Western Times News

Gujarati News

સ્વસહાય જૂથની મહિલાઓએ ઝાપ ગામની સ્વચ્છતાને જ બનાવ્યો પોતાનો ધર્મ અને કર્મ

અમદાવાદના સાણંદ તાલુકાના ઝાપ ગામે નારીશક્તિએ જગાવી સ્વચ્છતાની મશાલ

ઝાપને સ્વચ્છ અને સુઘડ બનાવવા તથા ગ્રામજનોને તંદુરસ્ત રાખવામાં ‘જય ચામુંડા સ્વસહાય જૂથ’ની મહિલાઓનું મહત્વનું યોગદાન

આપણા દેશમાં મહિલાઓ ઘરના ફળિયાથી માંડી રસોડા સુધી ઘરના ખૂણે-ખૂણે સ્વચ્છતાની તકેદારી રાખતા જ હોય છે. પરંતુ અહીં અમદાવાદના સાણંદ તાલુકાના એક એવા ગામની મહિલાઓની વાત છે જેમનો સ્વચ્છતા યજ્ઞ માત્ર તેમના ઘર પૂરતો સીમિત નથી. તેમણે સમગ્ર ગામની સ્વચ્છતાને જ પોતાનો ધર્મ અને પોતાનું કર્મ બનાવી દીધું છે.

સાણંદ તાલુકાના ઝાપ ગામે કાર્યરત ‘જય ચામુંડા સ્વસહાય જૂથ’ની મહિલાઓ દરરોજ સવારે ઝાપ ગામના રોડ રસ્તાઓ, મુખ્ય ચોક, તળાવનો કિનારો વગેરે જાહેર જગ્યાઓ સહિત તમામ સ્થળોની સફાઈ કરે છે. આ સખી મંડળના ત્રણેય બહેનો ગામની સાફ-સફાઈ કરી રૂપિયા ૩૦૦૦નું માસિક વેતન મેળવે છે.

મંગુબેન અમરશીભાઈ, શારદાબેન મનુભાઈ અને લીલાબેન બુધાભાઈ નામની આ ત્રણેય મહિલાઓની સ્વચ્છતાની કામગીરીની જિલ્લા સ્તર પર નોંધ લેવાઈ છે. જેના પરિણામે તેમને વહીવટી તંત્ર તરફથી ૨૦ હજારનું રિવોલવિંગ ફંડ પણ આપવામાં આવ્યું છે.

ગામના સરપંચ શ્રી રાજુભાઇ ગોહેલ જણાવે છે કે, ‘જય ચામુંડા સ્વસહાય જૂથ’ની મહિલાઓ ગામને સ્વચ્છ અને સુખડ રાખે છે. આ મહિલાઓ ગ્રામજનોને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામાં મોટું યોગદાન આપી રહ્યા છે આ પ્રકલ્પ દ્વારા ગામને ગુણવત્તા યુક્ત સેવા અને ગામની સ્વા સહાય જૂથની મહિલાઓને ઘર આંગણે રોજગારી મળી રહી છે.

ગામની સ્વચ્છતા માટે પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપતા ત્રણેય બહેનો સંતોષની લાગણી અનુભવે છે જ્યારે તેમને મળતા મહેનતાણાથી તેમના પરિવારનો નિભાવ પણ સરળ બની રહ્યો.

ઉલ્લેખનીય છે કે, મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતા અને નારી ઉત્થાન પર ખૂબ ભાર આપ્યો હતો. સાથોસાથ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ ગાંધીજયંતી બાદ “સ્વચ્છતા હી સેવા” ઉપક્રમ શરૂ કરાયો છે. જેના દ્વારા દરેક નાગરિક પોતાની આસપાસની ગંદકી દૂર કરી સ્વચ્છતા રાખવા કટિબદ્ધ બને. ત્યારે જાપ ગામના સખી મંડળની આ બહેનો તમામ લોકો માટે પ્રેરણાની અનોખી મશાલ બની છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.