Western Times News

Gujarati News

રાજપારડી ગામે મોબાઈલ ઉપર સટ્ટાબેટિંગના આંકડા લખાવતો યુવક ઝડપાયો

 રાજપારડી ઉપરાંત ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સટ્ટા બેટિંગના આંકડાનો જુગાર મોટાપ્રમાણમાં ચાલતો હોવાની શંકા.

(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરમાં મોબાઇલ પર સટ્ટાબેટિંગના આંકડાનું કટિંગ કરાવતા એક ઈસમને પોલીસે ઝડપી લીધો હતો. મળતી વિગતો મુજબ રાજપારડી પોલીસના જવાનો ગતરોજ રાજપારડી ટાઉનમાં દારૂ જુગારને લગતી રેઇડમાં નીકળ્યા હતા.તે દરમ્યાન બાતમી મળી હતીકે રાજપારડીના સડક ફળિયામાં રહેતો તોફિકમદાર હાજીમદાર દિવાન નામનો ઈસમ તેના ઘરે મોબાઈલ ફોન ઉપર સટ્ટા બેટિંગના હારજીતના આંકડા રમાડે છે.

પોલીસે બાતમી મુજબના સ્થળે જઈને તપાસ કરતા ત્યાં ઘરમાં બેસીને એક ઈસમ મોબાઈલ ઉપર અન્ય ઈસમ સાથે સટ્ટા બેટિંગના આંકડા પૈસાથી રમાડતો હોવાનું જણાયું હતું.પોલીસ તપાસ દરમ્યાન તે ઈસમનું નામ તોફિકમદાર હાજીમદાર દિવાન ઉ.વ.૨૧ હોવાનું જણાયું હતું.આ યુવકના મોબાઈલ ફોનમાં જોતા વોટ્સએપ પર અલગઅલગ નંબર સાથે ચેટીંગ કરેલ હતું.મોબાઈલમાં જોતા ભટ્ટભાઈના નામથી સેવ કરેલ નંબર જણાયો હતો.

આ નંબર સાથે વોટ્સએપ પર ચેટીંગ દ્વારા વિવિધ આંકડા લખેલા હતા.વોટ્સએપમાં અન્ય એક નંબર કિરણના નામથી સેવ કરેલ હતો.આ નંબર પર પણ વિવિધ આંકડા લખેલા હતા અને આ ચેટીંગના જવાબમાં ઓકે લખેલ હોવાનું જણાયું હતું.તોફિકને આ નંબરો વાળા ઈસમો વિષે પુછતા ભટ્ટભાઈ તેમજ કિરણભાઈ વડોદરાના હોવાનું જણાવ્યું હતું.ઉપરાંત પોતાના મોબાઈલ ફોનમાં લખેલ આંકડાનું કટિંગ શિનોર તાલુકાના સાધલીના રઈશભાઈ નામના ઈસમને મોબાઈલ પર લખાવતો હોવાનું તોફિકે જણાવ્યું હતું.

આ ત્રણેય ઈસમો સાથે છેલ્લા ત્રણ – ચાર મહિનાથી વોટ્સએપ પર સટ્ટા બેટિંગના આંકડા લખાવીને પૈસાથી હારજીતનો જુગાર રમાતો હોવાનું જણાવ્યું હતું.આ બાબતે રાજપારડી પોલીસે તોફિકમદાર હાજીમદાર દિવાન રહે.રાજપારડી  સડકફળિયું, તા.ઝઘડિયા, જી.ભરૂચના વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથધરી હતી.

ઉલ્લેખનીય છે કે રાજપારડી પંથક સહિત ઝઘડિયા તાલુકાના મોટાભાગના ગામોએ સટ્ટા બેટિંગના આંકડાનો જુગાર ચાલતો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.જોકે પોલીસ દ્વારા પકડાયેલા સટોડિયાઓ છુટ્યા બાદ ફરીથી આ પ્રવૃત્તિ ચાલુ કરી દેતા હોવાની વાતો પણ સામે આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.