Western Times News

Gujarati News

આવો, આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીને ધરતી માતાને ઝેરમુક્ત કરીએ : રાજયપાલ

પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાત સમગ્ર ભારતનું નેતૃત્વ કરે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી કરવાનો આ સમય છે, પ્રાકૃતિક ખેતીને અનુસરવા રોડ મેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે

રાજ્યપાલશ્રી દેવવ્રતજીની પ્રેરણાત્મક ઉપસ્થિતિમાં અમરેલી ખાતે ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’  યોજાયો : પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે હેતુલક્ષી સંવાદ કર્યો

રાજ્યપાલશ્રીના હસ્તે પ્રાકૃતિક કૃષિ પ્રદર્શનનું ઉદ્ઘાટન : પ્રાકૃતિક કૃષિ પાકોનું નિદર્શન

સમગ્ર ભારતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થયા છે, પ્રાકૃતિક કૃષિ માટેનું અભિયાન ગુજરાતમાં અવિરત ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત રાજય ભારત દેશનું નેતૃત્વ કરે એમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું. તેમણે કહ્યું કે, ઝેરમુક્ત ખેતી કરવાનો આ સમય છે એટલે પ્રાકૃતિક ખેતીને અનુસરવા રોડ મેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ અમરેલી ખાતે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ કર્યો હતો. અમરેલીમાં ખેડુત તાલીમ કેન્દ્ર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ અને તેના મહત્વ વિશે કૃષિકારોને માર્ગદર્શન આપ્યું હતું.

પ્રાકૃતિક કૃષિ એ જૈવિક કૃષિથી અલગ પ્રકારની ખેતી છે એમ કહીને બન્ને ખેતી પધ્ધતિ વચ્ચેનો ભેદ સમજાવતાં તેમણે કહ્યું હતું કે,  પ્રાકૃતિક કૃષિ એ ગાય આધારિત કૃષિ છે, જેમાં ભારતીય ઓલાદની દેશી ગાયના ગૌ મૂત્ર, ગોબર ધન થકી જીવામૃત, ઘનામૃત તૈયાર કરીને તેનો ઉપયોગ કરીને ઝીરો ખર્ચે ઉત્પાદન મેળવવામાં આવે છે.

પ્રાકૃતિક કૃષિમાં રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓના ઉપયોગ વિના માત્ર ગાય આધારિત ખેતી કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો ઓછા ખર્ચે અનેક ફાયદાઓ મળે છે. અળસિયા એ કુદરતના ખેડૂતો છે જેની મદદથી ખેતીની જમીનની ફળદ્રુપતા તો વધે જ છે પરંતુ સાથે ખેડૂતોની આવક પણ વધે છે.

આજે સમગ્ર વિશ્વમાં પ્રાકૃતિક આપદાઓ વધી રહી છે ઉપરાંત જમીન બિનઉપજાઉ બની રહી છે ત્યારે પર્યાવરણના સંતુલનને જાળવી રાખવામાં પ્રાકૃતિક કૃષિ મદદ કરે છે, ઓછાં ખર્ચે, ઓછાં પાણીએ ઝેરમુક્ત ખેતી થકી ખેડૂતો આર્થિક રીતે સમૃધ્ધ બની શકે છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યુ હતુ કે, રાસાયણિક ખાતરોના ઉપયોગ થકી જમીનની ફળદ્રુપતા ઘટી છે, જમીન અને પાણી પ્રદુષિત થયા છે ત્યારે પ્રાકૃતિક કૃષિ અપનાવવાનો સંકલ્પ લઇ ધરતી માતાને ઝેરમુક્ત કરી ધરતી માતા પ્રત્યેનું ઋણ અદા કરીએ અને ભાવિ પેઢીને ઉજ્જવળ ભવિષ્ય આપીએ.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યુ કે, ગુજરાતના ખેડૂતો અથાક પરિશ્રમ કરી રહ્યા છે અને અમરેલી જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક કૃષિ માટે મહત્વનું યોગદાન આપી રહ્યા છે.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરીને પ્રાકૃતિક કૃષિ પાક-ઉપજો નિહાળી હતી.

જિલ્લાના પ્રાકૃતિક કૃષિ અનુસરતા કૃષિકારોએ વિવિધ સ્ટોલ્સના માધ્યમથી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું નિદર્શન કર્યુ હતું. રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો સાથે સંવાદ કર્યો હતો.

જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ શાબ્દિક સ્વાગત કર્યુ હતું. કલેકટરશ્રીએ અમરેલી જિલ્લાના પ્રાકૃતિક કૃષિ સંબંધિત અભિયાન અને કામગીરી વિશેની વિગતો આપી હતી. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામસભા દરમિયાન ખેડુતોને પ્રાકૃતિક ખેતી અને તે અપનાવવા અંગેનું માર્ગદર્શન આપવાામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, જિલ્લામાં આશરે ૩૫ હજારથી વધુ ગૌધન છે વધુમાં વધુ ખેડુતો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર પ્રયત્નશીલ છે.

જિલ્લામાં અમૃત આહાર કેન્દ્ર શરુ કરી પ્રાકૃતિક કૃષિ પેદાશો વિશે નાગરિકોને જ્ઞાત કરવામાં આવ્યા હતા.

પ્રાકૃતિક કૃષિના પ્રચારક અને હિમાયતી એવા શ્રી પ્રફુલભાઇ સેંજલીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. તેમણે અમરેલી જિલ્લો પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ખૂબ આગળ આવે તેવી શુભકામનાઓ પાઠવી વધુમાં વધુ ખેડુતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે અનુરોધ કર્યો હતો.

કુંકાવાવ તાલુકાના અમરાપુર ગામના શ્રી ભીખુભાઇ પટોળિયાએ છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક કૃષિ અપનાવી હોઈ તેમણે તેમના પ્રાકૃતિક કૃષિ સંબંધિત અનુભવો જણાવ્યા હતા. તેમણે પ્રાકૃતિક કૃષિ થકી સવાયું ઉત્પાદન મેળવવા અને ગાય આધારિત ખેતીમાં ગૌમૂત્રના ઉપયોગ વિશે જણાવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ અને તેના થકી ઉત્પન્ન થતી કૃષિ પેદાશોના મૂલ્યવર્ધન અને નફાકારક આર્થિક ઉપાર્જન વિશે વિગતે વાત કરી હતી.

નાયબ બાગાયત નિયામકશ્રી વાળાએ, પ્રાકૃતિક કૃષિ અને તેના આયામો વિશે જણાવી જિલ્લાની પ્રાકૃતિક કૃષિની સાફલ્ય ગાથાઓ વિશે જણાવ્યું હતું.

પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલિયા, અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ વડાશ્રી હિમકર સિંઘ, આત્મા રાજય નોડલ અધિકારી શ્રી પી.એસ. રબારી, અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મનિષાબેન રામાણી, પ્રાંત અધિકારીશ્રી દેસાઇ, બાગાયત, કૃષિ અને આત્મા સહિતના વિવિધ કચેરીઓના વડા, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ,  સંત-મહંતો અને કૃષિકાર ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

રાજયપાલશ્રી તથા મહાનુભાવોનું પ્રાકૃતિક કૃષિ પેદાશોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રકાશ જોષીએ  કર્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.