Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. ગામા રેડીયેશન પ્લાન્ટ અનિશ્ચિત મુદ્‌ત માટે બંધ કરાયો

પ્રતિકાત્મક

સત્તાધારી પાર્ટીને અધિકારીઓ કેવી રીતે ગેરમાર્ગે દોરી રહયા છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ-મ્યુનિ. એસટીપી ખાતાના મહાનુભાવોએ બંધ પ્લાન્ટની જાળવણી માટે રૂા.૩.૭૦ કરોડ ચુકવ્યા હતા. 

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ સતાધારી પાર્ટીને ગેરમાર્ગે દોરી રહયા છે તેમજ માત્ર કોન્ટ્રાકટરોના લાભાર્થે જ કામ કરે છે તેવા સતત થઈ રહેલા આક્ષેપો બુધવારે વોટર સપ્લાય કમીટીમાં સાચા સાબિત થયા છે.

મ્યુનિ. એસટીપી વિભાગ દ્વારા બંધ એસટીપી પ્લાન્ટના ઓપરેશન મેઈન્ટેન્સ માટે પ્રતિ વર્ષ રૂા.એક કરોડનો કોન્ટ્રાકટ આપવા માટે ૧પ દિવસ અગાઉ દરખાસ્ત રજુ કરવામાં આવી હતી જે કમીટી ચેરમેને ઉત્પાદન સહીતની વિગતો મંગાવી હતી તેમજ “વેસ્ટર્ન ટાઈમ્સ” દૈનિકે પણ સમગ્ર કૌભાંડને ઉજાગર કર્યું હતું.

ર૭ એપ્રિલે મળેલી વોટર સપ્લાય કમીટી મીટીંગમાં અધિકારીઓના દાવા ખોટા સાબિત થયા હતા જેના પગલે પ્લાન્ટને પણ હાલ પુરતો શટડાઉન કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા “ગામા રેડીએશન પ્લાન્ટ”નું ર૦૧૯માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું સદ્‌ર પ્લાન્ટ માનવ સ્લજમાંથી ખાતર બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યો છે જેના માટે “ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર”ની મદદ લેવામાં આવી છે ભાભા એટોમીકની સીસ્ટમથી સ્લજમાંથી વાયરસ અને બેકટેરીયા દુર થાય છે

પરંતુ લેબોરેટરી ટેસ્ટીંગ બાદ જાહેર થયું હતું કે સ્લજમાં હેવી આર્યનનું પ્રમાણ ઘણુ જ વધારે છે, જેના કારણે કેન્દ્ર સરકાર દ્વારા ખાતર ઉત્પાદન અને વેચાણ માટે પરવાનગી આપવામાં આવી નથી તેમ છતાં એસટીપી વિભાગ દ્વારા ર૦૧૯થી ર૦રર ઓપરેશન – મેઈન્ટેન્સનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો

મ્યુનિ. એસટીપી ખાતાના મહાનુભાવોએ બંધ પ્લાન્ટની જાળવણી માટે રૂા.૩.૭૦ કરોડ ચુકવ્યા હતા. ત્યારબાદ ઓ એન્ડ એમ ની મુદ્દત પૂર્ણ થતા ફરીથી એ જ કોન્ટ્રાકટરને વધુ ત્રણ વર્ષ માટે ઓ એન્ડ એમ કોન્ટ્રાકટ આપવા દરખાસ્ત તૈયાર કરી હતી પરંતુ કમીટી ચેરમેન અને ડે. ચેરમેનની જાગૃતતાના કારણે મ્યુનિ. તિજાેરીને આર્થિક નુકશાન થતા અટકયુ છે.

મ્યુનિ. વોટર સપ્લાય કમીટી ચેરમેન જતીનભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે ખાતા દ્વારા સ્લજ પ્લાન્ટના ઓપરેશન- મેઈન્ટેન્સ માટે ફરીથી દરખાસ્ત રજુ કરવામાં આવી હતી કમીટી મીટીંગમાં સદ્દર પ્લાન્ટની વિગતો અંગે ચર્ચા કરવામાં આવતા ચોંકાવનારી વિગતો જાહેર થઈ હતી.

ગામા રેડીએશન પ્લાન્ટ જાન્યુઆરી ર૦૧૯થી શરૂ થયો ત્યારથી માર્ચ- ર૦રર સુધી પ્લાન્ટમાં માત્ર પ૪૩ ટનનું જ ઉત્પાદન થયુ છે જે પણ “સ્લજ” પાવડર છે. પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા દૈનિક આઠ ટનની છે. તેથી કેન્દ્ર સરકાર તરફથી પરમીશન ન મળે ત્યાં સુધી પ્લાન્ટને “શટડાઉન” કરવા નિર્ણય કરવામાં આવ્યો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

અત્રે નોંધનીય બાબત એ છે કે મ્યુનિ. કોર્પો. હસ્તકના તમામ એસટીપીમાં એકત્રિત થતાં સ્લજ ને સદર રેડીયેશન પ્લાન્ટમાં મોકલવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ ગામા રેડીયેશન પ્લાન્ટ કાર્યરત થયો ત્યારબાદ ૧૦ એસટીપી દ્વારા માત્ર એક કે બે જ વખત સ્લજ મોકલવામાં આવ્યો છે અગાઉ સદ્‌ર સ્લજનું વેચાણ કરવામાં આવતું હતું જેના નાણાં કોર્પોરેશનને મળતા હતાં કમીટી ચેરમેને ભુતકાળની પધ્ધતિ મુજબ જ સ્લજનું જાહેરમાં વેચાણ કરવા આદેશ કર્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.