Western Times News

Gujarati News

ગુજરાતમાં સૌથી વધુ ૧૪૬ રીંછ બનાસકાંઠામાં

રીંછ વસ્તી ગણતરી-૨૦૨૨-ગુજરાતમાં વર્ષ-૨૦૨૨ની સ્થિતિએ અંદાજે ૩૫૮ રીંછ : અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી

વન વિભાગ દ્વારા યોજાયેલી રાજ્યવ્યાપી રીંછ વસ્તી ગણતરી-૨૦૨૨ મુજબ ગુજરાતના સાત જિલ્લાઓમાં વર્ષ-૨૦૨૨ની સ્થિતિએ અંદાજે ૩૫૮ રીંછની વસ્તી નોંધાઇ છે.

રાજ્યમાં દર પાંચ વર્ષે રીંછની વસ્તી ગણતરી કરવામાં આવે છે જેના ભાગરૂપે મે-૨૦૧૬માં છેલ્લી ગણતરી કરવામાં આવી હતી. અગાઉની વસ્તી ગણતરી કરતા રીંછની વસ્તીમાં સરેરાશ પાંચ ટકા જેટલો વધારો થયો છે તેમ,અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી, ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.

ગુજરાતમાં વર્ષ-૨૦૨૨માં યોજાયેલી રીંછની વસ્તી ગણતરીમાં રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ૧૪૬ રીંછની સંખ્યા નોંધાઇ છે. જ્યારે દાહોદ જિલ્લામાં ૧૦૧, છોટાઉદેપુરમાં ૬૧, સાબરકાંઠામાં ૩૦, મહેસાણામાં ૦૯, પંચમહાલમાં ૦૬ અને નર્મદા જિલ્લામાં ૦૫ એમ કુલ ૩૫૮ રીંછની વસ્તી નોંધાઇ છે.

ગુજરાત વિવિધ વન્ય પ્રાણીઓથી સમૃદ્ધ રાજ્ય છે. વન્ય પ્રાણી વસ્તીમાં વધારો કે ઘટાડો થાય છે તે અંગે વ્યવસ્થાપનના ભાગરૂપે વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે રીંછની ગણતરી કરવામાં આવે છે. રીંછની વસ્તીનો અંદાજ અગાઉ મે-૨૦૧૬માં કરવામાં આવ્યો હતો

ત્યારબાદ વર્ષ ૨૦૨૨માં સમગ્ર ગુજરાતમાં પ્રત્યક્ષ અને પરોક્ષ નિરીક્ષણ પદ્ધતિથી રીંછની વસ્તીનો અંદાજ હાથ  ધરવામાં આવ્યો હતો. આ સમગ્ર માહિતીના સંકલન તેમજ પૃથ્થકરણને અંતે  રાજ્યમાં રીંછની કુલ વસ્તી ૩૫૮ અંદાજવામાં આવી છે તેમ, તેમણે વધુ વિગતો આપતાં ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.