Western Times News

Gujarati News

ઓક્સિજનના ટેન્કરમાંથી વિદેશી દારૂ-બિયરની પેટીઓનો જથ્થો ઝડપાયો

કુલ રૂા.૪૩,૬૬,૦૬૮/- નો મુદ્દામાલ જપ્ત ઃ ચાલક સહિત બે ની અટકાયત

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) ગત રાતે દાહોદ જિલ્લના દેવગઢબારીયા તાલુકાના ભથવાડા ટોલનાકા પર પીપલોદ પોલીસે જરૂરી વોચ ગોઠવી શંકાસ્પદ લાગતા ઓક્સિજનના ટેન્કરમાંથી રૂપિયા ૨૮.૨૨ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ

તથા બિયરની પેટીઓ નંગ-૫૫૨ ઝડપી પાડી રૂપિયા ૧૫ લાખની કિંમતનું ટેન્કર તથા બે મોબાઇલ ફોન મળી રૂપિયા ૪૩,૬૬,૦૬૮/-મુદ્દામાલ સાથે ઓક્સિજન ટેન્કરના ચાલક સહિત બે જણાની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આગામી જગન્નાથ રથયાત્રા અન્વયે અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવી નેસ્ત નાબૂદ કરવાની પોતાના ઉપરી અધિકારીની સુચના અને માર્ગદર્શન હેઠળ પીપલોદ પીએસઆઇ જી.બી.પરમાર તથા તેમના સ્ટાફના પોલીસ કર્મીઓની ટીમ પોતાના પોલીસ મથકના હદ વિસ્તારમાં ગત રાતે પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન પંજાબથી રાજસ્થાન થઈ એચઆર.૫૫.ડબલ્યુ.૬૮૯૯ નંબરનું શંકાસ્પદ લાગતું ઓક્સિજન ટેન્કર ગોધરા તરફ જનાર હોવાની બાતમી પીપલોદ પીએસઆઇ,જી.બી પરમારને મળતા તેઓએ તે બાતમીને આધારે પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓને સાથે રાખી ભથવાડા ટોલનાકા પાસે ગત રાતે વ્યુહાત્મક વોચ ગોઠવી હતી.

તે દરમિયાન બાતમીમાં દર્શાવેલ હરિયાણા પાસિંગનું ઓક્સિજન ટેન્કર દૂરથી આવતું નજરે પડતા વોચમાં ઉભેલ પીપલોદ પોલીસ સાબદી બની હતી અને ટેન્કર નજીક આવતા જ વોચમાં ઉભેલ પોલીસે ટેન્કરને ચારે બાજુથી ઘેરી લઈ ટેન્કરના પાછળના દરવાજાનું તાળું ખોલી તપાસ કરતા ગેસની કાટખાઈ ગયેલી જૂની ખાલી પાઇપો નજરે પડતા પોલીસને શંકા પડી હતી.

જેથી પોલીસે ટેન્કરની ટાંકીનું ઉપરનું ઢાંકણ ખોલી તપાસ કરતા ટેન્કરમાં વિદેશી દારૂ અને બિયરની અસંખ્ય પેટીઓ નજરે પડતા પોલીસ ચોકી ઉઠી હતી. અને પોલીસે ટેન્કર માંથી રૂપિયા ૨૮,૨૨,૫૬૮/-ની કુલ કિંમતની વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ નંગ- ૫૫૨ પકડી પાડી ટેન્કરના ચાલક રાજસ્થાનના બાડમેર જિલ્લાના મીઠડી

ગામના ૨૮ વર્ષીય જબરસિંગ ભીખસિંગ સોઢા તથા ટેન્કરમાં બેઠેલ મુકુંદ જાટની અટકાયત કરી તેઓની પાસેથી રૂપિયા ૩,૫૦૦/-ની કુલ કિંમતના બે મોબાઈલ ફોન તથા સદર દારૂ-બિયરની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૧૫ લાખની કિંમતનું ઓક્સિજન ટેન્કર મળી કુલ રૂપિયા ૪૩,૬૬,૦૬૮/-નો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા બંને વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી સદર દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યોને ક્યાં પહોંચાડવાનો હતો તે બાબતની પોલીસે પૂછપરછ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.