ સરકારે આ વર્ષે મંજૂરી આપતાં સાધુ-સંતો અને ભાવિકોમાં ખુશીનો માહોલ છવાયો છે. જૂનાગઢમાં 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન યોજાશે.

જૂનાગઢમાં ભવનાથના સાંનિધ્યે વર્ષોથી પરમ આધ્યાત્મિક ભાવના સાથે પરંપરાગત રીતે યોજાતા મહાશિવરાત્રિના પૌરાણિક મેળાનું આયોજન છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારીને કારણે બંધ રખાયું હતું.

આ વર્ષે હાલ કોરોના તળિયે હોવાથી અને વેક્સિનેશન પૂરતા પ્રમાણમાં થયું હોવાથી સાધુ સમાજ તથા જૂનાગઢ સહિત રાજ્યભરના ભક્તો રાજ્ય સરકાર સમક્ષ ભવનાથનો મેળો યોજવાની છૂટ આપવા માગણી કરી રહ્યા હતા. ધારાસભ્ય અને ભાજપના પદાધિકારીઓએ પણ મુખ્યમંત્રીને મળી રજૂઆત કરી હતી.

આજે જૂનાગઢ કલેક્ટર દ્વારા બેઠક કરવામાં આવેલી, જેમાં ભવનાથના મહાશિવરાત્રિના મેળાને મજૂરી આપી દેવામાં આવી હોવાની જાહેરાત કરી હતી. અત્યારસુધીમાં આ વખતે ભવ્ય મેળોનું આયોજન કરાશે એવી તંત્રએ જાહેરાત કરી હતી.

મેળાના આયોજન માટે આગામી દિવસોમાં જુદી જુદી સમિતિઓ બનાવવામાં આવશે અને દરેક યાત્રિકોને મેળામાં પ્રવેશ આપવામાં આવશે. આજે જિલ્લા કલેક્ટર રચિત રાજના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સાધુ-સંતો, આગેવાનો, ધારાસભ્ય, મનપાના શાસકો, સામાજિક સંસ્થાઓ સાથે તમામ મુદાઓ અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.