Western Times News

Gujarati News

દમણની આંટિયાવાડ પંચાયતના સરપંચ દ્વારા દમણ દાભેલની વિદ્યાલયમાં વિજ્ઞાન પ્રદર્શનનું કરેલું ઉદ્દઘાટન

(પ્રતિનિધિ) દમણ, દમણની આંટિયાવાડ ગ્રામ પંચાયતના નવનિર્વાચિત સરપંચ શ્રીમતી ઉર્વશીબહેન જયેશભાઈ પટેલે દમણના દાભેલ ખાતે આવેલ શ્રી સ્વામી નારાયણ વિદ્યાલયમાં વિજ્ઞાન પ્રદર્શનનું ઉદ્દઘાટન કર્યું હતું. દમણ-દાભેલની શ્રી સ્વામી નારાયણ વિદ્યાલયના વિજ્ઞાન પ્રદર્શનમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા આંટિયાવાડ ગ્રામ
પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબહેન પટેલે વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી ખીમજીભાઈ પટેલ, પ્રિન્સિપાલ શ્રીમતી અનુપમાજીની ઉપસ્થિતિમાં પ્રદર્શનને ખુલ્લું મુક્યા બાદ પ્રદર્શિત વિવિધ મોડેલ અને કૃતિઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ શાળામાં ધોરણ ૧ થી ૧૨ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે.

સરપંચ શ્રીમતી ઉર્વશીબેહેન પટેલે વિદ્યાલયના મેનેજમેન્ટની સાથે વિજ્ઞાન પ્રદર્શનમાં દરેક સ્ટોલોની મુલાકાત લઈ મોડેલ અને કૃતિ નિહાળી બાળ વૈજ્ઞાનિકો સાથે ચર્ચા-વિચારણાં પણ કરી હતી. વિદ્યાર્થીઓની વિજ્ઞાનના વિષયમાં રૂચિ અને દક્ષતા નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને શાળા પરિવારને અભિનંદન પણ પાઠવ્યા હતા.

આ પ્રસંગે આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબહેન પટેલે શ્રી સ્વામી નારાયણ વિદ્યાલયના સ્કૂલ મેનેજમેન્ટ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જ્ઞાન-વિજ્ઞાનની રાષ્ટ્રની પ્રગતિમાં મહત્વની ભૂમિકા હોય છે. નવી પેઢીની વિજ્ઞાનમાં દક્ષતા ભારતના ભાવિને વધુ ઉજળુ બનાવશે. તેમણે શાળાની એજ્યુકેશન ગુણવત્તા ની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે શ્રી સ્વામી નારાયણ વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી ખીમજીભાઈ પટેલે સરપંચ શ્રીમતી ઉર્વશીબહેન પટેલને હનુમાનજીની પ્રતિમા સ્મૃતિ ચિહ્ન તરીકે ભેટ આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.