Western Times News

Gujarati News

વરસાદમાં તેમજ રાત્રે પણ ઉડાન ભરી શકે છે તેવું ભારતનું સ્વદેશી ટ્રેનર એરક્રાફ્ટ HTT-40

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા સંપૂર્ણ સ્વદેશી બનાવટના HTT-40 ટ્રેનર એરક્રાફ્ટનું અનાવરણ કરવામાં આવ્યું, શું છે તેની ખાસિયતો

વિશ્વનું સૌ પ્રથમ એવું એરક્રાફ્ટ છે જે જમીન પર હોય ત્યારે ચાલુ એન્જિનમાં રિફ્યુલિંગ કરી શકાય છે

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરના હેલિપેડ મેદાન ખાતે આયોજિત ડિફેન્સ એક્સ્પો એક્ઝિબિશનમાં HTT-40 એરક્રાફ્ટનું અનાવરણ કરવામાં આવ્યું હતું. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવેલું આ સંપૂર્ણ ભારતીય બનાવટનું ટ્રેનર એરક્રાફ્ટ છે. ભારતીય સંરક્ષણ સેવાઓની પ્રાથમિક તાલીમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ એરક્રાફ્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ નવું HTT-40 એ મૂળભૂત HPT-32 ટ્રેનરને બદલવા માટે ડિઝાઇન કરી વિકસાવવામાં આવ્યું છે. તેમાં બે લોકો બેસી શકે છે તેમજ મહત્તમ ૪૫૦ કિમિ પ્રતિ કલાકની ઝડપે ઊડી શકે છે. એટલું જ નહીં, તે વરસાદમાં અને રાત્રે પણ ઉડાન કરી
શકે છે.

HTT-40 એ સંપૂર્ણપણે એરોબેટિક ટેન્ડમ સીટ ટર્બો ટ્રેનર છે. જેમાં એર-કન્ડિશન્ડ કોકપિટ, આધુનિક એવિઓનિક્સ અને ઇજેક્શન સીટ પણ છે. આ એરક્રાફ્ટને ઓછી સ્પીડ પર પણ સારી રીતે ઉડાડી શકાય અને અસરકારકતાથી સારી તાલીમ આપી શકાય, એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

આ અંગે HALના અધિકારીના જણાવ્યા અનુસાર આ વિશ્વનું સૌ પ્રથમ એવું એરક્રાફટ છે, જે જમીન પર હોય ત્યારે તેનું એન્જિન બંધ કર્યા વિના જ રિફ્યુલિંગ કરી શકાય છે તેમજ કેડેટ્સની અદલાબદલી પણ થઈ શકે છે.

HTT-40નો ઉપયોગ માત્ર ઉડવા માટે જ નહીં, પરંતુ લડવા માટે પણ કરી શકાય તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આ એરક્રાફ્ટમાં અદ્યતન પ્રશિક્ષણ સુવિધાઓ પણ છે. જેમ કે, ટેક્ટિકલ ફોર્મેશન, બેઝિક ફાઇટર મેન્યુવર્સ, રેન્જ ઓપરેશન્સ, એર ટુ એર વેપન્સ અને એર ટુ ગ્રાઉન્ડ વેપન્સ ફંડામેન્ટલ્સ. ભવિષ્યમાં તેનું હથિયારયુક્ત મોડલ પણ વિકસાવવાનું આયોજન હોવાનું ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.