Western Times News

Gujarati News

ચારધામમાં ૧૮ લાખથી વધુ શ્રદ્ધાળુએ દર્શન કર્યા

કેદારનાથ, ઉત્તરાખંડમાં આવેલા ચારધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના દર્શન કરવા માટે આ વર્ષે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવ્યા છે. ચારધામ યાત્રા શરૂ થઈ તેના થોડા જ દિવસોમાં ૧૮ લાખ કરતા પણ વધારે શ્રદ્ધાળુઓએ પવિત્ર ચારધામના દર્શન કર્યા છે.

બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના હરીશ ગૌડે જણાવ્યું કે તારીખ ૮ મેના દિવસે બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા બાદ ૬,૧૮,૩૧૨ તીર્થયાત્રીઓએ દર્શન કર્યા છે. જ્યારે તારીખ ૬ મેના દિવસે કેદારનાથ ધામના કપાટ ખુલ્યા પછી અત્યાર સુધીમાં ત્યાં ૫,૯૮,૫૯૦ તીર્થયાત્રીઓ દર્શન કરી ચૂક્યા છે.

તારીખ ૩ મેના દિવસે અક્ષય તૃતીયા પર્વ પર ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખુલતાં જ ચારધામ યાત્રાની શરૂઆત થઈ છે. ગંગોત્રીમાં ૩,૩૩,૯૦૯ અને યમુનોત્રીમાં ૨,૫૦,૩૯૮ તીર્થયાત્રીઓ દર્શન કરી ચૂક્યા છે. ચારધામમાં અત્યાર સુધીમાં કુલ ૧૮,૦૧,૨૦૯ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે.

મળતી વિગતો મુજબ, હેમકુંડ સાહિબ ગુરુદ્વારા અને લોકપાલ મંદિરના તારીખ ૨૨ મેના દિવસે કપાટ ખુલ્યા બાદ અત્યાર સુધીમાં ત્યાં ૬૩,૧૨૪ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે.આ વર્ષે ચારધામમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટ્યા હતા જેના કારણે સ્થાનિક વેપારીઓ અને રોજગારને ઘણો ફાયદો થયો છે.

જાેકે, આ સાથે જ ચારધામના રૂટ પર આવતા નગરોમાં ભારે ટ્રાફિક જામ અને ભારે ગંદકી તથા કચરાની ફરિયાદો પણ ઊભી થઈ છે. પોલીસ દ્વારા ટ્રાફિક કંટ્રોલ કરવા માટે પ્રયાસો થયા છે પરંતુ તેમ છતાં ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી. મુની કી રેતીના રહેવાસી ખુશી ગર્ગે જણાવ્યું હતું કે, પોલીસે શહેરની બહાર ટ્રાફિકનો મોટો હિસ્સો રાખવા માટે ઘણા ડાયવર્ઝન બનાવ્યા છે પરંતુ પ્રવાસીઓ એક્સપ્લોર કરવા માટે ચારધામ માર્ગ પરના નગરોમાં પ્રવેશ કરે છે.

સ્થાનિકોની બીજી સમસ્યા છે કે સતત વધી રહેલો કચરો, જેનું અસરકારક રીતે સંચાલન કરવામાં આવતું નથી જેના કારણે કચરાના વિશાળ ઢગલા થાય છે. ગર્ગે જણાવ્યું હતું કે પ્રવાસનો મતલબ એ નથી કે તમે નાગરિક તરીકેની પોતાની જવાબદારી ભૂલી જાઓ.

લોકો પોતાની કારની બારીઓમાંથી રોડ પર ખાલી બોટલો અને રેપર્સ ફેંકતા હોય તેવા દ્રશ્યો સામાન્ય બની ગયા છે. ઘણા લોકો તો પર્વતો પર અથવા તો તેઓ જેની પૂજા કરે છે તેવી પવિત્ર ગંગા નદીમાં પણ કચરો ફેંકતા હોય છે. આ ઘણી નિરાશાજનક બાબત છે. ટૂરિસ્ટ પ્લાસ્ટિકની ખાલી બોટલો ફેંકે છે. ઘણા લોકો તો ૨૦ મીટર દૂર રહેલી કચરાપેટી પાસે જઈને તેમાં કચરો ફેંકવાની પણ તસ્દી લેતા નથી. તેઓ તેમની અનુકૂળતા મુજબ ગમે ત્યાં કચરો ફેંકી દે છે.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.