Western Times News

Gujarati News

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્‌સમાં નવો મૂડીપ્રવાહ ત્રણ મહિનાના તળિયે

મુંબઈ, રશિયા-યુક્રેનના યુદ્ધથી સર્જાયેલા ભૂ-રાજકીય તણાવ અને વિદેશી રોકાણકારોની જંગી વેચવાલીથી ભારતીય શેરબજારમાં મોટી અફરા-તફરીનો માહોલ છે અને તેની અસરે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્‌સમાં નવો મૂડીપ્રવાહ એપ્રિલમાં માસિક તુલનાએ ૪૪ ટકા ઘટીને ત્રણ મહિનાના તળિયે ઉતરી ગયો છે.

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્‌સ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના આંકડા મુજબ એપ્રિલમાં ઇક્વિટી ફંડ્‌સ અને ઇક્વિટી લિંક્ડ સ્કીમમાં રૂ. ૧૫,૮૯૦.૩ કરોડનું ચોખ્ખું નવુ રોકાણ આવ્યુ છે, જે સતત ૧૪માં મહિને નેટ ઇનફ્લો દર્શાવે છે. અલબત્ત તે માર્ચ-૨૨ના રૂ. ૨૮,૪૬૩ કરોડના નેટ ઇનફ્લો તુલનાએ ૪૪ ટકા ઓછુ છે જાે કે એપ્રિલ-૨૧ના રૂ. ૩,૪૩૭.૩૭ કરોડ કરતા વધારે લગભગ પાંચ ગણું છે.

માર્ચમાં રિબાઉન્ડ થયા બાદ એપ્રિલ દરમિયાન ભારતીય શેરબજારમાં મોટી વધ-ઘટ જાેવા મળી હતી, જેમાં બેન્ચમાર્ક સેન્સેક્સ ગત મહિને ૩.૭ ટકા અને નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ ૩.૨ ટકા તૂટ્યા હતા.

ઇક્વિટી ફંડ્‌સમાં ભલે નવો મૂડીપ્રવાહ ઘટ્યો હોય પરંતુ તમામ સેગમેન્ટમાં પોઝિટિવ ઇનફ્લો જાેવા મળ્યો છે. જેમાં સ્મોલકેપ સેગમેન્ટમાં સૌથી વધુ જ્યારે લાર્જકેપમાં સૌથી ઓછુ નવુ રોકાણ આવ્યુ છે. ડેટ ફંડ્‌સમાં માર્ચના રૂ. ૪૪,૬૦૩ કરોડના આઉટફ્લો બાદ એપ્રિલમાં રૂ. ૨૮,૭૩૧ કરોડનું નવુ રોકાણ જાેવા મળ્યુ છે.

આ સાથે સમગ્ર મ્યુચ્યુઅલ ફંડ્‌સ ઉદ્યોગની કુલ એયુએમ એટલે કે સંપત્તિ વધીને રૂ. ૩૮.૮૮ લાખ કરોડની રેકોર્ડ ઉંચાઇએ પહોંચી ગઇ છે જે માર્ચમાં રૂ. ૩૭.૭ લાખ કરોડ નોંધાઇ હતી.

અલબત્ત નાના રોકાણકારોના સૌથી પસંદગીના વિકલ્પ એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (સીપ) મારફતે નવુ રોકાણ ઘટ્યુ છે. માર્ચ મહિનામાં સીપમાં રેકોર્ડ બ્રેડ રૂ. ૧૨,૩૨૭.૦૯ કરોડનો મૂડીપ્રવાહ નોંધાયા બાદ તે એપ્રિલમાં ઘટીને રૂ. ૧૧,૮૬૩.૧ કરોડ થયો છે. સતત નવો મૂડીપ્રવાહ ચાલુ રહેતા સીપની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) માર્ચના રૂ. ૫.૭૬ લાખ કરોડથી વધીને રૂ. ૫.૭૮ કરોડ થઇ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.