Western Times News

Gujarati News

આરોગ્ય વિભાગની છ જેટલી હોસ્પિટલોમાં ઓચિંતી તપાસ: સોનોગ્રાફી મશીન સીલ

ડીસાની ૩ ગાયનેક હોસ્પિટલનાં સોનોગ્રાફી મશીન સીલ કરાયા

ડીસા, ડીસા શહેરમાં આવેલી છ જેટલી ગાયનેક હોસ્પિટલોમાં જિલ્લા આરોગ્ય વિભાગ અને સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમોએ ઓચિંતી તપાસ હાથ ધરી હતી જે પૈકી ત્રણ હોસ્પિટલોમાં રજિસ્ટર નિભાવણીની અનિયમિતતા તેમજ કાયદાનો ભંગ થતો હોવાના કારણે સોનોગ્રાફી મશીન સીલ કરી દેવામાં આવ્યા હતા.

જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. જે.એચ. હરિયાણી તેમજ ડીસા તાલુકા હેલ્થ ઓફિસર ડો. પી.એચ. ચૌધરી સહિત આરોગ્ય વિભાગની ટીમે ડીસાની ગાયનેક હોસ્પિટલોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી.

આરોગ્યની ટીમે કુલ છ જેટલી હોસ્પિટલોમાં ચેકિંગ કરતાં હોસ્પિટલોમાં ઓનલાઈન અને ઓફલાઈન ફોર્મ ભરવામાં અનિયમિતતા જણાઈ આવી હતી. જયારે ત્રણ હોસ્પિટલોમાં સોનોગ્રાફી મશીનના નિભાવણી રજિસ્ટરમાં અનિયમિતતા તેમજ તબીબની હાજરી ન હોવા છતાં સોનોગ્રાફી મશીન ખુલ્લું રાખવા અંગે સહિત અનેક બાબતોએ કાયદાકીય જાેગવાઈઓની ભંગ થતો હોઈ કાર્યવાહી કરી મા હોસ્પિટલ, જનની હોસ્પિટલ તેમજ બાલાજી હોસ્પિટલ એમ આ ત્રણે ત્રણ હોસ્પિટલમાં મશીનો સીલ કરાયા હતા.

આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં સ્ત્રી જન્મદરનો રેશિયો ઓછો હોઈ ગાયનેક હોસ્પિટલમાં ગર્ભનું જાતિ પરીક્ષણ થતું હોવાનું તેમજ પીસીપીએનડીટી એકટનો ભંગ થતો હોવાનું જાણવા મળતાં આરોગ્ય વિભાગની ટીમોએ ઓચિંતી રેડ કરી હતી

જેમાં છ જેટલી હોસ્પિટલોમાં રેકોર્ડ અને રિપોર્ટની ચકાસણી કરતાં દરેક હોસ્પિટલમાં અલગ-અલગ ભૂલો જણાઈ આવી હતી તેમજ ત્રણ જગ્યાએ કાયદાનો ભંગ થતો હોઈ ત્રણ સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા છે. સોનોગ્રાફી મશીન સીલ કર્યા બાદ રોજ કામ કર્યા બાદ કયા કાયદામાં કઈ રીતે ભંગ થયો છે તે પ્રમાણે હોસ્પિટલને નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.