Western Times News

Gujarati News

મહિધરપુરામાં વેપારીને બંદૂકની નોક પર બંધક બનાવી રૂા. ૮૮ લાખની લૂંટ ચલાવી

સુરત, સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીમાંથી લાખોની કિંમતના હીરા લઈ નીકળેલા વેપારીને મોપેડ પર આવેલા બે શખ્સોએ બંદૂકની નોક પર બંધક બનાવી રૂપિયા ૮૮ લાખની લૂંટ ચલાવી ફરાર થઈ જતા સુરત પોલીસ દોડતી થઈ છે. સુરતના મહિધરપુરા વિસ્તારમાં ધોળા દિવસે બનેલી લાખોની લૂંટની ઘટનાના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા થયા છે.

આ ઘટના બનતાની સાથે સુરત ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી અને મહિધરપુરા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરવામાં આવી છે. જાેકે લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં લૂંટારૂઓનું પગેરું મેળવવાની દિશામાં પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી છે.

સુરતના મહિધરપુરા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, મહિધરપુરા ભવાની વડ વિસ્તારમાં આવેલી પટેલ પ્રવિણકુમાર આંગડિયા પેઢીમાં બપોરના સમય દરમિયાન હીરા વેપારી રૂપિયા ૮૮ લાખનું આંગડીયું લેવા માટે આવ્યો હતો. આંગડિયા પેઢીમાંથી રૂપિયા ૮૮ લાખનું આંગડિયું લઇ વેપારી પોતાના નિયત સ્થળે જવા માટે નીકળ્યો હતો.

જે દરમિયાન મોપેડ પર આવેલા બે શખ્સોએ બંદૂકની નોક પર હીરા વેપારીને ડરાવી- ધમકાવી બંધક બનાવ્યા બાદ મોપેડ પર બેસાડી લઈ ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ કામરેજ નજીક ૮૮ લાખની રોકડ રકમની લૂંટ ચલાવી વેપારીને અદ્ધરસ્તા વચ્ચે મૂકી ભાગી છૂટ્યા હતા. આ ઘટના અંગેની જાણકારી મળતા જિલ્લા પોલીસ અને સુરત પોલીસ દોડતી થઈ હતી.

જ્યાં સુરતના મહિધરપુરા ખાતે આવેલી આંગડિયા પેઢી પર મહિધરપુરા પોલીસ, સુરત ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા આંગડિયા પેઢી અને તેની આસપાસ આવેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. જ્યારે લૂંટારોઓનું પગેરું મેળવવા અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી હતી.

મહિધરપુરા વિસ્તારમાં ધોળા દિવસે બનેલી આ ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જ્યાં હાલ તો વેપારીની ફરિયાદના આધારે મહીધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જાેકે આ સમગ્ર ઘટના અંગે પોલીસે શંકા -કુશંકાઓ વ્યક્ત કરી છે. જ્યાં અન્ય કોઈ વ્યક્તિ દ્વારા લૂંટ માટેની ટીપ આપી હોવાની પણ શકયતા રહેલી છે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.