Western Times News

Gujarati News

ઉત્તરાયણના પર્વ દરમિયાન ઈજાગ્રસ્ત થતા પક્ષીઓની સારવાર  માટે ૧૦ મોબાઈલ વાન, ૧૬ ટીમોની વ્યવસ્થા  

ગોધરા:  ઉત્તરાયણ પર્વ દરમિયાન ચાઈનીઝ અને ધારદાર દોરીના કારણે ઈજાગ્રસ્ત થતા પક્ષીઓની સારવાર અને બચાવ માટે ૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાનના સૂચારૂ આયોજન માટે પંચમહાલ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ખાતે એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા સમાહર્તાશ્રીએ કરૂણા અભિયાન અંતર્ગત કરવાની કામગીરીની વિગતવાર માહિતી મેળવી હતી.


કરૂણા અભિયાન અંતર્ગત સવારના ૮ થી રાત્રિના ૮ કલાક સુધી ઘાયલ પક્ષીઓને નિઃશુલ્ક સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર માટે જિલ્લામાં ૧૦ મોબાઈલ વાન પણ તૈનાત કરવામાં આવશે તેમજ તાલુકાવાર પશુચિકિત્સા અધિકારીઓની કુલ ૧૬ ટીમો હાજર રહેશે. ગોધરા, હાલોલ, કાલોલ અને શહેરા ખાતે ૩-૩ ટીમો, મોરવા(હ) ખાતે ૨ ટીમ તેમજ જાંબુઘોડા અને ઘોઘંબા ખાતે ૧-૧ ટીમની નિમણૂંક કરવામાં આવી છે,

જે મુજબ ગોધરા તાલુકામાં ડો. એન.એમ. ગોસાઈ (મોબાઈલ નંબર-૯૯૭૯૮૫૭૧૮૫), મોરવા (હ) તાલુકામાં ડો. જે.વી. પટેલ (મોબાઈલ નંબર-૯૨૬૫૨૮૬૦૧૯), કાલોલ તાલુકામાં ડો. વી.કે.પરમાર (મોબાઈલ નંબર- ૯૪૨૭૩૯૯૭૩૫), હાલોલ તાલુકામાં ડો. વી.એસ.પટેલ (મોબાઈલ નંબર-૯૫૩૭૭૧૫૮૧૬), શહેરા તાલુકામાં ડો. એ.બી. કાનાણી (મોબાઈલ નંબર- ૯૭૨૬૪૮૮૧૪૧), જાંબુઘોડા તાલુકામાં ડો. દીપા પરીખ (મોબાઈલ નંબર- ૯૧૦૬૯૦૧૪૨૨), ઘોઘંબા તાલુકામાં ડો.એન.એ. પટેલ (મોબાઈલ નંબર- ૮૨૦૦૭૨૭૫૮૩) અને ડો. વી.બી. પટેલ (મોબાઈલ નંબર- ૯૦૯૯૬૨૧૫૧૫) ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે ઉપલબ્ધ રહેશે. જે કોઈ પણ વ્યક્તિને ઘાયલ પશુ-પક્ષી જોવા મળે તો તેમણે ઉપર મુજબના પશુ ચિકિત્સકને તેમના મોબાઈલ નંબર પર સંપર્ક કરવા વિનંતી છે.  આ ઉપરાંત, કરૂણા અભિયાનની એમ્બ્યુલન્સનો નંબર ૧૯૬૨ પણ સતત કાર્યરત રહેશે.

જિલ્લા કલેક્ટરશ્રીએ બેઠકમાં આ અભિયાન અને કરૂણા હેલ્પલાઈન અંગે તેમજ પર્વ દરમિયાન પતંગ દોરાથી પક્ષીઓ ઘાયલ ન થાય તે અંગે લોકજાગૃતિ કેળવવા બાબત સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.  આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, નાયબ વનસંરક્ષકશ્રી ,નાયબ પશુપાલન નિયામક સહિત નગરપાલિકા અને પોલિસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.