Western Times News

Gujarati News

જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા એજ્યુકેશન એક્સ્પોને ખુલ્લો મુકતાં મુખ્યમંત્રી

એક્સ્પોમાં એક જ છત્ર તળે વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી તમામ માહિતી ઉપલબ્ધ બનશે

નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભ પૂર્વે આ એજ્યુકેશન એક્સ્પો રાઇટ ટાઇમ ફોર રાઇટ જોબ છે

કારકિર્દી ઘડતર આજના વૈશ્વિક યુગમાં પડકાર બન્યુ છે ત્યારે આવા એક્સ્પો ઘર આંગણે જ વિશ્વના વિવિધ અભ્યાસની જાણકારી આપે છે

 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, કારકિર્દીની પસંદગી વાલીઓ સાથે વિદ્યાર્થીઓ માટે પણ પડકારરૂપ હોય છે ત્યારે વિદ્યાર્થીઓને આ અંગે એક જ સ્થળેથી માર્ગદર્શન અને માહિતી મળે તે સમયની માંગ છે.  જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા એજ્યુકેશન એક્સ્પોને ખુલ્લો મુકતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, અત્રે યોજાયેલા એક્સ્પોમાં વિદ્યાર્થીઓને ગુજરાતની વિવિધ કોલેજો, વિવિધ યુનિવર્સિટીઓ અને તેમાં ઉપલબ્ધ અભ્યાસક્રમોની માહિતી ઉપલબ્ધ બનશે.

તેમણે જણાવ્યું કે, અત્યારે મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓમાં વેકેશન ચાલુ છે અને આગામી સપ્તાહમાં જ વિવિધ કોલેજો શરૂ થશે ત્યારે અહીં યોજાયેલો એક્સ્પો રાઇટ ટાઇમ ફોર રાઇટ જોબ છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નવ યુનિવર્સિટીઓ હતી તે વધારીને આજે ૬૦ યુનિવર્સિટીઓ વૈવિધ્યસભર વિષયોનું જ્ઞાન પીરસે છે. તાજેતરમાં આર્થિક રીતે નબળાં વર્ગ માટે હયાત અનામતમાં એક પણ બેઠકમાં ઘટાડો કર્યા સિવાય ૧૦ ટકા બેઠકોમાં વધારો કર્યો છે. જેથી તબીબી, ઇજનેરી જેવા અભ્યાસક્રમોની બેઠકોમાં નોંધપાત્ર વધારો થયો છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

વિદ્યાર્થીઓને સફળ અને સારી કારકિર્દીની ઝંખના હોય છે તો સામે કારકિર્દીની પસંદગી એક સ્ટ્રગલ હોય છે ત્યારે આવા એજ્યુકેશન એક્સ્પો દ્વારા જ વિદ્યાર્થીઓને સાચી દિશા પ્રાપ્ત થથી હોય છે. મુખ્યમંત્રીશ્રીએ વિવિધ શૈક્ષણિક સ્ટોલ્સની મુલાકાત લઇ શિક્ષણ-કારકિર્દી માર્ગદર્શનની વિગતો જાણી હતી.

ટીવી નાઇન ચેનલના હેડ શ્રી કલ્પક કેકડેએ કહ્યું કે, વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે યોગ્ય સલાહ મળે અને શિક્ષણને બજાર નહીં પરંતુ મુલ્યવૃધ્ધિ તરીકે લઇને પ્રતિ વર્ષ રાજકોટ, સુરત, અમદાવાદ જેવા શહેરોમાં એજ્યુકેશન એક્સ્પો યોજી શિક્ષણ ક્ષેત્રને આગળ લઇ જવાનો પ્રયાસ અમારા દ્વારા કરવામાં આવી રહ્યો છે.  આ એક્સ્પોમાં વિવિધ યુનિવર્સિટીઓ, કોલેજો, વિઝા કન્સલ્ટન્સીના સ્ટોલ લગાવવામાં આવ્યા છે જ્યાંથી શિક્ષણ અને કારકિર્દીને લગતી વિવિધ જાણકારી નાગરિકો અને વિદ્યાર્થીઓ મેળવી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.