Western Times News

Gujarati News

દ્વારકા નગરી પાણીમાં ગરકાવ, કલેક્ટરે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

દ્વારકા, સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. યાત્રાધામ દ્વારકા અને કલ્યાણપુરમાં ૨ કલાકમાં ૨.૫ ઈંચ તો ખંભાળિયા પંથકમાં ૨ કલાકમાં ૧.૫ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થયુ છે.

શહેરી વિસ્તારોમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં નદીનાળા છલકાયા છે. દ્વારકાની વાત કરીએ તો, તીન બત્તી ચોક, ઇસ્કોન ગેટ, મુખ્ય બજારમાં ગોઠણસમા પાણી ભરાયા છે. બીજી તરફ ભાટીયાની મુખ્ય બજાર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. જ્યારે ખંભાળિયાના કેશોદ, માંઝા, ભાળથર, ભટગામ, પીપરિયા વિસ્તારોમાં અસંખ્ય ચેક ડેમો છલકાયા છે.

આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ સૌરાષ્ટ્રમાં સામાન્ય છૂટો છવાયો વરસાદની આગાહી છે. તેમજ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત ૬, ૭, ૮ જુલાઈ ગુજરાતમાં સાવર્ત્રિક વરસાદની આગાહી કરાઈ છે. જેને પગલે દ્વારકાનું તંત્ર એલર્ટ થઈ ગયુ છે.

બીજી તરફ, હવામાન ખાતાની આગાહીના પગલે દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકે તેમ છે. તેથી દ્વારકા જિલ્લામા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ વિશે દ્વારકા જિલ્લાના કલેક્ટર મુકેશ પંડ્યાએ જણાવ્યું કે, સમગ્ર દ્વારકા જિલ્લામાં તારીખ ૭ થી ૯ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા તંત્રને સૂચના અપાઈ છે.

જિલ્લાના તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ના છોડવા આદેશ કરાયા છે. તો વરસાદની ગંભીર પરિસ્થિતિ બાબતે હેલ્પ લાઈન શરૂ કરાઈ છે. દ્વારકાના નાગરિકોને ફોન નંબર ૦૨૮૩૩૨૩૨૨૧૫ તેમજ ટોલ ફ્રી ૧૦૭૭ તથા ૭૮૫૯૯૨૩૮૪૪ પર જાણ કરવા જણાવાયું છે. નીચાણવાળા વિસ્તારમાં અવર જવર પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમજ ભયજનક રોડ પર બેરિકેટ મૂકવા આદેશ કરાયા છે.

યાત્રાધામ દ્વારકામાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ધોધમાર વરસાદના પગલે દ્વારકા નગરીમાં ચારે તરફ પાણી પાણી થઈ ગયુ છે. શહેરના ઈસ્કોન ગેટ, જૂની નગર પાલિકા, નવી નગર પાલિકા સહિતના વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા છે. થોડીવારમા ખાબકેલા વરસાદે પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાંખી છે. દ્વારકા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.

મોડી રાત બાદ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં આજે ફરી વરસાદી માહોલ જામ્યો છે. ખંભાળિયા તાલુકાના ભાડથર, ભાણવરી, ભીંડા, લાલુકા, કેશોદ સહિતના ગામોમાં ધોધમાર ૨ થી ૨.૫ ઇંચ વરસાદ ખાબકયો છે. ધોધમાર વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારના નદી નાળા છલકાયા છે. તો કલ્યાણપુર તાલુકાના ભાટિયામા ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભાટિયા પંથકમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ ખાબકતા મુખ્ય બજારોમાં પાણી પાણી થયા છે.

ભાટિયામાં ખાબકેલ ભારે વરસાદના કારણે બજારોમાં પાણી ભરાયા છે. ભાટિયામાં ખાબકેલા ધોધમાર વરસાદના પગલે વાહનચાલકો મુસીબતમાં મૂકાયા છે. ગત રાત્રે ૩ ઇંચ જેટલો વરસાદ ખાબક્યા બાદ ફરી વરસાદ શરૂ થતાં કેસરિયા તળાવમાં નવા નીર આવ્યા છે.HS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.