Western Times News

Gujarati News

ખેતપેદાશોને નુકસાન ન થાય તે માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર  સમિતિઓને સતર્ક રહેવા સૂચના

પ્રતિકાત્મક

 ‘બિપરજોય વાવાઝોડા’ની સંભવિત અસરોને ધ્યાને લઈ ખેડૂતોની ખેતપેદાશોને નુકસાન ન થાય તે માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર  સમિતિઓને સતર્ક રહેવા સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલની તાકીદ 

આફતની પરિસ્થિતિમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંદર્ભે ઊભા કરાયેલ  કંટ્રોલરૂમના સંપર્કમાં રહેવા મંત્રીશ્રીનું સૂચન

સહકાર મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ દ્વારા રાજ્યમાં “બિપરજોય વાવાઝોડા”ની સંભવિત અસરોને ધ્યાને લઈ ખેત ઉત્પન્ન બજાર સમિતિઓને સતર્ક રહેવા તાકીદ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારમાં રાજ્યના તમામ ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાવવા માટે ૨૨૪ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ રાજ્યભરમાં કાર્યરત છે.

મંત્રી શ્રી વિશ્વકર્મા દ્વારા “બિપરજોય વાવાઝોડા”ની જે જિલ્લાઓમાં વિશેષ અસર થવાની સંભાવના છે તેવા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જુનાગઢ, મોરબી અને કચ્છ એમ કુલ છ જિલ્લાની તેમજ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતનાં અન્ય જિલ્લાઓ કે જ્યાં “બિપરજોય વાવાઝોડા”ના કારણે વરસાદ થવાની સંભાવના છે

તે જિલ્લાની તમામ બજાર સમિતિઓને એલર્ટ રહી કાર્યદક્ષતા દાખવવાની સૂચના આપવામાં આવી છે. વધુમાં, સંબંધિત જિલ્લાના જિલ્લા રજિસ્ટ્રારશ્રીઓ તથા સંબંધિત બજાર સમિતિઓના મંત્રીઓને આ વાવાઝોડાની અસરથી બજાર સમિતિઓમાં ખેડૂત અને વેપારીની ખેત પેદાશોને નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવા તાકીદ કરવામાં આવી હોવાનું ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર નિયામકની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં જણાવ્યા મુજબ ખેડૂતોને પણ પોતાના વાડી વિસ્તારોમાંથી ખેત પેદાશોને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસેડવા સૂચના આપવામાં આવી છે. બજાર સમિતિમાં વેચાણ અર્થે પોતાની ખેત પેદાશ લાવનાર ખેડૂતોને પણ તેઓની ખેત પેદાશોનું નુકસાન ન થાય તે સંદર્ભેની તકેદારી રાખવા પણ જણાવાયું છે.

તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં રહેલી ખેતપેદાશોને તાત્કાલિક અસરથી ગોડાઉનમાં મૂકવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરી સુરક્ષિત જગ્યાએ રાખવા સૂચના અપાઈ છે. વધુમાં, જરૂર જણાયે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ બજાર સમિતિનું કામકાજ પણ બંધ રાખવા જણાવાયું છે.

નિયામકશ્રી, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગાંધીનગર દ્વારા અગાઉ આપવામાં આવેલી તમામ સૂચનાઓ અને માર્ગદર્શનનું પાલન કરી સંભવિત નુકશાનને નિવારવા રાજ્યની તમામ ખેતીવાડી બજાર સમિતિઓને અનુરોધ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.