Western Times News

Gujarati News

મતદારની આંગળી પર લગાવવામાં આવતી શાહીની શું છે ખાસિયત

આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો ઉપર મતદાનના દિવસે ૩૬૨૦ બોટલ અવિલોપ્ય શાહી વપરાશે

આણંદ, ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત આગામી તા. ૫ મી ડિસેમ્બરના રોજ આણંદ જિલ્લામાં મતદાન યોજાવાનું છે. ત્યારે આણંદ જિલ્લાની ૭ વિધાનસભા બેઠક માટે મતદાન અર્થે નકકી કરવામાં આવેલ ૧,૮૧૦ મતદાન મથક નક્કી કરવામાં આવ્યા છે.

દરેક મતદાર મતદાન કરવા જાય ત્યારે પોલિંગ ઓફિસર દ્વારા જમણા હાથની પહેલી આંગળી ઉપર અવિલોપ્ય શાહીથી નિશાની કરવામાં આવશે જેથી મતદારે મતદાન કર્યુ છે તેની ચોક્સાઇ થઇ શકે.

આણંદ જિલ્લાની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં ૧૮૧૦ મતદાન મથકો પર દરેક મતદાન મથક દીઠ બે શાહીની બોટલ આપવામાં આવશે જેનાથી પોલિંગ ઓફિસર આ અવીલોપ્ય શાહીની નિશાની દરેક મતદાર ની આંગળી ઉપર કરશે. આમ આણંદ જિલ્લાની ૭ વિધાનસભા બેઠકો માટે આ ચૂંટણીમાં અવિલોપ્ય શાહીની અંદાજે ૩૬૨૦ બોટલ શાહીનો ઉપયોગ કરવામાં આવશે.

વર્ષ ૧૯૬૨થી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા અને લોકસભાની તમામ ચૂંટણીઓમાં ઉપયોગમા લેવામા આવતી અવિલોપ્ય શાહી કાળી શાહી અને સિલ્વર નાઈટ્રેટના મિશ્રણમાંથી બને છે.

આ શાહીની ખાસિયત એ છે કે જે તે મતદારની આંગળી પર એક વખત લગાવ્યા બાદ માત્ર ૬૦ સેકન્ડમાં સુકાઈ જાય છે પરંતુ આંગળી પર શાહીનું નિશાન ૧૫-૨૦ દિવસ તો ક્યારેક મહિનાઓ સુધી રહે છે. કોઈપણ રાસાયણિક ડિટર્જન્ટ કે તેલથી આ શાહીની નિશાની દૂર કરી શકાતી નથી જેથી એક જ મતદાર દ્વારા બીજી વખત મતદાન કરવાની સંભાવના નહીવત થઇ જાય છે.

ચૂંટણીપંચના નિયમાનુસાર દરેક મતદારના ડાબા હાથની પહેલી આંગળી ઉપર આંગળી અને નખની ઉપર સળંગ શાહી લગાવવામાં આવે છે. જો મતદારને ડાબો હાથ ન હોય તો જમણા હાથની પ્રથમ આંગળી ઉપર શાહી લગાડવામાં આવે છે અને જો બંને હાથ ન હોય તો ડાબા પગના અંગૂઠા ઉપર લગાડવામાં આવે છે.

કોઈ પણ મતદાર બીજી વાર મતદાન ન કરી શકે તેની સાવચેતી રાખવા ભારતીય ચૂંટણી તંત્રની સૂચના અનુસાર આ સંપૂર્ણ પ્રક્રિયા કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.