Western Times News

Gujarati News

રાજ્ય સરકાર અને એનર્જી પોલિસી ઇન્સ્ટીટયૂટ યુનિવર્સિટી ઓફ શિકાગો ટ્રસ્ટ ઇન ઇન્ડીયા વચ્ચે એમઓયુ સંપન્ન

ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ર૦૭૦ સુધીમાં ભારતને નેટ ઝિરો ઇમિશન્સ શૂન્ય ઉત્સર્જન સુધી પહોચાડવા દર્શાવેલી પ્રતિબદ્ધતામાં ગુજરાતે એક પહેલ રૂપ કદમ ભર્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતીમાં ગુજરાત સરકાર અને એનર્જી પોલિસી ઇન્સ્ટીટયૂટ યુનિવર્સિટી ઓફ શિકાગો તેમજ સાઉથ એશિયાની જે-પાલ વચ્ચે આ અંગેના એમઓયુ ગાંધીનગરમાં સંપન્ન થયા હતા. ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇ પણ આ વેળાએ સહભાગી થયા હતા.

આ એમઓયુ ના પરિણામે કાર્બન માર્કેટના આયોજન અંગે વિચાર કરનારૂં દેશભરમાં પ્રથમ રાજ્ય ગુજરાત બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ નવેમ્બર-ર૦ર૧ ગ્લાસગોમાં યોજાયેલી યુ.એન. કલાયમેટ ચેન્જ કોન્ફરન્સ કોપ-ર૬ માં ભારતને ર૦૭૦ સુધીમાં નેટ ઝિરો ઇમિશન્સ તરફ લઇ જવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

આ સંદર્ભમાં ભારતે ર૦૩૦ સુધીમાં પ૦૦ ગીગાવોટ નોન-ફોસિલ ફયુઅલ ઇલેકટ્રીસિટી કેપેસિટી સુધી પહોચવા પાંચ લક્ષ્યાંકો નિર્ધારીત કરેલા છે. કાર્બન ઇમિશન્સ અંદાજે ૧ બિલીયન ટન સુધી ઘટાડવા માટે નવિનીકરણ ઊર્જા રિન્યુએબલ એનર્જી પ૦ ટકા ફાળો એનર્જી મિક્સમાં આપે છે.

ગુજરાત દેશમાં સૌથી વધુ વાયબ્રન્ટ ઇકોનોમી તરીકે ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં મોટો ફાળો આપનારૂં રાજ્ય છે. એટલું જ નહિ, પર્યાવરણ જાળવણી સાથે વિકાસની વૃદ્ધિને પ્રોત્સાહક નીતિઓથી ગુજરાત પર્યાવરણ રક્ષા અને ઔદ્યોગિક વિકાસ બેય મહત્વપૂર્ણ બાબતોને પરિપૂર્ણ કરે છે. ગુજરાત સરકારે હવે સીઓ-૨ માર્કેટ શરૂ કરવા માટે પહેલરૂપ એવા આ એમઓયુ કર્યા છે.

તેના પરિણામે, અત્યાધુનિક અને સમયાનુકુલ ગ્લોબલ કલાયમેટ પોલિસીમાં ગુજરાતને આગવું સ્થાન મળતું થશે અને ગુજરાતમાં પર્યાવરણ જાળવણી સાથે ઉદ્યોગોનો વિકાસ થશે. માનવ જીવનને સ્વાસ્થ્યપ્રદ અને શુદ્ધ વાતાવરણ મળતું થશે. ગુજરાતમાં નવા રોકાણો પણ વધુ પ્રમાણમાં આવશે અને રાષ્ટ્ર માટે માર્કેટ ક્ષેત્રે ગુજરાત એક આગવું ઉદાહરણ બનશે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, ગુજરાતે સુરતમાં પાર્ટિકલ મેટર માટે વિશ્વની પ્રથમ ઉત્સર્જન ટ્રેડીંગ યોજના આ અંતર્ગતની એક પહેલ છે. આ પ્રોજેક્ટ એક મોટા પાયલોટ પ્રોજેક્ટ તરીકે ર૦૧૯માં સુરત ખાતે વન, પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન વિભાગ, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સંયુકત પણે શરૂ કરવામાં આવ્યો છે.સુરતની અંદાજે ૩પ૦ જેટલી હાઇલી પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રીઝ આ પ્રોજેક્ટનો લાભ લઇ રહી છે અને ઉદ્યોગોના ઉત્સર્જનમાં ર૪ ટકા જેટલો ઘટાડો થતાં હવાનું શુદ્ધિકરણ થયું છે.HS3


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.