Western Times News

Gujarati News

નવસારી સહિત ગુજરાતની 5 યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ શરુ થશે

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષી શકે એવો પ્રાકૃતિક કૃષિનો અભ્યાસક્રમ ભારતને ચોક્કસ ‘વિશ્વગુરુ’ બનાવશે : રાજ્યપાલ શ્રી આચાર્ય  દેવવ્રત

નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર (કૃષિ) અને અન્ય કૃષિ વૈજ્ઞાનિકોની બનેલી સમિતિએ તૈયાર કરેલા અભ્યાસક્રમને રાજભવન ખાતે મળેલી અત્યંત મહત્વની બેઠકમાં આખરી ઓપ અપાયો

ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ;  સરદાર કૃષિ નગર, દાંતીવાડા, નવસારી કૃષિ યુનિવર્સિટી, આણંદ કૃષિ યુનિવર્સિટી,  જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તથા ગુજરાત પ્રાકૃતિક અને જૈવિક  કૃષિ યુનિવર્સિટી તેમજ ગુજરાત યુનિવર્સિટી ;  એમ કુલ છ યુનિવર્સિટીઓમાં ‘પ્રાકૃતિક ખેતી’ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં દાખલ કરી શકાશે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજભવન, ગાંધીનગર ખાતે નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર (કૃષિ) ડૉ. નીલમ પટેલ , યુનિવર્સિટીનાકુલપતિઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને વિષય નિષ્ણાતોની ઉચ્ચકક્ષાની બેઠકમાં પ્રાકૃતિક કૃષિના અભ્યાસક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિનો કોલેજ કક્ષાનો આ અભ્યાસક્રમ તૈયાર કરવામાં કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ આંતરમનથી ઊંડું ચિંતન કરીને  ભારે પરિશ્રમ કર્યો છે.

આ અભ્યાસક્રમમાં પ્રાચીન કાળથી લઈને અત્યાર સુધીના તમામ વિષયોનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરીને સમાવેશ કરવામાં આવ્યો છે.  અનેક કિસાનોના વિસ્તૃત અનુભવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.  સાથોસાથ વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભોનો પણ આધાર લેવામાં આવ્યો છે. આ માટે તેમણે સમિતિના તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ  કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓને કહ્યું હતું કે, અધિકમાં અધિક ઉત્પાદન આપી શકે તેવા ભારતીય બિયારણોને વધારે ઉત્કૃષ્ટ બનાવીને યુનિવર્સિટી કક્ષાએ તેનુ સંરક્ષણ કરવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ પર પી.એચ.ડી. કરવા માટે વધુને વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ.

કારણ કે, આવનારું ભવિષ્ય પ્રાકૃતિક ખેતીનું છે. આવનારા સમયમાં વિશ્વ કક્ષાએ પ્રાકૃતિક ખેતીના અભ્યાસની આવશ્યકતા ઉભી થશે ત્યારે ભારત આખી દુનિયાને પ્રેરણા આપી શકે એવું કામ ગાંધીનગરના રાજભવનમાં થયું છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશ પ્રાકૃતિક ખેતીના મિશનમાં નેતૃત્વ કરે એવું તેમણે આહવાન કર્યું હતું.

ગુજરાતમાં બી.એસ.સી. (એગ્રીકલ્ચર)માં  પ્રાકૃતિક ખેતીનો વિષય અભ્યાસક્રમમાં દાખલ કરી શકાશે. એમ.એસ.સી. પ્રાકૃતિક કૃષિ પર કરી શકાશે. આ ઉપરાંત ગુજરાતની તમામ કૃષિ યુનિવર્સિટીઓ, ગુજરાત યુનિવર્સિટી અને પ્રાકૃતિક અને જૈવિક કૃષિ યુનિવર્સિટી, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો ત્રણ મહિનાનો સર્ટિફિકેટ કોર્સ પણ  પણ શરૂ કરી શકાશે.  ત્રણ મહિનાના આ સર્ટિફિકેટ કોર્સમાં કોઈપણ ખેડૂત કે કોઈપણ વ્યક્તિ પ્રવેશ મેળવી શકે એવુ આયોજન કરાશે.

આ ઉપરાંત તમામ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક કૃષિ પર વિદ્યાર્થીઓ પીએચડી પણ કરી શકે એવુ આયોજન છે. ગુજરાત ઉપરાંત હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં પણ  પ્રાકૃતિક કૃષિ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં સામેલ કરાય એવુ આયોજન વિચારાયુ છે.

દેશભરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નશીલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અને નિર્દેશ અનુસાર પ્રાકૃતિક ખેતીને કૃષિ યુનિવર્સિટીઓ અને અન્ય વિશ્વવિદ્યાલયોમાં પાઠ્યક્રમમાં સામેલ કરવા માટે નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર  (કૃષિ)

ડૉ. નીલમ પટેલની અધ્યક્ષતામાં સાત સભ્યોની એક વિશેષજ્ઞ સમિતિનું ફેબ્રુઆરી-૨૦૨૨ માં ગઠન કરવામાં આવ્યું હતું. પાંચ મહિના દરમિયાન આ સમિતિએ ગુજરાતના રાજભવનમાં અનેક બેઠકો કરી,  ઓનલાઈન મીટીંગો કરી હતી. ગુજરાત, હિમાચલ પ્રદેશ અને હરિયાણાના કિસાનો સાથે મુલાકાતો કરી. એટલું જ નહીં,  અન્ય દેશોના અભ્યાસક્રમોનો પણ વિસ્તૃત અભ્યાસ કર્યો હતો.

આ સમિતિએ અનેક સંશોધનો પછી તૈયાર કરેલો અભ્યાસક્રમ ગુજરાત, હિમાચલ પ્રદેશ અને હરિયાણાની કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓને મોકલવામાં આવ્યો હતો. તમામ વિષય નિષ્ણાતોએ આ અભ્યાસક્રમનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને તેને આખરી ઓપ આપ્યો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની આ પહેલ અને અભૂતપૂર્વક પ્રોત્સાહન માટે નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર ડૉ. નીલમ પટેલે સમિતિના તમામ સભ્યો વતી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો  આભાર માન્યો હતો.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, અત્યારે સમગ્ર દેશની નજર ગુજરાત ભણી છે. આપણે આ દિશામાં ખુબ મોટું કામ કરી રહ્યા છીએ. ગુજરાતની યુનિવર્સિટીઓના  કુલપતિઓ અને કૃષિ વૈજ્ઞાનિકોના આ સમૂહની બેઠકો નિયમિત રીતે મળતી રહે અને સતત વિચાર વિમર્શ થતો રહે એવુ પણ તેમણે સૂચન કર્યું હતું. ભારતનો પ્રાકૃતિક કૃષિનો આ અભ્યાસક્રમ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પણ આકર્ષી શકશે, એમ કહીને તેમણે કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિનો અભ્યાસ ભારતને ચોક્કસ ‘વિશ્વગુરુ’ બનાવશે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીયસહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ પ્રાકૃતિક કૃષિના મિશનને દેશભરમાં તેજ ગતિથી આગળ ધપાવવા પ્રયત્નશીલ છે. ભારતની ઉજ્જવળ આવતીકાલ માટે પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય છે. ભારતને આત્મનિર્ભર બનાવવા માટે કિસાન આત્મનિર્ભર બને એ જરૂરી છે,

અને કૃષિ આત્મનિર્ભર બનશે તો જ કિસાન આત્મનિર્ભર બની શકશે. ભારત આજે પ્રતિવર્ષ ૨,૫૦,૦૦૦ કરોડ રૂપિયા યુરિયા અને ડીએપીખાતરની આયાતમાં ખર્ચે છે. રાસાયણિક ખાતર પાછળ આટલો ખર્ચ કરીને આપણે ઝેર ખરીદીએ છીએ. ધરતીને ઝેરી બનાવીએ છીએ અને એ રીતે ઉગેલું ધાન ખાઈને કેન્સર જેવી બીમારીઓનોતરીએ છીએ.

આ દિશામાં ખૂબ ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે. એટલું જ નહીં, ગ્લોબલવૉર્મિંગ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિનો બીજો કોઈ ઈલાજ માનવજાત પાસે નથી. પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણનું પ્રદૂષણ પણ અટકે છે.

યુનેસ્કોના એક રિપોર્ટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, યુરિયા,  ડીએપી અને કીટનાશકનાઅંધાધુંધઉપયોગથીઆવનારા ૫૦ વર્ષ પછી સમગ્ર વિશ્વની ધરતી બિનઉપજાઉ થઈ જશે એમાં કોઈ શંકા નથી. પ્રાકૃતિક કૃષિથી ધરતીમા ઓર્ગેનિક કાર્બન વધશે. ભૂમિની ફળદ્રુપતા વધશે તો ઉત્પાદન પણ વધશે અને તો જ કિસાન આત્મનિર્ભર બનશે.

પ્રાકૃતિક કૃષિને ‘ઈશ્વરીય કાર્ય’ ગણાવતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, દેશને આત્મનિર્ભર બનાવવો હશે, ભૂમિની ફળદ્રુપતા અકબંધ રાખવી હશે અને ગૌસંરક્ષણ કરવું હશે તો પ્રાકૃતિક કૃષિ જ એકમાત્ર ઉપાય છે. આ માટે સમર્પિત કાર્યની આવશ્યકતા છે. તેમણે કહ્યું હતું કે, સૂર્યનો ઉદય થતાની સાથે જ અંધારું આપોઆપ ગાયબ થઈ જાય છે તેમ પ્રાકૃતિક ખેતી અનેક સમસ્યાઓનો ઉકેલ છે.

પ્રાકૃતિક ખેતીના પાઠ્યક્રમને અંતિમ સ્વરૂપ આપવાની આ બેઠકમાં ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરી, રાજ્યપાલશ્રીના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી રાજેશ માંઝુ, નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર (કૃષિ) ડૉ. નીલમ પટેલ, સમિતિના સભ્ય સચિવ અને ડૉ. યશવંતસિંહ પરમાર વિશ્વવિદ્યાલય, નૌની,

હિમાચલ પ્રદેશના કુલપતિ ડૉ. રાજેશ્વર સિંહ ચંદેલ, વિષય નિષ્ણાત શ્રી ડૉ. બલજીતસિંહસહરાન, ડૉ. સુનીતાપાંડે, ડૉ. સુભાષવર્મા, શ્રી આશીષ ગુપ્તા, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. હિમાંશુ પંડ્યા, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.  આર. એમ. ચૌહાણ, નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલ, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.  કે. બી. કથીરિયા, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નરેન્દ્રકુમાર ગોટીયા અને ગુજરાત પ્રાકૃતિક અને જૈવિક કૃષિ યુનિવર્સિટીના કુલપતિ  ડૉ. સી. કે. ટિમ્બડિયા ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.