AMCની 1750 ઇમારતોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરવાની યોજના અમલમાં: 50 ટકા કામગીરી પૂર્ણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના “કેચ ધ રેઇન” અભિયાનથી દર વર્ષે 350 મિલિયન લિટર વરસાદી પાણીના સંચય થશે-ચોમાસા પૂર્વે અંદાજે 1000 જેટલી સિસ્ટમ કાર્યરત થઈ જશે.
અમદાવાદ (પ્રતિનિધિ), અમદાવાદ જેવા ઝડપથી વિકસતા શહેરમાં પાણીની માંગ સતત વધી રહી છે અને ભૂગર્ભ જળસ્તર ઘટી રહ્યું છે. પાણીની અછતને પહોંચી વળવા, ભૂગર્ભ જળસ્તર વધારવા તેમજ વરસાદી પાણીના વૈજ્ઞાનિક સંચાલનને પ્રોત્સાહન આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા “કેચ ધ રેઇન” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત AMC હસ્તકની આશરે 1750 જાહેર ઇમારતોમાં રૂફ-ટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરવાની યોજના અમલમાં છે. હાલમાં લગભગ 50 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને ચોમાસા પૂર્વે અંદાજે 1000 જેટલી સિસ્ટમ કાર્યરત થઈ જશે. બાકીની કામગીરી ચોમાસા દરમિયાન અને ત્યારબાદ પણ ચાલુ રહેશે.
આ પ્રોજેક્ટમાં AMCના મુખ્ય કાર્યાલયો, ઝોનલ અને વોર્ડ ઓફિસો, હોસ્પિટલો, શાળાઓ, લાઇબ્રેરીઓ, અર્બન હેલ્થ સેન્ટરો તેમજ પાણી પંપિંગ સ્ટેશનો જેવી વિવિધ જાહેર ઇમારતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રૂફ-ટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અંતર્ગત છતો, ધાબા અને ખુલ્લા વિસ્તારોમાં પડતું વરસાદી પાણી એકત્રિત કરીને વિશિષ્ટ ફિલ્ટરેશન પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરવામાં આવે છે. વરસાદી પાણીમાં રહેલા પ્લાસ્ટિકના ટુકડા, પાંદડા અને અન્ય અશુદ્ધિઓને દૂર કરવા માટે અપોલો સ્ક્રીન્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવેલી સ્ટેનલેસ સ્ટીલ આધારિત વેજ વાયર સ્ક્રીન ફિલ્ટર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

જેમાં એક્ટિવેટેડ કાર્બન અને ફિલ્ટર સેન્ડ જેવા માધ્યમોનો સમાવેશ થાય છે. પરિણામે વરસાદી પાણી વધુ સ્વચ્છ, દુર્ગંધમુક્ત અને રિચાર્જ માટે યોગ્ય બને છે. આ સાથે Apollo Screens પ્રાઈવેટ લિમિટેડની અદ્યતન ટ્રિપલ ફિલ્ટર એસેમ્બલી વરસાદી પાણીનું અસરકારક ફિલ્ટ્રેશન કરી તેને વધુ સ્વચ્છ, દુર્ગંધમુક્ત અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે યોગ્ય બનાવે છે. આ આધુનિક ટેક્નોલોજી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતામાં નોંધપાત્ર વધારો કરે છે.
શુદ્ધ થયેલા વરસાદી પાણીનો ઉપયોગ રિચાર્જ વેલ અને રિચાર્જ ટ્યુબવેલ મારફતે ભૂગર્ભ જળસ્તર વધારવા માટે કરવામાં આવે છે. ઉપરાંત, આ પાણીનો સંગ્રહ કરીને બગીચા, સફાઈ, ફ્લશિંગ અને અન્ય બિન-પીવાના ઉપયોગો માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ગત વર્ષે વરસાદની શરૂઆતના આશરે 30 દિવસ દરમિયાન માત્ર 300 રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા અંદાજિત 29 મિલિયન લિટર પાણીનું સંરક્ષણ નોંધાયું હતું. આ આધારે તમામ 1750 સિસ્ટમો કાર્યરત થયા બાદ અને સરેરાશ 30 ઇંચ વરસાદને ધ્યાને લેતા દર વર્ષે અંદાજિત 350 મિલિયન લિટર જેટલા પાણીના સંચયની સંભાવના છે.
આ પ્રોજેક્ટથી શહેરના ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે. સાથે જ વરસાદી પાણી સીધું ડ્રેનેજ અથવા નદીમાં વહી જવાને બદલે જમીનમાં ઉતારવાથી પાણી ભરાવાની સમસ્યા ઘટાડવામાં, સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ સુધારવામાં અને મ્યુનિસિપલ પાણી પુરવઠા પરનો ભાર ઘટાડવામાં પણ મદદ મળશે.
આ પહેલને “સ્માર્ટ સિટી” અને “ક્લાઇમેટ રિઝિલિયન્ટ અમદાવાદ”ના વિઝન સાથે જોડવામાં આવી છે, કારણ કે તે શહેરી જળ સંરક્ષણ, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ અને પાણીના ટકાઉ સંચાલનને પ્રોત્સાહન આપે છે. AMC દ્વારા આગામી વર્ષોમાં પણ આ પ્રોજેક્ટના વિસ્તરણ માટે બજેટ ફાળવી વધુ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરવાનો આયોજનબદ્ધ પ્રયાસ કરવામાં આવશે.
હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ ઇમારતોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો પ્રયોગ સફળતાપૂર્વક અમલમાં છે. આગામી સમયમાં રાજ્ય સરકારની મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત જનભાગીદારીના માધ્યમથી ખાનગી રહેણાંક સોસાયટીઓમાં પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરવાની યોજના છે.
આ પહેલથી કોર્પોરેશનની ઇમારતો તેમજ ખાનગી સોસાયટીઓમાં વરસાદી પાણીનો સંગ્રહ વધશે, ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે અને જળ સંરક્ષણને વધુ પ્રોત્સાહન મળશે.આ સમગ્ર પ્રોજેક્ટ માટે પાંચ વર્ષનું ઓપરેશન અને મેન્ટેનન્સનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. પ્રિ-મોન્સૂન અને પોસ્ટ-મોન્સૂન દરમિયાન નિયમિત સાફ સફાઈ અને જાળવણીની કામગીરી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સ્ટેનલેસ સ્ટીલ આધારિત વેજ વાયર સ્ક્રીન અને અદ્યતન ટ્રિપલ ફિલ્ટર એસેમ્બલી જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ પ્રકારની રેઇન વોટર હાર્વેસ્ટિંગ વ્યવસ્થા ગુજરાત તથા દેશના સ્તરે એક અનોખી અને નવતર પહેલ તરીકે સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી રહી છે.
