Western Times News

Gujarati News

શહેરના સ્માશનગૃહોનું ૩૦ કરોડના ખર્ચે નવીનીકરણ થશે

files Photo

અમદાવાદ: શાસક પક્ષ ભાજપ દ્વારા સ્ટેન્ડીંગ કમીટીની આજની બેઠકમાં મંજૂર કરેલા બજેટમાં રૂ.૩૦ કરોડના ખર્ચે શહેરના તમામ સ્મશાનગૃહોનું નવીનીકરણ કરી તેને સુવિધાયુકત બનાવવાની વાત રજૂ કરવામાં આવી હતી. ખાસ કરીને સ્મશાનગૃહોમાં પર્યાવરણલક્ષી ઓછા લાકડાનો વપરાશ થાય તેવી પધ્ધતિ અપનાવવા પર ભાર મૂકાયો છે.

જે મુજબ, જે સ્મશાનગૃહોમાં હાલ લાકડાની પધ્ધતિ પ્રવર્તમાન છે અને સીએનજી ભઠ્ઠીની વ્યવસ્થા નથી તેવા સ્મશાન ગૃહોમાં સીએનજી ભઠ્ઠીની સુવિધા ઉપલબ્ધ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, શહેરના હજુ પણ ઘણા સ્મશાનગૃહોમાં મૃતદેહોના  અગ્નિસંસ્કાર માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અમદાવાદ શહેરમાં ૨૪ જેટલા સ્મશાનગૃહો આવેલા છે, તેમાંથી ૧૨ જેટલા સ્મશાનગૃહોમાં ૧૯ સીએનજી ભઠ્ઠીની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

જયારે બાકીના સ્મશાનગૃહોમાં લાકડા આધારિત પધ્ધતિ અમલી હોઇ મોટા પ્રમાણમાં લાકડાનો ઉપયોગ થતો હોઇ પર્યાવરણલક્ષી આશયથી આ સ્મશાનગૃહોમાં સીએનજી ભઠ્ઠીની સુવિધા ઉપલબ્ધ બનાવાય તો લાકડાનો વપરાશ નિવારી શકાય., તેથી તે દિશામાં કાર્યવાહી કરાશે. ઉપરાંત, આ સ્મશાનગૃહોના નવીનીકરણની સાથે ચોવીસ કલાક ત્યાં સફાઇ વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, સ્ટોર રૂમ, વોટર કુલર, ધાર્મિક સંગીત માટે મ્યુઝિક સીસ્ટમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાશે.

સૌથી મહત્વનું કે, સ્મશાનગૃહ ખાતેથી જ મરણ નોંધણીના પુરાવા રજૂ કર્યેથી મરણનું પ્રમાણપત્ર મેળવી શકાય તેવી વ્યવસ્થા કરવાનું આયોજન હાથ ધરાયું છે. આ સિવાય, વાડજ સ્મશાનગૃહની કામગીરી અગ્રીમતાના ધોરણે પૂર્ણ કરવા, ચાંદખેડા ખાતે નવુ સ્મશાનગૃહ બનાવવા અને વીએસ હોસ્પિટલના સ્મશાનને મોડલ સ્મશાનગૃહ તરીકે તૈયાર કરવાનું પણ બજેટમાં ઠરાવાયું છે. આ સિવાય, શહેરના નાગરિકો સીએનજી અને ઇલેક્ટ્રીકલ સ્મશાનગૃહની ઉપલબ્ધતા એએમસી એપમાં જાઇ શકે તેવું પણ આયોજન કરાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.