Western Times News

Gujarati News

અમિત શાહની ગુજરાતને મોટી ભેટ

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગરમાં એક જ દિવસમાં ૫૦૦ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા. તેમણે તેમના મતક્ષેત્રના દ્વિદિવસીય પ્રવાસ દરમિયાન કુલ ૧૩૭૮ કરોડના વિકાસકામો અને ૩ર હજારથી વધુ લાભાર્થીને લાભ મળવાના છે

તેમ પણ આ પ્રસંગે ઉમેર્યુ હતું. તેમણે આ અવસરે ઉજવલા યોજના તહેત ગાંધીનગર જિલ્લાની ગ્રામીણ-ગરીબ બહેનોને ઉજવલા યોજનાના લાભ આપતાં પાટનગરને રાજ્યના પ્રથમ કેરોસીન ફ્રી જિલ્લાનું ગૌરવ અપાવ્યું હતું. ગૃહ મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ગરીબ-ગ્રામીણ પરિવારોના જીવનમાં સુખનો સૂરજ લાવવાની સંકલ્પબદ્ધતા સાથે ઉજવલા યોજના, આયુષ્યમાન ભારત, સૌને માટે આવાસ જેવી ગરીબ કલ્યાણ યોજનાઓ સફળતાપૂર્વક પાર પાડી છે. તેમણે આયુષ્યમાન ભારત યોજના અન્વયે પ૦૦ જેટલા લાભાર્થીઓને પાંચ લાખ સુધીની આરોગ્ય સારવાર વિનામૂલ્યે પૂરી પાડવાનો પણ આરંભ કરાવ્યો હતો.

તેમણે ઉમેર્યુ કે, દેશના ૫૦ કરોડ પરિવારો એવા હતા કે જ્યારે ગંભીર બિમારી આવે ત્યારે પૈસાના અભાવે સારવાર કરાવી શકતા નહોતા અને કોઇને મા / બાપ કે દિકરી/ દિકરો ગુમાવવો પડતો હતો. આવા સમયે નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત યોજના મૂકી. જેમાં ૫ લાખની આરોગ્ય સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે.

ગૃહ મંત્રીએ તેમના સંસદીય મતક્ષેત્રના હરેક જરૂરતમંદ વ્યકિતને આયુષ્યમાન ભારતનો લાભ સરળતાએ મળે તે માટે પાટનગર જિલ્લામાં ૧૦ કિ.મી.ના અંતરે આયુષ્માન ભારત યોજના સાથે જોડાયેલી હોસ્પિટલ, રૂગ્ણાલયો હોય તેવા આયોજનની નેમ પણ વ્યકત કરી હતી. અમિત શાહે કહ્યું કે, પ્રધાનમંત્રીએ ઘર-ઘર શૌચાલય અને ઉજવલા યોજના દ્વારા ધૂમાડામુકત રસોઇ ધરની જે ગરીબલક્ષી યોજના કરી છે તેના પરિણામે ગરીબ-દરિદ્રનારાયણના સ્વાસ્થ્યમાં ૭૦ ટકાનો સુધારો થયો છે.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, તેમણે ઉમેર્યું કે, આઝાદી બાદ ૭૦ વર્ષમાં અનેક સરકારો-વડાપ્રધાનો આવ્યા અને ગયા પણ ગરીબના ઘરમાં ચૂલો સળગતો જેના થકી માતા-બહેનોને ધૂમાડો ખાવો પડતો હતો. માત્ર મોદી સરકારે જ ભગીરથ કાર્ય કર્યું. અગાઉ ૭૦ વર્ષમાં ૧૩ કરોડ ગેસ સીલીન્ડર જ આપ્યા હતા તેમાંથી ૧૦ કરોડ તો માત્ર શહેરી વિસ્તારમાં આપ્યા અને ગ્રામીણ વિસ્તારમાં ૩ કરોડ જ હતા. જ્યારે ૨૦૧૪માં વડાપ્રધાનપદે નરેન્દ્ર મોદીએ શાસનધુરા સંભાળીને સપનું સેવ્યું હતું કે, મારી માતા-બહેનોને રસોડામાં ધૂમાડો વેઠવો ન પડે એ માટે માત્ર પાંચ જ વર્ષમાં ૧૩ કરોડ ગેસ સીલીન્ડર આપ્યા તેમાં ૮ કરોડ તો ગ્રામ્ય વિસ્તારોમાં આપ્યા છે.

કેન્દ્રીય મંત્રી શાહે ઉમેર્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ પરિવારમાં જન્મ લીધો છે. ગરીબ વર્ગમાં જન્મ લઇને આજે વડાપ્રધાન બન્યા છે. એમણે સાચા અર્થમાં ગરીબી જોઇ છે એટલે જ આજે ગરીબોના ઘરમાં સોનાનો સૂરજ ઉગે એ માટે મથામણ કરી રહ્યા છે. અનેકવિધ યોજનાઓ ગરીબોને કેન્દ્રમાં રાખીને બનાવી છે. જેના પરિણામે દેશના નાગરિકોએ ફરીથી સમગ્ર દેશનું સુકાન તેમને સોંપ્યું છે.

ભૂતકાળમાં કોંગ્રેસે ગરીબી હટાવવાનો નારો આપ્યો હતો પરંતુ તેઓએ ગરીબોને જ હટાવી દીધા. નરેન્દ્ર મોદીએ ગરીબોને ઘર, ગેસ, વીજળી, બેન્ક એકાઉન્ટ, આરોગ્ય કાર્ડ આપ્યા અને વર્ષ-૨૦૨૪ સુધીમાં દેશના તમામ નાગરિકોને ઘરે ઘરે નળ દ્વારા શુદ્ધ ગુણવત્તાયુક્ત પાણી પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે અને એ પરિપૂર્ણ કરાશે એવો તેમને દ્રઢ વિશ્વાસ છે.

આ માટે કેન્દ્ર સરકારમાં અલાયદું પેયજળ મંત્રાલય કાર્યાન્વિત કરી દેવાયું છે. શાહે કહ્યું કે, આ તમારો સાંસદ કાયમ માટે તમારો ઋણી રહેશે તમે જે ઐતિહાસિક જીત અપાવી છે તે બદલ આપના કોઇપણ સામાજિક પ્રસંગ હશે તો ચોક્કસ પહોંચવાનોં પ્રયાસ કરીશ. ગાંધીનગર શહેર અને જિલ્લાના વિકાસને પ્રાધાન્ય આપવું એ મારો મંત્ર રહેશે. આ માટે ગાંધીનગર ખાતે અલાયદું કાર્યાલય કાર્યરત કરી દેવાયું છે અને આ સંસદીય ક્ષેત્ર દેશના વિકાસ કામોનું સર્વોત્તમ સંસદીય ક્ષેત્ર બની રહે તેવા મારા પ્રયાસો રહેશે.

આ બે દિવસ દરમિયાન ગાંધીનગર-અમદાવાદમાં ૧૩૭૮ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ખાતમુહૂર્ત, ભૂમિપૂજન સહિત ૩૨ હજારથી વધુ લોકોને વ્યક્તિગત સહાય આપવામાં આવી છે એ બદલ તેમણે વહીવટી તંત્રને અભિનંદન આપ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર જિલ્લાના નગરજનો માટે દિપાવલીના પર્વના પ્રારંભની ધનતેરસ વિકાસતેરસ બની છે તેનો હર્ષ વ્યકત કર્યો હતો.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વમાં ‘‘સર્વજન હિતાય સર્વજન સુખાય’’ની સુશાસન ભાવનાની ગુજરાત જ નહિં સમગ્ર દેશના ગરીબ, વંચિત, દરિદ્રનારાયણ, પીડિત-શોષિત જનોને પ્રતીતિ થઇ રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગરીબોને સસ્તા દરે પરંતુ ટકાઉ અને સુવિધાયુકત પાકા આવાસ મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગુજરાતે લીડ લીધી છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.