Western Times News

Gujarati News

નવસારી જિલ્લામાં ડ્રોન દ્વારા પાક નુકશાની સર્વેની કામગીરી શરૂ કરાઈ

નવસારી જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે ત્યારે અબોલ પશુઓ માટે સૂકા ઘાસચારાની માંગ આવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક ક્ષણનો પણ  વિલંબ કર્યા વિના અબોલ પશુઓને મહત્તમ પાંચ ઢોરની મર્યાદામાં પશુદીઠ ૪ કિલો સૂકુ ઘાસ વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે જેનું વિતરણ આજથી શરૂ થઈ જશે. નવસારી જિલ્લામાં ૧૩૨ ટીમો દ્વારા સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ છે.

નવસારી જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા પૂર અસરગ્રસ્ત પૂર્ણા નદીના કાંઠાના ગામોમાં હજુ પણ જ્યાં સરળતાથી પહોંચી શકાય એમ નથી, ત્યાં ટ્રેકટર મારફતે પહોંચી, જિલ્લામાં પ્રથમ વખત ડ્રોન દ્વારા પાક નુકશાની સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે વરસાદે વિરામ લેતા નવસારીમાં મકાન અને આરોગ્ય સર્વે તેમજ કેશડોલ્સ વિતરણની કામગીરી ૧૩૨ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા નવસારી જિલ્લાને તાત્કાલિક ધોરણે બે એડિશનલ કલેક્ટર તેમજ પાંચ ડેપ્યુટી કલેકટર પણ ફાળવવામાં આવ્યા છે.

આ ઉપરાંત આરોગ્ય, મહેસૂલ સહિત સંબંધિત વિભાગોના નોડલ ઓફિસરો પણ પુન:વસનની કામગીરીમાં જોડાયા છે. નવસારી જિલ્લામાં રાહતની કામગીરી સુચારૂરૂપે કરી શકાય તે માટે તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સૂચનાથી રૂપિયા ૫ કરોડ ફાળવવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.