Western Times News

Gujarati News

ડાંગમા વરસાદને બાદ ઉદભવેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે બચાવ રાહત કામગીરી હાથ ધરાઇ

A rescue and relief operation was carried out in Dang

રસ્તા પર પડેલ વૃક્ષો, પથ્થરો તથા મલબો હટાવવા વન વિભાગની ટીમ દિવસ-રાત તૈનાત-પ્રજાજનોને મુશ્કેલીઓના પડે તે માટે વન વિભાગની સરાહનીય કામગીરી

દક્ષિણ ગુજરાતમા જુલાઈ માસની શરૂઆતથી જ મુશળધાર વરસાદ શરૂ થયો છે. જે આજદિન સુધી અવિરત પણે વરસી રહ્યો છે. 

ડાંગ જિલ્લાનો કુલ વિસ્તાર ૧૭૬૬ ચોરસ કિલોમીટર છે. જે પૈકી ૧૩૬૪ ચો. કિ.મી જંગલ વિસ્તાર છે. હાલની સ્થિતિએ વર્ષનો ૫૬.૫૪ ટકા વરસાદ વરસી ચુક્યો છે. જેથી પાણીના અવિરત પ્રવાહને લીધે જંગલ વિસ્તારમાંથી ઝાડો વહી રસ્તા પર આવી જવાની સ્થિતિ ઊભી થયેલી જોવા મળે છે.

શ્રી પ્રસાદ રવિ રાધાકૃષ્ણ (આઈ.એફ.એસ) નાયબ વન સંરક્ષક શ્રી, દક્ષિણ ડાંગ વન વિભાગ આહવાના માર્ગદર્શન હેઠળ રસ્તા પર પડી ગયેલા ઝાડ, પથ્થરો, મલબાના ત્વરિત નિકાલ માટે વન વિભાગ નો સ્ટાફ ૨૪/૭ ફરજ બજાવી રહ્યો છે. આવી વિકટ પરિસ્થિતિમા પણ તેમનું રસ્તા પરનુ પેટ્રોલિંગ સતત ચાલુ છે. અવરોધાયેલા રસ્તાને પી.ડબ્લ્યુ.ડી તથા જિલ્લા વહીવટી તંત્રની મદદથી ખુલ્લા રાખવાની કામગીરી હાથ ધરી છે.

આહવા-સાપુતારા રોડ પર આવેલ શિવઘાટનો ધોધ નિહાળવા દરરોજ મોટી સંખ્યામા સહેલાણીઓ આવે છે. જેમા આહવા-સાપુતારા રોડ ઉપર મોટી સંખ્યામા વાસના ઝૂંડ તેમજ અન્ય ઝાડ રસ્તા ખડી પડ્યા હતા.

જેને વન-વિભાગની ટીમે અન્ય કર્મીઓ સાથે મળી, રસ્તા ખુલ્લા કરવામા પોતાની ભૂમિકા ભજવી છે. તેવી જ રીતે સાપુતારા જેવા ચડાણ વિસ્તારમા પણ ઉભી થતી વિપરીત પરિસ્થિતિમા વનકર્મીઓ ૨૪ કલાક હાજર રહી ફરજ બજાવી રહ્યા છે.

વધઈ-સાપુતારા રોડ પર સૌથી વધુ પ્રવાસીઓનો ઘસારો તેના ગીરાધોધ અને બોટાનીકલ ગાર્ડનને જોવા માટે રહે છે. આવી સ્થિતિમા વઘઈ રેન્જ નો સ્ટાફ અવિરત પણે રોડ પર પેટ્રોલિંગ કરી, પ્રવાસીઓ માટે રસ્તો ખુલ્લો કરી રહ્યા છે. વરસાદમા કોઈ વિકટ પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે દક્ષિણ ડાંગ વન વિભાગ સેવા બજાવી રહ્યો છે.

આ ઉંપરાત ડાંગના ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશભાઇ રબારીએ જણાવ્યુ હતુ કે, ડાંગમા અતિશય વરસાદની પરિસ્થિતિના પગલે વન વિભાગની ટિમ, જિલ્લા વહીવટી તંત્ર સાથે વિવિધ પ્રકારની બચાવ કામગીરી કરી રહી છે. ખાસ કરીને ઉત્તર વન વિસ્તારમા અંતરિયાળ જંગલ વિસ્તારમા ઘણા ગામડાઓ વસેલા છે. આ વિસ્તારમા વાહન વ્યવહાર જળવાઈ રહે તે માટે, વન વિભાગની વિવિધ ટીમો દ્વારા જ્યારે, રોડ ઉપર વૃક્ષો પડે છે ત્યારે તેના નિકાલ માટે જેસીબી અને માણસોથી કામ લેવામા આવી રહ્યુ છે.

છેલ્લા ૩ દિવસથી અવિરત વરસાદને કારણે લવચાલી-આહવા રોડ, લવચાલી-સુબિર રોડ, સુબિર-મહાલ રોડ ઉપર વિવિધ વૃક્ષો પડી ગયા હતા. જેમા જેસીબી તેમજ માણસોની મદદથી ત્વરિત નિકાલ કરવામા આવ્યો હતો.

ગતરોજ આહવા-મહાલ રોડ ઉપર ભુસખલન અને લેન્ડસ્લાઇડની પરિસ્થિતિ સર્જાઇ હતી. જેમા ૩ જેસીબી અને ૫૦ વનકર્મીઓ દિવસ રાત કામે લાગ્યા હતા. સ્થાનિક લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓમા અગવડતાના પડે તે માટે તંત્ર કટિબદ્ધ છે, તેમ શ્રી રબારીએ વધુમા જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.