Western Times News

Gujarati News

ડહેલી ખાતે ૧૩ કરોડના ખર્ચે નવા બનનારા ૬૬ કેવી સબ સ્ટેશનનું ભૂમિપૂજન કરતા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ

વલસાડ, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેલી ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી.(જેટકો)ના રૂ. ૧૩ કરોડના ખર્ચે નવા બનનારા ૬૬ કેવી સબ સ્ટેશનનું ૮મી ઓક્ટોબરના રોજ રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ સબ સ્ટેશનમાં કુલ ૧૧ કે.વી.ના ૫ ફીડરો હશે અને તે ૪૯૦૦ ચો.મી વિસ્તારમાં ઉભું કરવામાં આવશે. સબ સ્ટેશનથી કુલ ૬૯૭૨ વીજ ગ્રાહકોને લાભ મળશે. આ સબ સ્ટેશનથી ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ઉચ્ચ ગુણવત્તાવાળો વીજ પૂરવઠો પ્રાપ્ત થશે.

ભીલાડના સાંસ્કૃતિક ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સમગ્ર દેશમાં વીજ ક્ષેત્રે ગુજરાત નંબર ૧ છે એમ જણાવતા ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં કુલ ૬૭ જેટલી વીજ કંપનીઓ કાર્યરત છે. તેના તાજેતરમાં જ થયેલા એક સર્વેમાં આ બધી વીજ કંપનીઓમાંથી સર્વોચ્ચ ક્રમાંકે રહેલી પાંચ કંપનીઓમાં ગુજરાતની જ ચાર કંપનીઓ સ્થાન ધરાવે છે જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડે તો પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.

આ સબસ્ટેશન દ્વારા અસપાસના વિસ્તારોને લાભ થશે તેમજ વીજ સમસ્યાઓનો ઉકેલ આવશે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં વીજના ઉત્પાદનમાં અન્ય વિકલ્પ તરીકે સોલાર ઉર્જા ક્ષેત્રે સોલાર રૂફટોપના માધ્યમનો નવીનતમ પ્રયોગ કરીને સારા પરિણામો મેળવ્યા છે. જેના પરિપાકરૂપે ગુજરાતમાં હાલમાં સોલાર રૂફટોપ દ્વારા રોજની ૨૦૦૦ મેગાવોટ અને પવનઊર્જા મારફતે રોજની ૩૦૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે.

તેમજ ભારતમાં એક વ્યક્તિદીઠ ૧૧૩૨ યુનિટ વીજ વપરાશ છે જ્યારે ગુજરાતમાં આ વીજવપરાશ વધીને વ્યક્તિદીઠ ૨૧૮૩ યુનિટ્‌નો છે. વીજ કટોકટીના સમયે પણ ગુજરાતમાં એકપણ દિવસ વીજકાપ અપાયો નથી. તેથી દરેક ક્ષેત્રે ડબલ એંજિનની સરકારથી દરેકને ફાયદો થઈ રહ્યો છે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે તેમ સસ્તી વીજળી આપવા કરતાં સારી વીજળી આપવી એ મહત્વનું છે.

કાર્યક્રમમાં ઉમરગામ ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે, સરકારે વીજા પૂરવઠાને પહોંચી વળવા અનેક સબ સ્ટેશનો બનાવ્યા છે અને હજી પણ જરુરી હશે એવા વિસ્તારોમાં નવા સબ સ્ટેશનો બનાવવામાં આવશે. કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન મુકેશભાઈ પટેલ, ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ધાંગડા, જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ જાદવ, જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ દિલીપ ભંડારી, મહામંત્રી પ્રકાશ પટેલ, જેટકોના મુખ્ય ઈજનેર કે. આર. સોલંકી અધિક્ષક ઈજનેર અભય દેસાઈ, નાયબ કાર્યપાલક ઈજનેર નિરંજનાબેન પટેલ, પી. એન. પટેલ તેમજ જેટકોના કર્મચારીઓ અને ડહેલીના ગ્રામજનો હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.