Western Times News

Gujarati News

ચોમાસુ વહેલું આવે તેવા સંકેતો આપતી ટીટોડીઓ

ભરૂચ સિવિલ હોસ્પ્ટિલની પાછળની ખુલ્લી જગ્યામાં ટીટોડીએ ઉભા ચાર ઈંડા મૂક્યા.

ટીટોડીએ ઉભા ચાર ઈંડા મૂકતા વરસાદ સારો વરસે તેવા સંકેતોના પગલે ખેડૂતોમાં ખુશાલી : ભરૂચ જીલ્લાના અનેક ખેતરોમાં ટીટોડીએ ઈંડા મુક્યા હોવાની માહિતી.

(વિરલ રાણા) ભરૂચ,
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ ભરૂચ જીલ્લામાં માવઠુ અને વાતાવરણમાં થતા પલ્ટાની આશંકાઓ વચ્ચે પણ વહેલા ચોમાસાના સંકેતો ટીટોડીઓ આપી રહી છે.જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલની પાછળ ખુલ્લી જગ્યામાં ટીટોડીએ ઉભા ચાર ઈંડા મૂક્યા હોવાના કારણે ચાર મહિના સુધી ચોમાસુ સારું રહેવાના સંકેતો આપતા ખેડૂતોમાં પણ સારા વરસાદની આશાઓ બંધાઈ છે.

ત્યારે ભરૂચ જીલ્લાના કેટલાય ખેતરોમાં ટીટોડીએ ઈંડા મૂક્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.કહેવાય છે કે ચોમાસા પહેલા ટિંટોડી ચાર ઈંડા મુકે તો આગામી ચોમાસું સારુ આવતુ હોય છે.વર્ષોથી આપણે ત્યાં આવી માન્યતા પ્રવર્તમાન છે.પ્રાચીન સમયમાં જ્યારે અત્યારના આધુનિક સાધનોનો અભાવ હતો ત્યારે વરસાદની આગાહી આપણા વડવાઓ પોતાની રીતે કરતા હતા.જેમાં ટિંટોડીએ કઈ સ્થિતિમાં ઈંડા મુક્યા છે તેના પર પણ માન્યતા આધારિત અનુમાન કરાતું હતું.

અત્યારે વિકસિત સમયમાં ઘણી બધી પ્રાચીન પ્રણાલીઓ બદલાઈ જવા પામી છે.જોકે ગામડાઓમાં હજી ટિંટોડીના ઈંડાની સ્થિતિ જોઈને વરસાદનું અનુમાન કરવાની પ્રણાલી જળવાઈ રહેલી દેખાય છે.માન્યતા મુજબ ટિંટોડી ચાર ઈંડા મૂકે તો સારો વરસાદ,ઊંચાઈએ મુકે તો વ્યાપક વરસાદ અને ઈંડા વહેલા મુકે તો ચોમાસુ વહેલું શરૂ થાય તેવી માન્યતાઓ પ્રચલિત છે.જોકે આ માન્યતાઓ પ્રાચીન સમયથી ચાલી આવે છે.ટિંટોડીને ઈંડા મુકવાનો સમય આવે એટલે તે ઈંડા તો મુકતા હોય છે.જોકે ટિંટોડીએ કેટલા અને કેવી સ્થિતિમાં ઈંડા મુક્યા છે

તેના આધારે આવનારા ચોમાસા દરમ્યાન કેવો અને કેટલો વરસાદ વરસશે તેનું અનુમાન કરાતું હોય છે.હાલ તો ટિંટોડીએ ભરૂચ સિવિલ હોસ્પિટલના પાછળ ખુલ્લી જગ્યામાં ઉભા ચાર ઈંડા મુકતા ખેડૂતોમાં આગામી ચોમાસા દરમ્યાન સારા વરસાદની આશા જણાઈ રહી છે.ત્યારે આવનારું ચોમાસુ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બને તેવી આશાઓ પણ ખેડૂતો વ્યક્ત કરાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.