Western Times News

Gujarati News

રાયસણ ‘ગુડા’ આવાસમાં માથું ફાટી જાય તેવી દુર્ગંધથી રહીશો પરેશાન

પ્રતિકાત્મક

રાયસણ ‘ગુડા’ આવાસના રહીશો દ્વારા નખાતા કચરાથી રોગચાળાનો ભય

ગાંધીનગર, ગાંધીનગર નજીક રાયસણમાં આવેલી દિનદયાળ આવાસ યોજનામાં સ્થાનિક રહિશો દ્વારા વ્યાપક પ્રમાણમાં ગંદકી કરવામાં આવી રહી છે. આવાસ બિલ્ડીંગની પાછળના ભાગે કચરો અને એઠવાડ નાખવામાં આવતા મચ્છરોનો ઉપદ્રવ રોગચાળો નોતરશે તેવી દહેશત પ્રવર્તે છે.

આ ઉપરાંત રાંધણ ગેસ પાઈપ લાઈન નાખવામાં આવ્યા બાદ ખાડા પુરવામાં નહી આવતા વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે તેમાં મચ્છરોનો ઉપદ્રવથી રહીશો પરેશાન થઈ રહ્યાં હોવાની ફરિયાદ ઉઠી છે.

ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ (ગુડા) દ્વારા રાયસણમાં સૌપ્રથમ મોડેલ આવાસ યોજના ર૦૧૧માં બનાવવામાં આવી હતી. મુંબઈના બિલ્ડરને પ્રોજેકટ સોંપી સુવિધાજનક અને સુંદર ઘર મધ્યમ અને ગરીબ પરિવારો માટે બનાવવામાં આવશે, તેવી ગુડાના સત્તાધિશોએ જે તે વખતે મોટા ઉપાડે બણગા ફુંકયા હતાં

પરંતુ આવાસની હાલત આટલા વર્ષોમાં બદતર જેવી થઈ ગઈ છે. દરેક આવાસમાં ભેજ આવતો હોવાથી દિવાલો ઉપરથી ચુનો ખરી રહ્યો છે અને ભેજની જીવાતથી શ્વાસનો રોગચાળો ડોકાઈ રહ્યો છે. વયોવૃધ્ધ અને માસુમ બાળકોનું આરોગ્ય જાેખમાઈ રહ્યું છે.

આ અંગે ગુડાના સત્તાધિશોને આવાસના લાભાર્થીઓ દ્વારા અનેક વખત ફરિયાદો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે જેથી હવે મધ્યમ અને ગરીબ પરિવારોમાં ગુડાના સત્તાધિશો સામે ભારે રોષની લાગણી પ્રવર્તે છે.

આ ઉપરાંત આવાસના પાછળના ભાગમાં રહીશો ખુદ કચરો અને એંઠવાડ નાંખી વ્યાપક ગંદકી ફેલાવી રહ્યાં છે તેવી ફરિયાદો ઉઠી છે. આ અંગે નોટિસ બોર્ડ ઉપર સૂચના લખવામાં આવી હોવા છતાં રહીશો ખુદ ગંદકી ફેલાવી રોગચાળાને નોતરી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.