Western Times News

Gujarati News

શહેરમાં બે લાખથી વધુ ડસ્ટબિનનું મફત વિતરણ કરવામાં આવ્યું

File

(એજન્સી) અમદાવાદ, સ્વચ્છ અમદાવાદ અભિયાન હેઠળ શહેરના ભાજપના શાસકો અમદાવાદીઓને ઘરનો સૂકો ક્ચરો અને ભીનો ક્ચરો છૂટો પાડીને તંત્રની કચરાગાડીને આપવા માટે દસ-દસ લિટરનાં બે ડસ્ટબિન મફતમાં આપી રહ્યા છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં શહેરમાં બે લાખથી વધુ ડસ્ટબિનનું વિતરણ કરાયું હોવાનું જાણવા મળ્યું છે.ભાજપના શાસકો વેજલપુરના વિનસ પાર્ક લેન્ડ ખાતે ડસ્ટબિનનું વિતરણ કરવા પહોંચી ગયા હતા. વિનસ પાર્ક લેન્ડનાં ૭૦૦ મકાનમાં તેઓ ઘરદીઠ બે ડસ્ટબિન મુજબ ૧૪૦૦ ડસ્ટબિનનું વિતરણ કરશે.

શાસકો દ્વારા અત્યાર સુધીમાં ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ ૧.૫૦ લાખ ડસ્ટબિનનું વિતરણ કરાયું છે. ઉપરાંત નારણપુરા વિધાનસભા વિસ્તાર, સાબરમતી વિધાનસભા વિસ્તાર અને વેજલપુર વિધાનસભા વિસ્તાર સહિતના વિધાનસભા વિસ્તારોમાં ઘરદીઠ બે-બે ડસ્ટબિનનું વિતરણ કરાઈ રહ્યું છે.

જાેકે ઘાટલોડિયામાં ડસ્ટબિનનાં તૂટેલાં ઢાંકણાને લઈ લોકોએ ઊહાપોહ મચાવ્યો હતો. શાસક પક્ષ દ્વારા વિતરિત કરાતાં ડસ્ટબિન હલકી ગુણવત્તાનાં હોવાના ગંભીર આક્ષેપ ઊઠ્યા હતા, જાેકે શાસકોએ આવા આક્ષેપોને ફગાવ્યા છે. શાસકો કહે છે કે ડસ્ટબિનની ગુણવત્તા સારી જ છે, પરંતુ ટ્રાન્સપોર્ટેશન દરમિયાન ઘાટલોડિયા વિસ્તારનાં ૧૨૫ જેટલાં ડસ્ટબિનને આંશિક નુકસાન થયું હતું. તમામ નુકસાનગ્રસ્ત ડસ્ટબિન જે તે નાગરિકોને બદલી પણ અપાયાં છે.

દરમિયાન આગામી ૩૧ મે પહેલાં શહેરમાં ૧૬.૫ લાખ મકાનોમાં ઘરદીઠ દસ-દસ લિટરનાં બે ડસ્ટબિન મુજબ કુલ ૩૩ લાખ ડસ્ટબિનનું વિતરણ કરી દેવાશે તેવો આશાવાદ શાસકોએ સેવ્યો છે. ડસ્ટબિનની પાછળ રૂા.૨૫ કરોડ ખર્ચાશે. હાલમાં ૪૦ હજાર ડસ્ટબિન તંત્ર પાસે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.