Western Times News

Gujarati News

નવસારી જળબંબાકાર, ૧૬ ઈંચ વરસાદથી આખા વાંસદાની જળસમાધિ

નવસારી, એક જ રાતમાં નવસારીના વાંસદામાં આભ ફાટ્યું છે. વાંસદા તાલુકામાં આજે સવારે ૬ વાગ્યે પુરા થતા ૨૪ કલાકમાં ૩૯૪ મિમી વરસાદ આકાશમાંથી ઝીંકાયો છે. વાંસદામાં ૨૪ કલાકમાં ૧૫.૭૬ ઇંચ વરસાદ નોંધાતા ચોમેર પાણી પાણી થઈ ગયુ છે. તો જિલ્લાના ખેરગામ તાલુકામાં પણ ૨૨૯ મિમી એટલે ૯.૧૬ ઇંચ વરસાદ પડ્યો છે.

નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવી ગયા છે. આ કારણે નવસારીમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ બની છે. નવસારીની નદી કિનારાના ગામડાઓ અને નવસારી તથા બીલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. જિલ્લાની સ્થિતિને જાેતા વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર મૂકી દેવાયા છે.

જિલ્લામાં પૂરની સ્થિતિને જાેતા બે NDRF ની ટીમ કાર્યરત કરાઈ છે. વાંસદાના પૌરાણિક ઉનાઈ માતાજી મંદિર આસપાસ પાણી જ પાણી દેખાયા છે. વાંસદા સહિત ઉપરવામાં પડેલા સાંબેલાધાર વરસાદને કારણે ઉનાઈ યાત્રાધામમાં પાણી ભરાયા છે.

ઉનાઈ ગામના મુખ્ય માર્ગો પર ત્રણ ફૂટ જેટલા પાણી ભરાતા માઇભક્તોને હાલાકી પડી રહી છે. નવસારીમાં સાંબેલાધાર વરસી રહેલા વરસાદથી હવે લોકો તોબા પોકારી ઉઠ્‌યા છે. કારણ છેલ્લા ૪ દિવસોમાં નવસારી શહેરની લોકમાતા પૂર્ણા નદીમાં પુરની સ્થિતિ બનતા હજારો લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

સતત ત્રીજા દિવસે ઝડપથી વધેલા પાણી અને વધુ પડતા પાણીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. ઘરોમાં કેડસમા દૂષિત પાણી હોવાથી રોગચાળો ફેલાવાની દહેશત વધી છે. મૂશળધાર વરસાદમાં નવસારીની નદીઓમાં પૂર જેવી સ્થિતિ ઉદભવી છે.

પૂર્ણાં નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા તબાહીના દ્રશ્યો જાેવા મળી રહ્યાં છે. નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં ભરાયા પાણી છે. તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે જવા અપીલ કરાઈ છે. નદીની જળસપાટી વધતા નવસારીમાં પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે.

પૂર્ણા નદીની જળસપાટી ૨૩ ફૂટે પહોંચતા એલર્ટ મૂકાયુ છે. કાવેરી અને અંબિકાની પણ એવી જ સ્થિતિ છે, બંનેની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નદીકાંઠાના વિસ્તારોમાંથી લોકોને ખસી જવા અને લોકોને આશ્રય સ્થાનોએ જવા કલેક્ટરે અપીલ કરી છે.

નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિને પગલે તંત્ર અલર્ટ મોડમાં આવી ગયુ છે. ડાંગ અને સુરત જિલ્લામાં પડી રહેલા અનરાધાર વરસાદની સીધી અસરથી નદીઓના જળસ્તરમાં વધારો થાય છે અને પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ ભોવાવવું પડે છે.

પૂર્ણા નદીમાં રાત્રે પાણી વધતા લોકોએ પોતાની ઘરવખરી તેમજ કિંમતી સુરક્ષિત સ્થળે લઈ જવા સાથે પોતાને પણ સલામત રાખવા પડે છે. લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘણા રાતે ઘર નજીક જ બેસીને ઉજાગરો કરી રહ્યાં છે, જ્યારે સવારે પાણી ઉતરતા લોકો ઘરની સફાઈ કરીને થાકે છે.

જ્યારે ફરી રાતે વરસાદની ધમાકેદાર બેટીંગને કારણે રાત્રે ફરી સામાન ખસેડવો પડે છે અને ઉજાગરો પણ કરવો પડી રહ્યો છે. ત્યારે ત્રીજા દિવસે ઝડપથી વધેલા પાણી અને વધુ પડતા પાણીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. ઘરોમાં કેડ સમા પાણી દૂષિત હોવાથી એમાં પલડવાને કારણે રોગચાળો ફેલાવાની દહેશત વધી છે.

જ્યારે પાણી ઓસરતા હવે પાણી ઓસર્યા બાદ સફાઇ વહેલી થાય એવી માંગ પણ અસરગ્રસ્તો કરી રહ્યા છે. નવસારી જિલ્લાના ઉપરવાસ ડાંગ જિલ્લાના તમામ તાલુકાઓમાં ૫ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં સુબીર તાલુકામાં ૮ ઇંચ વરસાદ ખાબકતા પૂર્ણા નદી ફરી ગાંડીતૂર બની છે.

ઉપરવાસમાંથી વરસાદી પાણી નવસારી પહોંચતા, નવસારીમાં જળ સપાટી ૮ થી ૧૦ વાગ્યા સુધીના ૨ કલાકમાં જ ૩ ફૂટ વધીને ૨૪ ફૂટ થઈ હતી. જેને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં ઝડપથી પાણી વધતા લોકોએ પોતના બાળકોને ખભે ઉંચકીને બહાર કાઢવા પડ્યા હતા.

જ્યારે ઝડપથી વધતા પાણીને કારણે તંત્ર દ્વારા નવસારી-સુરત રાજ્ય ધોરીમાર્ગને બંધ કરી દીધો હતો, જેને કારણે વાહનવ્યવહારને મોટી અસર પડી હતી અને લાંબો ચકરાવો મારવો પડ્યો હતો. જ્યારે પાણી ભરાવાની વાત જાણતા જ શહેરીજનો પાણી જાેવા વિરાવળ જકાતનાકે આવવા માંડતા પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પરંતુ નફ્ફટ લોકો પોલીસની વાતને પણ માનતા ન હતા અને પોલીસે તેમને સમજાવવમાં માથાકૂટ કરવી પડી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.