Western Times News

Gujarati News

UPL કંપની દ્વારા શેલા ખાતે 5.45 હેક્ટરમાં વિસ્તરેલા તળાવનું નવીનીકરણ હાથ ધરાશે

અમદાવાદ નજીક શેલા ગામના તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના વરદ હસ્તે ખાતમુહૂર્ત…

આ પ્રોજેક્ટ અંતર્ગત વૉક-વે, પગપાળા પુલ, વ્યાયામ અને યોગ માટે આઉટડોર જિમ્નેશિયમ,મૂર્તિ વિસર્જન માટે કોમ્યૂનિટી સ્પેસ સહિત પાર્કિંગ સુવિધા વિકસાવાશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું છે કે એક સમય હતો કે ગુજરાત માટે પાણી સંકટ હતું, પરંતુ દેશના વડાપ્રધાન તથા તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દીર્ઘદૃષ્ટિપૂર્ણ આયોજનને પગલે ગુજરાતમાંથી પાણીનું સંકટ ટળ્યું છે. અને આજે પાણીને લીધે  રાજ્ય અને રાષ્ટ્રના વિકાસ માટે અપાર સંભાવનાઓ રહેલી છે એમ તેમણે ઉમેર્યું હતું.

અમદાવાદના નવા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવતા શેલા ગામના તળાવના નવીનીકરણ અને બ્યુટિફિકેશનના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી તથા ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.UPL કંપનીની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે શેલા ગામ નજીક 5.45 હેક્ટર વિસ્તારને આવરી લેનાર તળાવના નવીનીકરણ તથા બ્યુટિફિકેશન પ્રોજેક્ટ હાથ ધરાયો છે.

આ કંપનીના ચેરમેન શ્રી રજ્જુભાઈ શ્રોફના તળાવ નિર્માણના અભિગમને બિરદાવી મંત્રીશ્રીએ કહ્યું હતું કે શ્રી શ્રોફે તેમની કંપનીની CSRના ભાગરૂપે શેલામાં તળાવના નવીનીકરણ અને બ્યુટિફિકેશનની આવકારદાયક પહેલ કરી છે, તેના પગલે આ વિસ્તારની આસપાસના જળસ્રોત ઊંચા આવશે એ નિશ્ચિત છે. રજ્જુભાઈએ કૃષિ ક્ષેત્રે પ્રયોગો કરીને તેનો લાભ ખેડૂતો સુધી પહોંચાડવા માટે બનાવેલા ડેમોસ્ટ્રેટિવ ફાર્મનો ઉલ્લેખ પણ મંત્રીશ્રીએ કર્યો હતો.

શ્રી અમિતભાઈ શાહે વધુમાં જણાવ્યું,  શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે પાણીના સંકટને ભૂતકાળ બનાવ્યો, એટલું જ નહિ, જળસંચયના અભિયાનમાં સસ્વૈચ્છિક સંસ્થાઓ-સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ અને ઉદ્યોગગૃહોને જોડીને ગુજરાતને લીલુંછમ બનાવ્યું છે, ત્યારે આપણા સૌની ફરજ છે કે જળસંચયના પ્રકલ્પોને આગળ વધારીએ.

રાજ્યમાં આવેલી વાવોને મહત્ત્વના જળસ્રોત ગણાવીને શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે વાવો જે રીતે પાણીના સ્રોત રહી છે, તે રીતે ગુજરાતના ગામેગામ તળાવો બનાવવાનું અભિયાન ઉપાડવું છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના દરેક જિલ્લામાં 75 તળાવો બનાવવાનું સૂચન કર્યું છે, તેમાં ગુજરાત પણ અગ્રેસર ભૂમિકા બજાવી રહ્યું છે.

કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શેલા ગામમાં બનનારું આ તળાવ ‘અમૃત તળાવ’ સિવાયનું વધારાનું તળાવ હશે, અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવા કુલ છ તળાવ આગામી સમયમાં બનનાર છે. આવા તળાવોનું નિર્માણ કરીને આગામી વર્ષો સુધી સાચવીશું તો સૈકાઓ સુધી આ ક્ષેત્રને ફાયદો થશે, તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

સાણંદ વિસ્તારના લોકોની નર્મદાના પાણી માટેની માંગનો ઉલ્લેખ કરી અમિતભાઈએ કહ્યું હતું કે આગામી સમયમાં અમદાવાદ અને સાણંદના વિસ્તારના ખેતરો નર્મદાના પાણીથી લીલાછમ થશે. મતક્ષેત્રમાં પાણી લાવવા માટે વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે ‘હું કોઈ પણ કસર નહીં છોડું’, એવી પ્રતિબદ્ધતા મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.

શ્રી અમિતભાઈ શાહે પોતાના સંસદીય મતવિસ્તારને દેશનો શ્રેષ્ઠ મતવિસ્તાર બનાવવાની નેમ વ્યક્ત કરતા કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં રૂપિયા 8,624 કરોડના લોક કલ્યાણના કામો થયાં છે. સાણંદ વિધાનસભામાં રૂ. 788 કરોડ, સાબરમતીમાં રૂ. 634 કરોડ વેજલપુરમાં રૂ. 561 કરોડ, નારણપુરામાં રૂ. 1303, ઘાટલોડિયામાં 1984 કરોડના કામ ઉપરાંત ગાંધીનગર ઉત્તરમાં રૂ. 2800 કરોડ અને કલોલમાં રૂ. 493 કરોડના વિકાસકાર્યો થયાં છે. આ વિકાસ કામો થકી વિવિધ લાભો જનસમૂહ સુધી પહોંચાડવા બદલ મંત્રીશ્રીએ વહીવટી તંત્રને અભિનંદન આપ્યા હતા.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે નરેન્દ્રભાઈ અને ભુપેન્દ્રભાઈની સરકારો દ્વારા ચલાવાતી વિવિધ યોજનાઓનો લાભ રાજ્યના લોકોને મળ્યો છે. એ જ રીતે સાણંદના 75 હજાર લાભાર્થીઓને પણ મળ્યો છે. સાથે સાથે સાણંદના 54,536 લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ આપવામાં આવ્યું છે, જેમને પાંચ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને અપગ્રેડ કરવામાં આવ્યા છે તેમજ મોબાઇલ લેબોરેટરી પણ ચલાવવામાં આવે છે, તેનો સીધો લાભ લોકોને મળે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ સાગલેએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રીશ્રી અમિતભાઈ શાહે એક સાચા જનપ્રતિનિધિ તરીકે તેમના મતક્ષેત્ર માટે વિકાસની ખેવના કરી છે અને તેના પગલે આ મતવિસ્તાર સુવિધાઓથી સભર બન્યો છે.

શ્રી અમિતભાઈ શાહના સૂચનથી સાણંદમાં લાભાર્થીઓને લાભાન્વિત કરવાની ઝુંબેશ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાઈ હતી અને તેના પગલે 75,000 લાભાર્થીઓને કલ્યાણકારી યોજનાઓનો લાભ મળ્યો છે. શેલા ગામના તળાવનો ઉલ્લેખ કરીને જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે આ તળાવના નવીનીકરને પગલી આ તળાવ આ વિસ્તારનું આકર્ષણ કેન્દ્ર તો બનશે જ પરંતુ આસપાસના વિસ્તારના જળસ્રોત ઊંચા લાવવાનું માધ્યમ પણ બનશે. સાણંદ તથા આસપાસના વિસ્તારમાં અમલમાં મુકાયેલી યોજનાઓની વિગત પણ કલેક્ટરશ્રીએ આપી હતી.

આ પ્રસંગેપૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સાણંદના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, દસ્ક્રોઈના ધારાસભ્ય શ્રી બાબુ જમનાદાસ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ગોસ્વામી, નેહરુ યુવા કેન્દ્રના વાઇસ ચેરમેન શ્રી પ્રદીપસિંહ વાઘેલા,  તેમજ શેલા ગામના અગ્રણીઓ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયા સહિત ઉચ્ચ અધિકારીઓ તેમજ આસપાસના વિસ્તારના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

શેલા તળાવના નવીનીકરણ અને બ્યુટિફિકેશન પ્રોજેક્ટની મુખ્ય બાબતો

બ્યુટિફિકેશન પ્રોજેક્ટની મુખ્ય બાબતો જોઈએ તો એક લેક ઝોન હશે અને બીજો પબ્લિક પાર્ક ઝોન હશે. શેલાના બારમાસી તળાવના ઇનફ્લો અને આઉટફ્લોની ડિઝાઇનમાં સિટી સ્ટોર્મ વૉટર મેનેજમેન્ટ પ્લાનને એકીકૃત કરીને આખા વિસ્તાર માટે ફ્લડ પ્રૂફિંગ ડિવાઇસ સ્થાપવામાં આવશે.

એ ઉપરાંત અસરકારક ભૂગર્ભ જળ રિચાર્જ થાય એવી વ્યવસ્થા કરવામાં આવશે. મિયાવાકી પદ્ધતિથી વાવેતર કરીને તળાવની આસપાસ શહેરી વન ઊભું કરાશે.

પબ્લિક પાર્ક ઝોનમાં વૉક-વે, જળાશય પર પગપાળા પુલ, રમતનાં સાધનો સાથે બાળકોના રમતનાં મેદાન, શેડવાળી બેઠકો ધરાવતા પિકનિક સ્પોટ, વ્યાયામ અને યોગ માટે આઉટડોર જિમ્નેશિયમ, બેઠક સાથે વરિષ્ઠ નાગરિક વિસ્તાર, મૂર્તિ વિસર્જન માટે કોમ્યૂનિટી સ્પેસ, પાર્કિંગ વ્યવસ્થા વગેરે અનેક સુવિધાઓ વિકસાવવામાં આવનાર છે.

આ ઉપરાંત ગામના પશુઓ માટે તળાળ ઝોનની બહાર હાલમાં ઉપયોગમાં લેવાતા પશુ માર્ગો પર પીવાના પાણીની ટાંકીઓ પણ ગોઠવવામાં આવશે.

શેલા તળાવનું નવીનીકરણ અને બ્યુટિફિકેશન થતાં શેલા ગામ ઉપરાંત આસપાસના નવા વિકસતાં વિસ્તારના હજારો લોકોને અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.