Western Times News

Gujarati News

ગોતાના પ્રદુષિત પાણીનો મામલોઃ પડઘા AMC સ્ટેન્ડિંગ કમિટીમાં પડ્યા

મ્યુનિ. કોર્પોરેશન હાઈ-રિસ્ક વિસ્તારોમાં સઘન કાર્યવાહી કરવામાં આવશે : સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ

ચોમાસા પહેલાં એક અઠવાડિયામાં ખાડા પૂરવાનું અધિકારીઓને સૂચન – નવા ખાડા ન ખોદવા તાકીદ

અમદાવાદ (પ્રતિનિધિ),  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી ચૂંટાયેલી પાંખની પહેલી સાપ્તાહિક સ્ટેન્ડીંગ કમિટીનું ગુરુવારે 4 જૂન 2026ના રોજ એએમસી દાણાપીઠ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  કમલેશભાઈ પટેલે તાજેતરમાં ઘાટલોડિયા વિસ્તારમાં થયેલી ઘટના વિશે વાત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદમાં 26 હાઈ-રિસ્ક ઉપર જગ્યાઓ ઉપર દેખરેખ રાખવામાં આવી રહી છે.

આ ઉપરાંત  ફરિયાદોના આધારે તમામ જગ્યા પર અમે માણસો રાખ્યા છે, જેથી કોઈ પણ ઘટના બને તો તાત્કાલિક તેના પર કામગીરી કરી શકાય. ઘાટલોડિયાની ઘટનામાં પાણીની લાઈનમાં બ્રેકડાઉન થયું હતું, જેને રીપેર કરવા માટે જયારે આ પાણીની લાઈન ખોલી ત્યારે નીચેની ડ્રેનેજની લાઈન ઉભરાતી હોવાનું ધ્યાને આવ્યું અને આ જ પાણી ટાંકામાં ગયું હતું જે પાણી પીતા સ્થાનિકોની તબિયત બગડી હતી.

જે પૈકી હાલ માત્ર એક જ દર્દી ઓબ્ઝર્વેશનમાં છે અને બાકીના તમામ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે,ડ્રેનેજની આ કામગીરી તો અધિકારી દ્વારા પૂર્ણ કરાઈ હતી, પરંતુ દુષિત થયેલું પાણી પીવા યોગ્ય નથી તે જાણકારી લોકો સુધી પહોચાડવામાં આવી ન હતી. આ ઉપરાંત આ ઘટનામાં જેની બેદરકારી તેની વિરુદ્ધ પગલાં લેવામાં આવશે.

અમદાવાદના રસ્તાઓને ખુલ્લા કરવામાં જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ બનાવી છે. આ સાથે એસ્ટેટ વિભાગ માટે પોલિસ વિભાગની સાથે કામ કરનાર એજન્સી પાસેથી પ્રત્યેક ઝોન માટે 8 કલાકના રૂ.4600 લેખે મેનપાવર સાથેની ક્રેનને ભાડે લેવાનો નિર્ણય લીધો છે.

આ ક્રેનને છ મહિના માટે સવા કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચથી ભાડે લેવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં પડેલા ખાડાઓ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, 15 જૂનની આસપાસ અમદાવાદમાં ચોમાસુ બેસે તેવી શક્યતાઓ છે, જેથી આવનારા દિવસોમાં જે પણ જગ્યાએ ખાડા છે તે પૂરી દેવાની સૂચના કમિશનરે અધિકારીઓને આપેલી છે અને નવા કોઈ ખોદકામને આજથી મંજૂરી આપવામાં આવશે નહીં એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.