Western Times News

Gujarati News

ગુજરાતમાં આ સ્થળે ૨૨ ફૂટ ઉંડે ભૂતળમાં ધ્યાન યોગ કેન્દ્રનું નિર્માણ થશે

ધ્યાન-યોગ કેન્દ્ર,આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર અને સંગ્રહાલય નિર્માણનું આયોજન- કંથારપુર વડના વિકાસ માટે સરકારે રૂ.૧૫ કરોડ ફાળવ્યા છે :  બીજા તબક્કામાં રૂ. ૯.૭૦ કરોડના ખર્ચે વિવિધ વિકાસ-કાર્યો હાથ ધરાયા

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર વડ સંકુલ ખાતે ભૂતળમાં ધ્યાન-યોગ કેન્દ્ર વિકસાવવા માટે આયોજન હાથ ધરાયું છે. જમીન સપાટીથી ૨૨ ફૂટ નીચે બનનારું આ કેન્દ્ર આધ્યાત્મિક સાધનામાં રૂચિ ધરાવતા સાધકો માટે મહત્વનું સ્થળ બની રહેશે. આ પરિસરમાં આવતા શ્રદ્ધાળુઓને માનસિક-શારીરિક સ્વાસ્થ્ય લાભ થાય તે હેતુથી અહીં  આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર પણ બનશે.

કંથારપુર વડ પરિસર વિકાસ પ્રકલ્પ: વિચારબીજથી વટવૃક્ષ

લોકોક્તિ અનુસાર આ વડ ૫૦૦ વર્ષ પુરાણો છે. કંથારપુર મહાકાળી વડ તરીકે જાણીતા બનેલા આ વડને “મીની કબીરવડ”ના નામે પણ ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૦૬માં પ્રવાસન સ્થળની યાદીમાં સમાવેશ કર્યો હતો.

૨૮ ઓગસ્ટ, ૨૦૧૩માં શ્રી નરેન્દ્રભાઈએ આ સ્થળની મુલાકાત લીધી હતી અને આ સ્થળને ધાર્મિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની નેમ વ્યક્ત કરી હતી. ગુજરાત સરકારે મે-૨૦૨૧માં આશરે રૂ. ૧૫ કરોડના બજેટની જોગવાઈ સાથે “કંથારપુર મહાકાળી વડ” વિકાસ પ્રકલ્પને વધુ ગતિશીલ બનાવ્યો.

ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા-નિર્દેશમાં આ સ્થળને વિકસિત કરવા માટેના યોજનાબદ્ધ પ્રયાસો ચાલી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ સ્થળ મુલાકાત લઈ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા પણ કરી હતી.

પ્રોજેક્ટ અંગે વિગતે વાત કરતાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (GPYVB)ના સચિવ શ્રી આર.આર.રાવલ કહે છે : ” કંથારપુર મહાકાળી વડ વિકાસ પ્રોજેક્ટમાં બીજા તબક્કામાં રૂ. ૯ કરોડ ૭૦ લાખના ખર્ચે વિવિધ વિકાસ-કાર્યો હાથ ધરાઈ રહ્યા છે.”

કંથારપુર – આધ્યાત્મિક કેન્દ્રબિંદુ

કંથારપુર મહાકાળી વડ સંકુલને માત્ર ધાર્મિક પ્રવાસન સ્થળ તરીકે નહીં, પરંતુ આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં વિશેષ પ્રયાસ કરવામા આવી રહ્યો છે. શ્રી આર.આર.રાવલ કહે છે કે આ વડનું પ્રાચીન મહાત્મ્ય જળવાઈ રહે તે બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ધરતીના પેટાળમાં ૨૨ ફૂટ ઉંડે આકાર પામી રહેલા ધ્યાન યોગ કેન્દ્રની ભૂમિકા આપતા તેઓ કહે છે કે, આ કેન્દ્ર સાધકોને ભૌતિક જગતથી અલિપ્ત થવાનો અવસર પૂરો પાડશે, અને પરમ શાંતિની અનુભૂતિ કરાવશે.

કંથારપુર વડ પરિસર વિકાસ : પ્રાચીન સ્થળ, અર્વાચીન ઓળખ

કંથારપુર મહાકાળી વડ’ પ્રોજેક્ટ તબક્કાવાર હાથ ધરાઈ રહ્યો છે.  હાલ , અહીં વાવ(સ્ટેપવેલ) પ્રકારના બાંધકામની ૬૯ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પ્રથમ તબક્કામાં સંકુલમાં ધ્યાન અને યોગ કેન્દ્ર, આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર, સંગ્રહાલય, પાથ-વે, લૅંડસ્કૅપિંગ જેવી સુવિધાઓ વિકસિત કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટમાં યોગ, ધ્યાન કેન્દ્ર તેમ જ પ્રાર્થના ખંડ સંદર્ભે રાજ્યમાં યોગ-વિજ્ઞાન માટે જાણીતી એવી લકુલિશ યોગ યુનિવર્સિટી સાથે પણ પરામર્શ હાથ ધરવામાં આવ્યો.

શ્રી રાવલ કહે છે કે, આગામી તબક્કામાં મંદિરનું રિનોવેશન, લેન્ડસ્કેપિંગ, કમ્પાઉન્ડ વોલ, લીફ્ટ તેમ જ બ્યુટિફિકેશનના કાર્ય હાથ ધરાશે. તેઓ ઉમેરે છે કે વાવ(સ્ટેપવેલ) પ્રકારની ઈમારતમાં સંગ્રહાલયનું પણ નિર્માણ કરાશે.

નવેમ્બર -૨૦૨૪માં પ્રોજેક્ટ પૂર્ણ થશે

આયોજન અનુસાર આ પ્રકલ્પ નવેમ્બર -૨૦૨૪ સુધીમાં પૂર્ણ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. ૫ મે, ૨૦૨૧ના રોજ શરુ થયેલા આ પ્રોજેક્ટના બીજા તબક્કાની કામગીરી ઓગસ્ટ-૨૦૨૩ થી શરુ થશે. આ તબક્કાની સમય-મર્યાદા ૧૫ મહિનાની રાખવામાં આવી છે. એટલે કે તે નવેમ્બર-૨૦૨૪માં પૂર્ણ થાય તેવી આશા છે. આમ, વર્ષ ૨૦૨૫ના પ્રારંભે અધ્યાત્મમાં રૂચિ ધરાવતા સાધકોને ગાંધીનગર પાસે નવું સાધના-કેન્દ્ર પ્રાપ્ત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.