Western Times News

Gujarati News

બીજેડી એ ઓડિશામાં જિલ્લા પરિષદની ચૂંટણીમાં પ્રચંડ જીત નોંધાવી

ભુવનેશ્વર, બીજેડી એ ઓડિશામાં જિલ્લા પરિષદની ચૂંટણીમાં પ્રચંડ જીત નોંધાવી છે. બીજેડીએ ક્લીન સ્વીપ કરીને તમામ ૩૦ જિલ્લામાં જીતનો ઝંડો લહેરાવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બીજેડીએ ચૂંટણી માટે સારા રેકોર્ડ ધરાવતા યુવા અને શિક્ષિત ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. ચૂંટાયેલા ૩૦ જિલ્લા પરિષદ પ્રમુખોમાંથી ૧૫ની ઉંમર ૪૦ વર્ષથી ઓછી છે, ૨૩ની ઉંમર ૫૦ વર્ષથી ઓછી છે. તમામ જિલ્લા પરિષદ પ્રમુખોની સરેરાશ ઉંમર ૪૧ વર્ષ છે.

ખાસ વાત એ છે કે રાજ્યમાં ૭૦ ટકા જિલ્લા પરિષદ પ્રમુખ મહિલાઓ છે, જ્યારે ૫૦ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત છે. આમ છતાં સીએમ પટનાયકે સૌથી વધુ મહિલા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા. પરિણામમાં ૨૧ મહિલા ઉમેદવારો જિલ્લા પરિષદ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

આ પ્રથમ વખત છે જ્યારે આટલી મોટી સંખ્યામાં મહિલાઓ વિજયી બની છે.મળતી માહિતી મુજબ, માત્ર ૨૩ વર્ષની સરસ્વતી માંઝી સૌથી યુવા જિલ્લા પરિષદ પ્રમુખ તરીકે ચૂંટાઈ છે. માંઝી બી.એસસીમાં સ્નાતક છે. સમરી તંગુલ સ્વાભિમાન આંચલ મલકાનગિરીમાં જિલ્લા પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. સમરી ૨૬ વર્ષની છે અને તેમણે ૧૨મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.

અગાઉ ઓડિશા પંચાયત ચૂંટણીમાં ૮૨૯ જિલ્લા પરિષદ બેઠકોમાંથી બીજેડીએ ૭૪૩ બેઠકો કબજે કરી હતી. આ ચૂંટણીમાં ભાજપે ૪૨ બેઠકો જીતી હતી. તે જ સમયે, કોંગ્રેસને ૩૭ અને આઇએનડીને ત્રણ બેઠકો પર જીત મળી હતી. આ સિવાય ૪ સીટો અન્યના ખાતામાં ગઈ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.