Western Times News

Gujarati News

એરલાઈને પેસેન્જરને બેસવા માટે ગંદી સીટ આપી

અમદાવાદ, ભારતમાં જુદી જુદી એરલાઈનની ક્વોલિટી અને પેસેન્જરોને મળતી સગવડો કે અગવડો વિશે ઘણા સમયથી ચર્ચા ચાલે છે. ઘણા પેસેન્જરોની ફરિયાદ છે કે તેમનો એર ટ્રાવેલ યાદગાર બનવાના બદલે ત્રાસદાયક બની જાય છે. અમદાવાદના એક પ્રવાસીને પણ આવો જ અનુભવ થયો છે. મધીશ પરિખ નામના પેસેન્જરને ઈન્ડિગો એરલાઈને બેસવા માટે ગંદી સીટ આપતા મધીશે તેની સામે ફરિયાદ કરી હતી.

હવે કન્ઝ્‌યુમર કમિશને તેને ૫,૦૦૦ રૂપિયાનું વળતર ચુકવવા એરલાઈનને આદેશ આપ્યો છે. પાંચ વર્ષ અગાઉ જુલાઈ ૨૦૧૮માં મધીશ પરિખે ઈન્ડિગોની બેંગલુરુથી અમદાવાદની ફ્લાઈટ પકડી હતી. તેને જે સીટ આપવામાં આવી હતી તે ગંદી હતી અને તેના પર કંઈ ઢોળાયું હોવાના કારણે ડાઘ હતા. તેણે આ વિશે કેબિન ક્રૂને ફરિયાદ કરી છતાં તેની સીટ સાફ કરી આપવામાં આવી ન હતી. તેણે પોતાની સીટ બદલી આપવા વિનંતી કરી હતી છતાં ઈન્ડિગો એરલાઈનનું કેબિન ક્રૂ આ માટે તૈયાર ન થયું.

આખરે પ્રવાસ કર્યા પછી મધીશ પરિખે અમદાવાદ (ગ્રામ્ય) કન્ઝ્‌યુમર કોર્ટમાં ઈન્ડિગો એરલાઈન સામે કેસ કર્યો હતો અને ટિકિટનું રિફંડ તથા તેને જે મુશ્કેલી સહન કરવી પડી તેના બદલામાં વળતરની માંગણી કરી હતી. તેણે પૂરાવા તરીકે ગંદી સીટના ફોટોગ્રાફ્સ પણ સોંપ્યા હતા. તેની દલીલ હતી કે પ્રવાસીએ ભાડું ચૂકવ્યું હોય ત્યારે તેને બેસવા માટે સ્વચ્છ જગ્યા મળે તે તેનો અધિકાર છે.

એરલાઈન તેની ફરજ બજાવવામાં નિષ્ફળ ગઈ હતી. આ ઉપરાંત એરલાઈને તેની ફરિયાદ ધ્યાન પર લીધી ન હતી જેના કારણે મુસાફરી દરમિયાન તેણે સહન કરવું પડ્યું હતું. એરલાઈને દલીલ કરી હતી કે પરિખની સાથે બીજા પ્રવાસીઓએ પણ તે વિમાનમાં મુસાફરી કરી હતી, પરંતુ કોઈએ સીટ અંગે ફરિયાદ કરી ન હતી. આ ઉપરાંત આ ફરિયાદ પર કામ કરવાનો કન્ઝ્‌યુમર કમિશનને અધિકાર છે કે નહીં તે વિશે પણ એરલાઈને સવાલ ઉઠાવ્યા હતા.

એરલાઈનનું કહેવું હતું કે તેમણે પેસેન્જરને અન્ય સીટ ઓફર કરી હતી. બંને પક્ષને સાંભળ્યા પછી ગ્રાહક પંચે કહ્યું કે ફોટોગ્રાફ જાેતા સ્પષ્ટ થાય છે કે સીટ પર ડાઘ હતા. પેસેન્જરને સ્વચ્છ સીટ આપવી એ એરલાઈનની ફરજ છે. તેમણે ફ્લાઈટ ટેક ઓફ થાય તે અગાઉ સીટ સ્વચ્છ કરવાની જરૂર હતી. જાેકે, પેસેન્જરને અન્ય સીટ ઓફર કરાઈ હતી અને તેણે પોતાનો પ્રવાસ પણ પૂરો કર્યો છે તેથી ટિકિટના રૂપિયા રિફંડ કરવાનો પ્રશ્ન નથી. પરંતુ એરલાઈને પેસેન્જરને વળતર પેટે ૫૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.