Western Times News

Gujarati News

અમદાવાદના આ પોલીસ સ્ટેશનમાં લાઇબ્રેરી, ચિલ્ડ્રન રૂમ, વેઇટિંગ રૂમ તેમજ એક કોમન હોલની વ્યવસ્થા

અમદાવાદ શહેરના નાગરિકોની સેવા અને સુરક્ષામાં મદદરૂપ બનતા શહેરના પોલીસ સ્ટેશનોમાં વધુ એક શહેરકોટડા પોલીસ સ્ટેશનનો ઉમેરો થયો : ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી

પોલીસ સ્ટેશનમાં આવનાર દરેક વડીલને પાણીનો ગ્લાસ આપવામાં આવે તો એ વડીલને ઘણી હૂંફ મળશે અને પોલીસ પ્રત્યેનો દૃષ્ટિકોણ પણ બદલાશે-શહેરકોટડા પોલીસ સ્ટેશન અદ્યતન સુવિધાઓથી સજજ

Ø  દરરોજ બેથી ત્રણ કલાક તમામ પોલીસ અધિકારીઓએ પબ્લિક માટે સમય ફાળવવો જોઈએ અને તેમની સમસ્યા સાંભળવી અને તેનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ

અમદાવાદમાં ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા નિર્મિત શહેરકોટડા પોલીસ સ્ટેશન તેમજ શહેરકોટડા પોલીસ સ્ટેશનના અદ્યતન બિલ્ડિંગનું ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, અમદાવાદ શહેરના નાગરિકોની સેવા અને સુરક્ષામાં મદદરૂપ બનતા શહેરના પોલીસ સ્ટેશનોમાં વધુ એક શહેરકોટડા પોલીસ સ્ટેશનનો ઉમેરો થયો છે. સરસપુર વિસ્તારમાં આવેલું આ શહેરકોટડા પોલીસ સ્ટેશન અદ્યતન સુવિધાઓથી સજજ છે.

તેમણે વધુમાં કહ્યું કે, આ પોલીસ સ્ટેશનની જરૂરિયાત એટલા માટે પણ વધી જાય છે કે જયારે ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન ભગવાનના રથ ત્રણથી ચાર-કલાક કોઈ વિસ્તારમાં રહેતા હોય તો એ સરસપુરનો વિસ્તાર છે ત્યારે આ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની ઘણા સમયથી માગ હતી એ માગને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂર્ણ કરી છે અને આ વિસ્તારના નાગરિકોની સેવા અને સુરક્ષા માટે શહેરકોટડા પોલીસ સ્ટેશનના રૂપમાં એક ભેટ આપી છે.

આ પોલીસ સ્ટેશનને અદ્યતન સુવિધાઓથી સજજ કરવામાં આવ્યું છે. આ પોલીસ સ્ટેશનમાં લાઇબ્રેરી,  ચિલ્ડ્રન રૂમ, વેઇટિંગ રૂમ તેમજ એક કોમન હોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને પોલીસના જવાનો તેમજ રથયાત્રા દરમિયાન ડ્યુટી ઉપર ફરજ બજાવતા જવાનોને અહી વિશ્રામ કરી શકે. આમ, તમામ પ્રકારની વ્યવસ્થા આ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.

આ અવસરે પોલીસના જવાનોને સંબોધતા ગૃહ રાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે, જ્યારે કોઈપણ પોલીસ સ્ટેશનમાં એક વડીલ પોલીસની મદદ લેવા આવે ત્યારે જો એ વડીલને બેસાડીને ફક્ત એક પાણીનો ગ્લાસ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવે તોપણ એ વડીલને ઘણી હૂંફ મળી રહે છે અને પોલીસ પ્રત્યેનો દૃષ્ટિકોણ પણ બદલાઈ જતો હોય છે. એટલું જ નહિ પોલીસના જવાનોએ સામાન્ય નાગરિક સાથે કેવી રીતે સંબંધો કેળવવા અને હ્યુમન ઈન્ટેલિજન્સનો કેવી રીતે ઉપયોગ કરવો, તેનું માર્ગદર્શન પણ પોતાના ઉપરી અધિકારીઓ પાસેથી સતત મેળવવું જોઈએ.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ તમામ પોલીસ અધિકારીઓને સંબોધતા કહ્યું કે, શહેરના સામાન્ય નાગરિકોને પડતી અનેક સમસ્યાઓ દૂર કરવાની જવાબદારી શહેર પોલીસની હોય છે. દરરોજ બે થી ત્રણ કલાક તમામ પોલીસ અધિકારીઓએ પબ્લિક માટે સમય ફાળવવો જોઈએ અને તેમને પડતી મુશ્કેલીઓ સાંભળવી જોઈએ અને તેનો ઉકેલ તાત્કાલિક લાવવો જોઈએ.

અમદાવાદ શહેર પોલીસની કામગીરીને બિરદાવતા ગૃહ રાજ્યમંત્રી શ્રીએ કહ્યું કે, અમદાવાદ શહેર પોલીસ એટલા માટે પણ અભિનંદનને પાત્ર છે કે ઘણા એવા મહત્ત્વના કેસો શહેર પોલીસે સોલ્વ કર્યા છે. ૨૦૨૪ના શરૂઆતના જ દિવસમાં ડ્રગ્સ પેડલરને પકડીને ડ્રગ્સ નાબૂદીનું અભિયાન ચાલુ રાખ્યું છે. આ સાથે અમદાવાદ પોલીસ દ્વારા વર્ષો જૂના કેસોના ગુનેગારોને શોધવાનું અભિયાન ઉપાડ્યું છે અને તેમાં સફળતા પણ મળી રહી છે.

અમદાવાદ શહેર અને રાજયના નાગરિકોને અપીલ કરતા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એ કહ્યું કે, શહેર અને રાજ્યના દરેક નાગરિકે હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ અને લાઇસન્સ અવશ્ય પોતાની પાસે રાખવું જોઈએ. શહેરના નાગરિકોનો જીવન બચાવવા ટ્રાફિક પોલીસ દંડ ઉઘરાવતી હોય છે, કેમ કે અકસ્માતના ૧૦૦માંથી ૩૫ ટકા કિસ્સાઓમાં હેલ્મેટ ન પહેરવાને કારણે માણસનું મૃત્યુ થતું હોય છે.

આ અવસરે રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ રાજ્યની શી ટીમની કામગીરીને પણ બિરદાવી હતી. આ પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે અમદાવાદ અમદાવાદનાં મેયર શ્રી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી કિરીટભાઈ સોલંકી, સર્વે ધારાસભ્યોશ્રી, રાજયના ડીજીપી શ્રી વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક સહિત પોલીસ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.