તળાવોમાં એરેટર અને ફુવારા સ્થાપિત કરી ઓક્સિજનની ઉપલબ્ધતામાં વધારો કરાયો
અમદાવાદ મ્યુ. કોર્પો. દ્વારા જગતપુર અને છારોડી ગામના તળાવોની સફાઈ કરાઈ
અમદાવાદ (પ્રતિનિધિ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ઉત્તર પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા વોર્ડમાં આવેલ જગતપૂર ગામ તળાવ અને છારોડી ગામ તળાવ ખાતે હેલ્થ વિભાગ દ્વારા આદર્શ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. તળાવોની સ્વચ્છતા, પર્યાવરણીય સંતુલન અને સૌંદર્યમાં વધારો થાય તે હેતુથી બંને તળાવોમાં વ્યાપક સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
હેલ્થ વિભાગ દ્વારા તળાવોમાં ઉગી નીકળેલી લીલ, વેલ તેમજ જંગલી વનસ્પતિ દૂર કરીને પાણીની ગુણવત્તા સુધારવા અને તળાવોને વધુ સ્વચ્છ બનાવવા માટે કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત તળાવોમાં વસવાટ કરતા માછલી, કાચબા સહિતના વિવિધ જળચરોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે તળાવોમાં એરેટર તથા ફુવારા સ્થાપિત કરવામાં આવ્યા છે. જેના કારણે જળચર જીવસૃષ્ટિના સંરક્ષણ સાથે તળાવોના પર્યાવરણમાં પણ સકારાત્મક સુધારો નોંધાયો છે.
જગતપૂર ગામ તળાવ ખાતે ગાર્ડન વિભાગ દ્વારા આંબાવાડિયું તેમજ ગાર્ડનના વિકાસ માટે પણ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. ઉપરાંત ઈજનેર વિભાગ દ્વારા તળાવ અને તેની આસપાસની માળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા સંબંધિત કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
આ કામગીરીના પરિણામે બંને તળાવોના સૌંદર્યમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તળાવ ખાતે હરવા-ફરવા અને મનોરંજન માટે આવતા નાગરિકોને પણ તળાવોમાં થયેલા સકારાત્મક પરિવર્તનોનો અનુભવ થઈ રહ્યો છે. અગાઉની સરખામણીએ જગતપૂર અને છારોડી ગામ તળાવો વધુ સ્વચ્છ, સુઘડ અને આકર્ષક બનતાં સ્થાનિક નાગરિકોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.
