Western Times News

Gujarati News

છેલ્લા ૩ર વર્ષ દરમિયાન આ બેઠક ઉપર સૌથી વધુ વખત બ્રાહ્મણોએ મેદાન માર્યું છે

ખંભાતમાં ખરાખરીનો ખેલઃ ભાજપ માટે કપરા ચઢાણઃ-અપક્ષો કોની બાજી બગાડશેઃ વર્ષોથી વિકાસ માટે લોલીપોપ-

પડતર પ્રશ્નોથી ત્રસ્ત મતદારો –ખંભાત વિધાનસભા મત વિસ્તારમાં છેલ્લા ૩ર વર્ષથી ભાજપના ધારાસભ્ય ચૂંટાતા આવ્યા છે. આ વિસ્તારમાં ભાજપના કમિટેડ વોટર્સનો જથ્થો ખુબ મોટો છે. બીજી તરફ ગુજરાતમાં ર૭ વર્ષથી ભાજપની સરકાર છે. જ્યારે કેન્દ્રમાં છેલ્લા આઠ વર્ષથી ભાજપ સત્તા ઉપર છે. આ સરકારો સ્પષ્ટ બહુમત સાથે છે.

જ્યા સુધી ખંભાતના પડતર પ્રશ્નોની વાત છે ત્યા સુધી ૩ર વર્ષ દરમિયાન કયા ધારાસભ્ય એ રસપૂર્વક રજૂઆતો સરકારમાં કરી છે ? ખંભાતમાં બંદર, પીવાનું મીઠુ પાણી, મીઠા ઉદ્યોગ જેવા મહત્વના પ્રશ્નો વર્ષોથી ઉકેલાતા નથી. જેની સાથે રોજગાર જાેડાયેલો છે. ઉપરાંત ખંભાત નગરપાલિકા દ્વારા નગરજનોને પ્રાથમિક સુવિધાઓ સમયસર સંતોષકારક મળતી નહી હોવાની વાત ચર્ચાસ્પદ બનવા પામી છે.

(પ્રતિનિધિ) પેટલાદ, ભારત દેશના અતિ સમૃદ્ધ એવા ગુજરાત રાજ્યમાં નવાબી નગર તરીકે પ્રસિદ્ધ ખંભાત ચરોતર પ્રદેશમાં આવેલ છે. આ શહેર હીરા અને અકીક વેપાર માટે પ્રચલિત છે. વર્ષોથી અહીંયા હીરા ઉદ્યોગ સ્થાપિત થયેલ છે. વર્ષો પહેલા સમગ્ર રાજ્ય અને દેશનો દરિયા કિનારાનો વેપાર ખંભાત બંદરે થી થતો હતો.

ખંભાત વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મહેશકુમાર રાવલે ઉમેદવારી નોંધાવી છે

સમય જતા ખંભાત બંદરનો તમામ વેપાર મુંબઈ તરફ વળી ગયો હતો. ખંભાતમાં હિરા અને અકિક ઉદ્યોગ સાથે પતંગ, મીઠાઈ, ફરસાણ વગેરેનો વેપાર પણ ખુબ મોટા પાયે વિકસેલ છે. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોથી અહિયાના ઉદ્યોગોમાં મંદી જાેવા મળે છે. ઉપરાંત વિકાસથી પણ આ શહેર વંચિત છે.

ગત દશેક વર્ષથી સરકાર દ્વારા ખંભાત બંદરને ફરીથી વિકાસ કરવા જાહેરાતો માત્ર કાગળ ઉપર કરી હોવાનો રોષ સ્થાનિકોમાં છે. તેમાય ૩ર વર્ષથી અહિયા ભાજપનું શાસન હોવા છતા વિકાસની માત્ર લોલીપોપ મળતી હોવાને કારણે આ વખતે ભાજપ માટે બેઠક જાળવી રાખવા કપરા ચઢાણ હોવાનું માનવામાં આવે છે. ઉપરાંત ભાજપ કોંગ્રેસ સહિત આપ અને અપક્ષો મેદાનમાં હોવાથી ચોકાવનારા પરિણામ આવે તો નવાઈ નહી !

નવાબીનગર ખંભાતની જાહોજલાલી અદ્‌ભૂત હતી. ચરોતરના ખંભાત તથા મહી કાંઠાના બદલપુર મુખ્ય મથકો ગણાતા હતા. બારમા અને તેરમા સૈકા દરમિયાન એટલે કે મધ્યકાલીન કાળમાં એક વખત દુનિયાના નવા દેશો તથા અમેરિકાની શોધમાં વાસ્કો-ડી-ગામા આફ્રિકાના ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણના કિનારાના કાઠે અટવાઈ ગયા હતા.

તેઓએ આફ્રિકાના કિલ્લા બંદરે વહાણો લાંગરેલા હતા. ત્યાં જ તે વખતે આ અટવાઈ ગયેલા વાસ્કો-ડી-ગામાને ખંભાતના ખલાસી કાનજીનો ભેટો થયો હતો. તેઓ વાસ્કો-ડી-ગામાને દોરી જઈ ભારતના કાલીકટ બંદરે લઈ આવ્યા હતા. ત્યારથી ચરોતરવાસીઓને પરદેશ જવા તથા પરદેશથી વેપાર અર્થે ભારતમાં આવવા ખંભાતના બંદરનો પ્રવેશદ્વાર દેશ માટે ખુલ્લો થયો હતો.

સમય જતાં ખંભાત બંદર વેપારનું ખૂબ મોટુ મથક બનવા પામ્યુ હતુ. આ સમય દરમિયાન ઈટાલીયન મુસાફર માર્કો પોલો પણ સફર દરમિયાન ખંભાતની મૂલાકાતે આવ્યા હતા. ધીરે – ધીરે દેશનું સૌથી મહત્વનું બંદર ખંભાત બનતા ભારતના પશ્ચિમ કાંઠાનું સૌથી મહત્વનું બંદર બની જવા પામ્યુ હતુ.

ગુજરાત, સૌરાષ્ટ્ર, માલવા, રાજસ્થાન વગેરે પ્રદેશોનો દેશ બહારનો માલ ખંભાત બંદરે ઉતરતો હતો. ઉપરાંત, આ પ્રદેશોમાંથી પશ્ચિમના દેશોમાં અકીક, કાપડ, ગરમ મસાલા, ગળી વગેરે નિકાસ થતાં હતા. જ્યારે દેશાવરમાંથી કાગળ, કાચ, રંગીન માટીની વસ્તુઓ, સોનુ, ચાંદી, ઘોડા વગેરેની આયાત ખંભાત બંદરે થઈ ભારતમાં થતી હતી.

આવી જાહોજલાલી ધરાવતા ખંભાત શહેરમાં હાલ કાર્યરત ઉદ્યોગોને અવાર – નવાર કોઈને કોઈ કારણોસર મંદીનું મોજુ નડ્યા કરે છે.

ભવ્ય ભૂતકાળ ધરાવતા ખંભાત શહેરની રાજકીય ગતિવિધી ઉપર નજર કરીએ તો ગુજરાતની સ્થાપના બાદ શરૂઆતની ચૂંટણીઓમાં કોંગ્રેસનું પ્રભુત્વ જાેવા મળતુ હતુ. પરંતુ છેલ્લા ૩ર વર્ષથી ખંભાતમાં ભાજપનો દબદબો જાેવા મળે છે. માટે જ ચરોતરમાં ખંભાત ભાજપનો ગઢ માનવામાં આવે છે.

છેલ્લા ૩ર વર્ષ દરમિયાન આ બેઠક ઉપર સૌથી વધુ વખત બ્રાહ્મણોએ મેદાન માર્યું છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષના લેખાજાેખા જાેઈએતો વર્તમાન ધારાસભ્ય મહેશભાઈ ઉર્ફે મયુરભાઈ રાવલ ખંભાતના વિકાસમાં કોઈ ખાસ વધારો કરી શક્યા નહી હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. ઉપરાંત છેલ્લા ત્રણેક વર્ષ દરમિયાન ખંભાતમાં અનેક વખત કોમી હુલ્લડો ફાટી નીકળ્યા હતા. ત્યારબાદ કોરોના કાળ દરમિયાન જીલ્લામાં સૌથી ખરાબ સ્થિતી ખંભાતની હતી.

છતા આવા સમયે ધારાસભ્ય નગરજનોની વ્હારે આવવાનું જાણે કે ભૂલી ગયા હોય તેમ ડોકાયા નહી હોવાની વાત આજે પણ ચર્ચાનો વિષય છે. જેને કારણે ખંભાત વિધાનસભા મત વિસ્તારમાં મયુરભાઈ રાવલનો વિરોધ વધતો જતો હતો. છતા ભાજપ દ્વારા તેઓને રિપીટ કરાતા વિરોધના વંટોળે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાનું જાણવા મળે છે. જેને કારણે આ વખતે ખંભાત બેઠક ઉપર કોંગ્રેસનું જાેર વધતુ જતુ હોવાનું જાણવા મળે છે.

જાે કે પ્રચાર પ્રસાર હજી અંતિમ તબક્કામાં હોવાથી ભાજપનું મોવડી મંડળ ડેમેજ કંટ્રોલ કરી રણનિતી પાર પાડે તો કદાચ ભાજપનો ગઢ હેમખેમ રહે તો પણ નવાઈ નહી. અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠક ઉપર આમ આદમી પાર્ટી સહિત અપક્ષના ઉમેદવારો પણ એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે.

માટે આ અન્ય અને અપક્ષ ઉમેદવારો કોની બાજી બગાડે એ તો આગામી તા.૮ ડિસેમ્બરે જ ખબર પડી શકે ! તમામ વેપાર મંદી તરફ આગળ વધી રહ્યા છે. હાલ લોકડાઉન ચાલી રહ્યુ છે. હવે ખંભાતના નાના – મોટા વેપાર સાથે સંકળાયેલ તમામ લોકો લોકડાઉન ખુલવાની રાહ જાેઈ રહ્યા છે. પરંતુ, લોકડાઉન ખુલ્યા બાદ હીરા ઉદ્યોગના કારખાનાની ઘંટી ઉપર કેટલા લોકો કામ કરવા આવશે ? એ તો સમય જ બતાવશે !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.