Western Times News

Gujarati News

વિજળીની ચોરી કરશો તો થશે આટલી સજા અને આટલો દંડ ! જાણો છો

ભારત સરકાર દ્વારા ઈઝ ઑફ ડુંઈગ બિઝનેસ અન્વયે ગુજરાત વિદ્યુત ઉદ્યોગ એક્ટ અંતર્ગતની જોગવાઈ અને નિયમોના ભંગ બદલ જેલની સજાનું પ્રાવધાન ન સૂચવતા માત્ર ગંભીર પ્રકારના કૃત્યો માટે જેલની સજાનું પ્રાવધાન કરાશે:ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) (સુધારા) વિધેયક – ૨૦૨૨ વિધાનસભા ખાતે સર્વાનુમતે પસાર

ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ એ જણાવ્યું છે કે, ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) ૨૦૦૩ કાયદો રાજ્યમાં રાષ્ટ્રપતિશ્રીની મંજૂરીથી તારીખ ૧૨.૦૫.૨૦૦૩ થી અમલમાં આવ્યો છે.

કેન્દ્ર સરકારશ્રી દ્વારા વીજ અધિનિયમ ૨૦૦૩ જાહેર કરવામાં આવેલ જે તા.૧૦.૦૬. ૨૦૦૩થી અમલમાં છે.વીજ અધિનિયમ ૨૦૦૩ની કલમ ૧૮૫ અંતર્ગત આપણા રાજ્યનો આ કાયદો પણ અમલમાં રહે છે, તેથી તેની જોગવાઈ પણ અમલમાં છે.

તેમણે ઉમેર્યું કે,ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) ૨૦૦૩ના કાયદા અંતર્ગત કલમ:-૧૭ અને ૬૫ હેઠળ નામદાર ગુજરાત વીજ નિયમન આયોગના કાર્યો નિર્ધારિત કરવામાં આવ્યા છે તથા નામદાર આયોગ આ કાયદા અને વીજ અધિનિયમ ૨૦૦૩ અંતર્ગત વિનિયમો કરી શકે છે અને ઘડે છે.

મંત્રી શ્રી દેસાઈ એ ગુજરાત વિદ્યુત ઉદ્યોગ પુનર્ગઠન અને નિયમન-૨૦૨૨ની વિગતો આપતાં કહ્યું કે,આ એક્ટની કલમ-૫૪માં વીજ લાયસન્સી અને અન્ય વ્યક્તિ દ્વારા, ઉક્ત કાયદાની જોગવાઈ અથવા તે અંતર્ગત બનાવાયેલા નિયમો તથા તેની સૂચનાઓની જરૂરી પુર્તતા કે ભંગ બદલ,

કોઈ પણ જાતના વાજબી કારણો વિના જોગવાઇઓનું પાલન કરવામાં નિષ્ફળ જતાં, જો દોષિત ઠરતા, ત્રણ માસ સુધીની જેલની સજા અથવા મહત્તમ રૂપિયા બે લાખ સુધી અથવા બંનેની સજાની જોગવાઈ કરવામાં આવેલ છે અને જો આવી જોગવાઈનો ભંગ ચાલુ રહે તો, નિયમની અમલવારીના દોષિત થયાના પહેલા દિવસથી રોજના રૂ.૧૦,૦૦૦/- લેખે દંડની જોગવાઈ કરવામાં આવેલ છે.

આ જોગવાઈ, કાયદાની જોગવાઈ અને તેના હેઠળ ઘડાયેલ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે. વિનિયમો સંચાલકીય (operational) પ્રકારના અથવા કાર્ય પધ્ધતિ (Procedural) સંબંધિત છે અથવા તો વીજ ચોરી, વીજ માલ-સામાનની ચોરી અને વીજ તંત્ર સાથે ચેડા વગેરેના છે.

તેમણે ઉમેર્યું કે,સમય સાથે અમલવારી દરમ્યાન એવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે કે,જે  વિનિયમો સંચાલકીય અથવા તો કાર્ય પધ્ધતિ સંબંધિત છે  તેવાનો જાણ્યે – અજાણ્યે સુચારુ  રીતે પાલન કરી શકાતા નથી. જેમ કે, વીજ વપરાશકર્તા દ્વારા પોતાના વીજ પરિસ્થાપનમાં વાપરવામાં આવતી

થ્રી ફેઝ મોટર વીજ સંતુલિત ચાલે, થ્રી ફેઝ મોટરમાં નો વોલ્ટ રીલીઝ હોવું જોઈએ, વીજ પરિસ્થાપનમાં યોગ્ય વિજભાર વાપરવો, પાવર ફેક્ટર જાળવવો, વીજળીનો ઉપયોગ એવી રીતે કરવો કે જેથી બીજા ગ્રાહકોને વીજ વપરાશમાં અંતરાય ન આવે, વીજ પુરવઠાની ગુણવત્તા જળવાય તેવા સુધારાત્મક સાધનો વાપરવા એ અત્યંત જરૂરી છે.

ભારત સરકાર દ્વારા ‘Ease of doing Business Program’ અન્વયે, વીજ કંપનીઓ તથા વીજ ઉદ્યોગોમાં પણ નવા આયામના સમાવેશના ભાગ રૂપે, ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) એક્ટ, ૨૦૦૩ અંતર્ગતની જોગવાઈ અને નિયમોના ભંગ બદલ જેલની સજાનું પ્રાવધાન ન સૂચવતા માત્ર ગંભીર પ્રકારના કૃત્યો માટે જેલની સજાનું પ્રાવધાન કરવાની બાબત વિચારણામાં લેવા સૂચન કરવામાં આવેલ છે.

મંત્રી શ્રી એ કહ્યુ કે,ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન), એક્ટ ૨૦૦૩ની કલમ-૫૪માં વીજ લાયસન્સી અને અન્ય વ્યક્તિ દ્વારા, ઉક્ત કાયદાની જોગવાઈ અથવા તે અંતર્ગત બનાવાયેલા નિયમો તથા તેની સૂચનાઓની જરૂરી પુર્તતા કે ભંગ બદલ, કોઈ પણ જાતના વાજબી કારણો વિના જોગવાઇઓ નું પાલન કરવામાં નિષ્ફળ જતાં કે દોષિત ઠરતા ત્રણ માસ સુધીની

જેલની સજા અથવા મહત્તમ રૂપિયા બે લાખ સુધી અથવા બંનેની સજાની જોગવાઈ કરવામાં આવી છે અને જો આવી જોગવાઈનો ભંગ ચાલુ રહે તો,નિયમની અમલવારીના દોષિત થયાના પહેલા દિવસથી રોજના રૂ.૧૦,૦૦૦/- લેખે દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈ,કાયદાની જોગવાઈ અને તેના હેઠળ ઘડાયેલ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે.

તદ્દઅન્વયે, ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન), એક્ટ ૨૦૦૩ની કલમ-૫૪ની જોગવાઈમાં જરૂરી સુધારો કરવા બાબતે રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી છે.

તદઅનુસાર, કાયદેસર રીતે કરવામાં આવેલ અથવા આપવામાં આવેલ કોઈપણ આદેશ, નિર્દેશ અથવા માંગ-પત્ર/અધિગ્રહણનું પાલન ન કરવાના કૃત્યોને, કમિશન દ્વારા નીચી, મધ્યમ અને ઉચ્ચ એમ ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરી અને આવા નીચી અથવા મધ્યમ શ્રેણીમાં વર્ગીકૃત કરાયેલા કૃત્યોને જેલની સજા લાગુ પડશે નહીં, એ મુજબનો જરૂરી સુધારો કરી, ડિ-ક્રીમીન લાઈઝ કરી, માત્ર ઉચ્ચ શ્રેણીમાં વર્ગીકૃત કરાયેલા કૃત્યોના ઉલ્લંઘન માટે જ જેલની સજાની જોગવાઈ આખરી કરવા અંગેનો સુધારો કરવાનો નિર્ણય કરવામાં આવેલ.

રાજ્ય સરકાર દ્વારા કાયદાના પાલનમાં સરળીકરણ કરવાના આશયથી તથા ગંભીર પ્રકારની જ જોગવાઈના ભંગ બદલ, જેલની સજાની જોગવાઈ આખરી કરવાનો નિર્ણય કરવામાં આવેલ અને તે અંતર્ગત ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) સુધારા બિલ, ૨૦૨૨ ઘડવામાં આવી છે.

સૂચિત બિલની જોગવાઇઓ બંધારણના ૭માં શિડ્યુલની યાદી નં.૨ અને ૩માં આવે છે. બિલની જોગવાઈઓ કેન્દ્રિય કાયદાઓને સ્પર્શતી હોઈ, બંધારણની કલમ ૨૫૪-(૨) હેઠળ સદર સુધારા બિલ વિધાનસભામાં પસાર થયા બાદ માનનીય રાષ્ટ્રપતિ મહોદયની મંજૂરી માટે મોકલવામાં આવશે.

આ ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) (સુધારા) વિધેયક – ૨૦૨૨ વિધાનસભા ખાતે સર્વાનુમતે પસાર કરાયું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.