Western Times News

Gujarati News

નાગરિકોના સમર્થનથી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન બન્યું જન આંદોલન

પ્રતિકાત્મક

“ગાર્બેજ ફ્રી ગુજરાત” થકી “ગાર્બેજ ફ્રી ઈન્ડીયા”ના નિર્માણ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા સૌ નાગરિકો સંકલ્પબદ્ધ બને

જાહેરમાં કચરો નાખવાનું ટાળતા કચરો એકત્ર કરવા આવતી વાનમાં જ કચરો નાખીને  સ્વચ્છ ભારતના પ્રહરી બનીએ

ગુજરાતીઓની દરરોજની આવી નાની-નાની સારી ટેવ જ આગામી સમયમાં આદત બનશે અને એ આદત થકી જ સ્વચ્છ અને નિર્મળ ગુજરાતનું નિર્માણ થશે

પૂજ્ય મહાત્મા ગાંધીજીની સ્વચ્છ ભારતની સંકલ્પનાને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘ગાર્બેજ ફ્રી ઈન્ડીયા’નો મંત્ર આપ્યો છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમોને પણ આગામી બે મહિના સુધી લંબાવવામાં આવ્યા છે.

જેમાં રાજ્યના સૌ નાગરિકો જોડાય અને જાહેરમાં કચરો ન નાખવાનો સંકલ્પ કરે. આ સાથે જ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને ‘ગાર્બેજ ફ્રી ગુજરાત’ થકી ‘ગાર્બેજ ફ્રી ઈન્ડીયા’ના નિર્માણ માટે સહિયારા પ્રયાસો કરશે તો ચોક્કસપણે સ્વચ્છ અને નિર્મળ ગુજરાતનું નિર્માણ થશે.

સર્વત્ર સ્વચ્છતા જાળવવાના નિર્ધારને પરિપૂર્ણ કરવા સૌ નાગરિક પોતાની મૂળભૂત ફરજને યાદ કરીને આજથી જ આપણું આંગણું, આપણી શેરી અને આપણું શહેર-ગામ સ્વચ્છ રાખીએ. રાજ્ય સરકારના સ્વચ્છતા અભિયાનમાં સહકાર આપીએ અને જાહેરમાં કચરો નાખવાનો ટાળીએ.

રાજ્યમાં ઘરે-ઘરે કચરો એકત્ર કરવા આવતી વાનમાં જ કચરો નાખીને સ્વચ્છ ભારતના પ્રહરી બનીએ. એમાં પણ ભીનો અને સૂકો કચરો અલગ નાખીને પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠાવાન રહીએ. કેમ કે આપણી દરરોજની આવી નાની-નાની સારી ટેવો જ આગામી સમયમાં આદત બનશે, અને એ આદતથી જ સ્વચ્છ, નૂતન, સ્વર્ણિમ ભારતનું નિર્માણ થશે.

ભારતીય સંસ્કૃતિની સ્પષ્ટ વિચારધારા રહી છે કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં શુદ્ધતા છે; જ્યાં શુદ્ધતા છે ત્યાં પવિત્રતા છે; જ્યાં પવિત્રતા છે ત્યાં પ્રભુતા છે અને જ્યાં પ્રભુતા છે ત્યાં દિવ્યતા છે. આ શુદ્ધતા, પવિત્રતા, પ્રભુતા અને દીવ્યતા માટે જ વડાપ્રધાનશ્રીએ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે વર્ષ ૨૦૧૪માં “સ્વચ્છ ભારત અભિયાન”ની શુભ શરૂઆત કરાવી હતી.

તે સમયે વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને ભારતને સ્વચ્છ અને સપનાનું ભારત બનાવવાનું આહ્વાન કર્યું હતું. જેને અનુસરતા આજે સ્વચ્છ ભારત અભિયાન એક વિશાળ ઝુંબેશ- જન આંદોલન બની ગયું છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગાંધી જયંતી બાદ બે મહિના માટે “સ્વચ્છતા હી સેવા” ઉપક્રમને શરૂ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેના દ્વારા દરેક નાગરીક પોતાની આસપાસની ગંદકી દૂર કરી સ્વચ્છતા રાખવા વધુ કટિબદ્ધ બને. દરેક વ્યક્તિ એક નાનું પગલું સ્વચ્છતા તરફ લેશે તો ઘણા વ્યક્તિઓ સાથે જોડાઈને સ્વચ્છતા માટે પ્રેરણાની અનોખી મશાલ બની શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.