Western Times News

Gujarati News

૨૦૦ વર્ષ જૂનો પતંગ બનાવવાનો વ્યવસાય શેખ પરિવાર માટે બની શકે છે નામશેષ

મોંધવારી અને વધુ મહેનતના પગલે ભરૂચના પતંગવાલાની આજની નવી પેઢીને નથી રહ્યો પેઢીગત વ્યવસાયમાં રસ

(પ્રતિનિધિ)ભરૂચ, ઉત્તરાયણના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.ત્યારે ખંભાત ઉપરાંત ભરૂચ અને જંબુસરના પતંગ ખુબ વખણાય છે.ત્યારે ભરૂચમાં એક સમયે ખુબ જાણીતો પતંગનો ગૃહઉદ્યોગ હવે નામશેષ થવાના આરે પહોંચી ગયો છે.પતંગ બનાવતાં કારીગરોને મોંઘવારી નડી રહી છે.જેના કારણે તેમના સંતાનો આ વ્યવસાય અને પતંગ બનાવવાની કળા શીખતા નથી.

ઉત્તરાયણ નો પર્વ નજીક આવતા જ બજારમાં પતંગ,દોરા,ફીરકી સહિતની ચીજ વસ્તુઓની ખરીદી ખીલી રહી છે.ત્યારે પ્રાચીન નગરી ભરૂચમાં પતંગનો ઈતિહાસ પણ રોચક રહ્યો છે.શહેરની મોટી બજારમાં આવેલા ઘોષવાડમાં રહેતા ગુલામ મહંમદ શેખનો પરિવાર પતંગવાલા તરીકે જ પ્રખ્યાત છે.કારણ કે તેમનો પતંગ બનાવવાનો પેઢીગત વ્યવસાય ૨૦૦ વર્ષ જૂનો છે.

ઉત્તરાયણ પહેલા દર અઠવાડિયે ભરૂચનો પતંગવાલા પરિવાર ૪૦ હજાર પતંગ બનાવી ઘોડાગાડીમાં વર્ષ ૧૯૬૪ માં વડોદરા મોકલતો હતો.તો ૧૯૭૦ – ૮૦ માં એક મહિલા બોમ્બે થી પણ લેવા આવતા હતા.હાથ બનાવટથી બનતી આ પતંગોનો તમામ સમાન હાલમાં અમદાવાદથી લાવવામાં આવે છે.શેખ પરિવાર બે મહિના પહેલા જ પતંગ બનાવવાનું શરૂ કરી દે છે.

જાે કે આજે તેમની નવી પેઢીને વધુ મહેનત અને મોંઘવારી હોવાથી આ વંશ પરંપરાગત વ્યવસાયમાં ઝાઝો રસ રહ્યો નથી તેમ ગુલામ મહંમદ જણાવી રહ્યા છે. શેખ પરિવાર દ્વારા નખના આકારથી લઈ વિરાટ કદની અવનવી હાથ બનાવટની પતંગો પોતાના હાથે બનાવે છે.જેમાં એક પતંગ બનાવવા પાછળ અડધો કલાક જેટલો સમય લાગી રહ્યો છે.તો પહેલા મોટો એક પતંગ બનાવવા માટે સાત ટેબલ લાગતાં હતાં અને પતંગ તૈયાર થતો હતો પણ હવે ધીમે ધીમે બધુ ભુતકાળ બની રહ્યું છે.

૨૦૦ વર્ષ પહેલા ઘોડાગાડીમાં શરૂ થયેલી પતંગવાલા પેઢીની સફર આજે આધુનિક યુગમાં તેમની નવી પેઢીને વ્યવસાયમાં રસ રહ્યો નથી તો મોંધવારીના આ જમાનામાં તમામ ચીજવસ્તુઓ મોંઘી બનતા પતંગવાલા પરિવાર પોતાનું ગુજરાન ચાલી શકે તેટલી જ પતંગો બનાવી ગુજરાન ચલાવી રહ્યા છે.તો આ પતંગો પતંગબાજીની સાથે સાથે સુશોભન અને હિંડોળા સહિતના ઉપયોગમાં પણ લેવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.