Western Times News

Gujarati News

અમેરિકન ગ્રીન કાર્ડના નવા નિયમોથી ભારતના લોકોને સૌથી વધુ ફાયદો

અમેરિકા ઈમિગ્રેશન કાયદામાં મોટા ફેરફાર કરે તેવી શક્યતા -યુએસ ગ્રીન કાર્ડ માટે કોઈ કન્ટ્રી લિમિટ નહીં રહે-અમેરિકન ગ્રીન કાર્ડના નવા નિયમોથી ભારત, ચીનના અરજકર્તાઓને સૌથી વધુ ફાયદો થાય તેવી શક્યતા

વોશિંગટન,  અમેરિકા તેના ઈમિગ્રેશન કાયદામાં મોટા ફેરફાર કરે તેવી શક્યતા છે. હાલમાં અમેરિકન ગ્રીન કાર્ડ મેળવવા માટે દરેક દેશની એક ટોચમર્યાદા નક્કી કરવામાં આવી છે. જે તે દેશમાંથી તે લિમિટ કરતા વધુ અરજીઓ મળે તો તેને ગણતરીમાં લેવાતી નથી, અથવા વિઝા માટે ફરી જગ્યા થાય ત્યારે વિચારવામાં આવે છે.

પરંતુ હવે દેશને લગતી ટોચમર્યાદા દૂર કરવામાં આવે તેવી શક્યતા છે. તેનાથી અમેરિકન ગ્રીન કાર્ડ ઇચ્છતા ભારતીયોને સૌથી વધુ ફાયદો થવાની શક્યતા છે.

અમેરિકાના બે સેનેટર લાવી રહ્યા છે જેમાં કોઈ પણ દેશ માટેની ટોચમર્યાદા દૂર કરાશે. હાલમાં એમ્પ્લોયમેન્ટ આધારિત ઇમિગ્રન્ટ વિઝા માટે દરેક દેશ દીઠ ૭ ટકાની લિમિટ છે જે દૂર થશે. આ ઉપરાંત ઇગલ એક્ટ હેઠળ ફેમિલી સ્પોન્સર્ડ વિઝાની લિમિટ વધારીને ૧૫ ટકા કરવામાં આવશે.

તેનાથી અમેરિકન કંપનીઓ કોઈ કર્મચારીના જન્મસ્થળના બદલે તેને મેરિટ પર નોકરી પર રાખી શકશે. એપ્રિલમાં આ ખરડાને યુએસ હાઉસ જ્યુડિસિયરી કમિટી દ્વારા ક્લિયર કરવામાં આવ્યો હતો. હાલમાં અમેરિકા દર વર્ષે ૧.૪ લાખ એમ્પ્લોયમેન્ટ આધારિત ગ્રીનકાર્ડ ઇશ્યૂ કરી શકે છે.

તેમાં દરેક દેશ માટે સાત ટકાની ટોચમર્યાદા છે. જાે કોઈ દેશમાંથી અરજકર્તાની લિમિટ ૭ ટકાને પાર કરી જાય તો તેનાથી બેકલોગ સર્જાય છે. વિઝા નવેસરથી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી વધારાની અરજીઓને વિચારણામાં લેવાતી નથી. તેના કારણે ભારત અને ચીન જેવા દેશના અરજકર્તાઓની ઘણી અરજીઓ બેકલોગમાં રહી જાય છે.

યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ દ્વારા જાહેર કરાયેલા ડેટા પ્રમાણે ૩.૬૯ લાખ જેટલા અરજકર્તાની એમ્પ્લોયમેન્ટ વિઝા પિટિશન મંજૂર થઈ ગઈ છે, પરંતુ તેમને વિઝા ઇશ્યૂ કરવાના બાકી છે.

તેમાંથી મોટા ભાગની અરજીઓ EB2 અને EB3 કેટેગરીની છે જે પ્રોફેશનલ્સ અને સ્કીલ્ડ વર્કર્સ માટે છે. તેનો ઉપયોગ ઇમિગ્રેશન વર્કર્સ માટે ટેક્નોલોજી કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. અમેરિકન વિઝા ઓફિસના ડેટા પ્રમાણે ૨૦૨૧માં અમેરિકન સરકાર પાસે ૬૬,૭૮૧ વણવપરાયેલા એમ્પ્લોયમેન્ટ આધારિત ગ્રીન કાર્ડ્‌સ હતા જ્યારે તેના માટે ૧૪ લાખ ઈમિગ્રન્ટ્‌સે અરજી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.